૨૦૩૦ સુધીમાં ભારતે નવા ૫૫ એરપોર્ટ્સ બાંધવા પડશે

ભારતમાં મુલ્કી ઉડ્ડયન ક્ષેત્રની સ્થિતિ દેખાય છે એટલી સારી નથી. દેશનું એરપોર્ટ નેટવર્ક કટોકટી જેવી સ્થિતિમાં આવી ગયું છે.

આ ચેતવણી CAPA નામના એક એવિએશન એનાલિસીસ ગ્રુપે આપી છે.

તેણે આપેલા અહેવાલમાં જણાવાયું છે કે ભારતે જો વિમાન સેવાના ક્ષેત્રમાં મોટી કટોકટી ઊભી થતી ટાળવી હોય તો બીજા ૫૫ એરપોર્ટ્સ બાંધવા પડશે.

દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા મહાનગરોમાં તો નવા વિમાનીમથકો બંધાઈ જ રહ્યા છે, પણ પુણે, શ્રીનગર, અગરતલા, ગુવાહાટી, કોળીકોડે જેવા નાના શહેરોમાં જે એરપોર્ટ્સ છે એમની વિમાન સેવા સંચાલનની ક્ષમતા હવે પૂરી થઈ ગઈ છે. આ વિમાનીમથકો ખાતે વિમાન સેવા માંડ માંડ ચાલી રહી છે.

મોટી સમસ્યા ઊભી થતી રોકવા માટે ભારતે ૨૦૩૦ની સાલ સુધીમાં નવા ૫૫ એરપોર્ટ્સની જરૂર પડશે.

મોટા પડકારો કયા છે?

સૌથી મોટી ચેલેન્જ છે – એરાઈવલ અને ડિપાર્ચર સ્લોટ્સની પ્રાપ્તિ. રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયા આવતા પાંચ વર્ષમાં પોતાના કાફલામાં ૩૫૦થી ૪૦૦ વિમાનો ઉમેરવાની છે. દેશમાં ઘણા નાના શહેરોના એરપોર્ટ પર નવા વિમાનોને પાર્ક કરવાની સમસ્યા નડશે.

ભારતનું એરપોર્ટ નેટવર્ક ૨૦૨૨ની સાલ સુધીમાં એની મહત્તમ માળખાકીય ક્ષમતાએ પહોંચશે. જો નવા એરપોર્ટ્સ બાંધવાની યોજનાઓમાં વિલંબ થશે તો ક્ષમતાને લગતી સમસ્યાનો વહેલો સામનો કરવો પડશે.

૨૦૩૦ની સાલ સુધીમાં ભારતમાં નવા ૫0-૬૦ કરોડ વિમાન મુસાફરો ઉમેરાશે. એ માટે એરપોર્ટ્સને બીજી દોઢ લાખથી લઈને બે લાખ એકરની જમીનની જરૂર પડશે.

ભારતે એ માટે અંદાજે ૩૬-૪૫ અબજ ડોલરનું મૂડીરોકાણ કરવું પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]