નોટબંધી પછી ઘેરબેઠાં કમાણીનું સાધન

નોટબંધીને 8 નવેમ્બરે જ એક વર્ષ પૂર્ણ થયું, ત્યારે બધાંએ તેના લેખાંજોખાંની ખૂબ ચર્ચા કરી, દરેક મીડિયામાં તેની ડિબેટ આવી ગઈ, સરકાર અને વિપક્ષ બંને આમનેસામને આવી ગયાં હતાં. ખૂબ હલ્લાબોલ થયો, નોટબંધી વખતે જેટલો વિરોધ નહોતો થયો તેના કરતાં વધારે ડિબેટ થઈ ગઈ, અખબારોમાં પણ પાનાં ભરીને નોટબંધીનું એક વર્ષ કેવું રહ્યું, તેની ચર્ચા આવી. નોટબંધી ટોટલ નિષ્ફળ ગઈ છે, તેવો સીધો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે તો નોટબંધીને જનતા લૂંટ કહી હતી અને જીએસટીને ટેક્સ ટેરરિઝમ કહ્યું હતું.

નોટબંધી થયા પછી આમ જનતાએ ઘરમાં રોકડ રકમ રાખવાનું બંધ કરી દીધું છે. તે રકમનું રોકાણ કર્યું, કયાં રોકાણ કર્યું, તેની વગતો જાણીએ…નોટબંધીની જાહેરાત પછી શેરબજારમાં એકદમ ઝાટકો વાગ્યો હતો, પણ ત્યાર પછી શેરબજારમાં એકતરફી ઐતિહાસિક તેજી થઈ હતી. વિદેશી નાણાં સંસ્થાઓ નેટ સેલર છતાં શેરબજારમાં તેજીની આગેકૂચ જળવાઈ હતી. નોટબંધીના એક વર્ષમાં સેન્સેક્સ અને નિફટીએ રેકોર્ડબ્રેક નવા ઊંચા લેવલ બતાવ્યા હતાં. બીજી તરફ જોઈએ તો ભારતની ઈકોનોમીને મોટો સેટબેક સહન કરવો પડ્યો હતો. જીડીપી ગ્રોથ સતત ઘટી 5.7 ટકાના નીચા સ્તરે આવી ગયો હતો. 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી રદ થઈ જતાં લોકોએ ઘરમાં રહેલી રોકડ રકમ બેંકમાં જમા કરાવી હતી. જાણે પ્રજા પાઠ શીખી કે ઘરમાં જરુર વગરના પૈસા રાખવા નહીં. મોટી કેશ રાખવું ટેન્શનનું કામ છે. નોટબંધી પછી આમ જનતાએ વધુ નફો કમાવા માટે મ્યુચ્યુઅલ ફંડોમાં નાણાંનું રોકાણ શરૂ કર્યું, અને મ્યુચ્યુઅલ ફંડોમાં એસઆઈપીના રૂપમાં ખૂબ પૈસા આવ્યાં છે. એસઆઈપી દ્વારા આવેલા નાણાંનું મ્યુચ્યુઅલ ફંડોએ સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યું હતું, જેને પગલે જોવા જઈએ તો દર મહિનાની 1થી 10 તારીખમાં શેરબજારમાં નવી તેજી જોવા મળતી હતી. મહિનાની શરૂઆતના દિવસોમાં જ મ્યુચ્યુઅલ ફંડોમાં આવેલા નાણાંના રોકાણનો અવિતરણ પ્રવાહ હજી પણ ચાલુ રહ્યો છે. સેન્સેક્સ અને નિફટી નવી હાઈ બનાવી છે, માર્કેટ રિસ્કી બન્યું છે, તેમ છતાં રોકાણ આવી રહ્યું છે. નોટબંધીનો સૌથી મોટો ફાયદો મ્યુચ્યુઅલ ફંડો મેળવી ગયાં છે, એ બાબત નોંધનીય છે.નોટબંધીના એક વર્ષમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં લાર્જ કેપમાં 41 ટકા, મિડકેપ અને સ્મોલકેપમાં 67 ટકા જેટલું જંગી રિટર્ન્સ મળ્યું છે. હાલ માર્કેટમાં વ્યાજ દર હજી ઘટી રહ્યાં છે. આરબીઆઈ વ્યાજ દર વધુ ઘટાડવાના મુડમાં છે.  સોનાચાંદીમાં જોઈએ તેટલું રીટર્ન્સ હવે મળે તેમ નથી. રીઅલ એસ્ટેટમાં ભાવ વધી ગયા છે. મોદી સરકાર બેનામી સંપત્તિનો કાયદો લાવશે એવા ડરથી હવે જમીનમકાનમાં રોકાણ કરતા લોકો ડરે છે. રોકાણકારો પાસે હવે રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડો દ્વારા સ્ટોક માર્કેટનો જ ઓપ્શન છે. આથી રોકાણકારોએ એસઆઈપી કરીને ફંડોમાં રોકાણ શરૂ કર્યું છે.

નોટબંધી પછી લોકોએ તમામ રોકડ રકમ બેંકોમાં જમા કરાવી દીધી, જે પછી બેંકો પાસે રોકડ રકમ વધી ગઈ. પણ લોન માટે ગ્રાહકો મળ્યાં નહી. જેથી આરબીઆઈએ બેંકોમાં ફિકસ્ડ ડિપોઝીટના રેટ ઘટાડી દીધાં. હવે રોકાણકાર જાય તો જાય કયાં… આથી નાછૂટકે રોકાણકારને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું પડ્યું છે. પણ નોટબંધીના એક વર્ષમાં આ નવા રોકાણકારોને ભારે વળતર મળ્યું છે. અત્યાર હાલ જોઈએ તો સામાન્ય પરિવારોમાં એસઆઈપીની ઘણી ચર્ચા થાય છે. ઓકટોબર-2017માં મ્યુચ્યુઅલ ફંડોને રૂ.3434 કરોડ કલેક્શન થયું હતું, જે સપ્ટેમ્બર 2017માં રૂ.5516 કરોડનું કલેક્શન થયું જે 60 ટકાનો વધારો દર્શાવે છે.

ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝની એસેટ અંડર મેનેજમેન્ટ(એયુએમ) સપ્ટેમ્બર 2017માં રૂપિયા 21.45 લાખ કરોડ હતી. જે વર્ષ પહેલાં રૂ.16.51 લાખ કરોડ હતી. એક બાબત એ પણ નોંધવા જેવી છે કે ટોપ 15 શહેરોની બહારથી પણ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ આવ્યું છે.

ટૂંકમાં નોટબંધી મ્યુચ્યુઅલ ફંડોને ફળી છે, તે પછી ફંડોમાં રોકાણ કરનારાઓને પણ ફળી છે. એસઆઈપીએ સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે. રોકાણકારોએ પણ દર મહિને રીકરિંગની જેમ એસઆઈપી કરીને બચત કરવાની ટેવ પાડવી જોઈએ. હા મ્યુચ્યુઅલ ફંડો સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે. માર્કેટ ઘટે ત્યારે મ્યુચ્યુઅલ ફંડો નેગેટિવ રીટર્ન્સ આપી શકે છે, તે જોખમોને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું સલાહભર્યું છે.