અમેરિકામાં ભારતીય કંપનીઓ દ્વારા ૧,૧૩,૦૦૦ નોકરીઓનું નિર્માણ

અમેરિકા તથા પ્યૂર્ટો રિકોમાં બિઝનેસ કરતી ૧૦૦ ભારતીય કંપનીઓએ ૧,૧૩,૦૦૦થી વધુ નોકરીઓનું નિર્માણ કર્યું છે અને અમેરિકામાં લગભગ ૧૮ અબજ યૂએસ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે.

આ જાણકારી કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ભારતીય કંપનીઓએ અમેરિકામાં સંશોધન તથા વિકાસકાર્યો માટે કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ રૂપે ૧૪ કરોડ યૂએસ ડોલરનું યોગદાન આપ્યું છે.

ભારતીય કંપનીઓએ આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે રોજગારની તકોનું નિર્માણ કર્યું છે – ન્યૂ જર્સી, ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂ યોર્ક અને જ્યોર્જિયા.

ભારતીય કંપનીઓએ અમેરિકાના જે પાંચ રાજ્યોમાં સૌથી વધારે ફોરેન ડાયરેક્ટ મૂડીરોકાણ કર્યું છે એના નામ છે – ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી, મેસેચ્યૂશેટ્સ, કેલિફોર્નિયા અને વ્યોમિંગ.

ભારતીય કંપનીઓએ ન્યૂ જર્સીમાં ૮,૫૭૨ નોકરીઓનું નિર્માણ કર્યું છે તો ટેક્સાસમાં ૭,૨૭૧, કેલિફોર્નિયામાં ૬,૭૪૯, ન્યૂ યોર્કમાં ૫,૧૩૫ અને જ્યોર્જિયામાં ૪,૫૫૪ નોકરીઓનું નિર્માણ કર્યું છે.

અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત નવતેજ સર્નાના જણાવ્યા મુજબ, ભારતીય ઉદ્યોગજગત તથા પ્રોફેશનલ વ્યક્તિઓ અમેરિકાના અર્થતંત્રમાં ઉલ્લેખનીય યોગદાન આપી રહ્યાં છે. અમેરિકામાં ભારતીય કંપનીઓની હાજરી તથા પહોંચ દર વર્ષે વધી રહી છે. આ કંપનીઓ સમગ્ર અમેરિકામાં અબજો ડોલર ઈન્વેસ્ટ કરે છે અને નોકરીઓનું નિર્માણ કરે છે.

અમેરિકાના કોંગ્રેસીજન (સંસદસભ્ય) પીટ સેશન્સનું કહેવું છે કે ભારતીય ઉદ્યોગજગતને કારણે ટેક્સાસમાં લાખો ડોલરનું મૂડીરોકાણ થયું છે અને હજારોની સંખ્યામાં નોકરીઓનું નિર્માણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે હાથ ધરેલા આર્થિક સુધારાને પગલે અમેરિકાની કંપનીઓને પણ ભારતમાં એમની બિઝનેસ કામગીરીઓનો વિસ્તાર કરવા માટે મોકળો માર્ગ મળ્યો છે.

પીટ સેશન્સે એમ પણ કહ્યું છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રમાં ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા વધારે ગાઢ બની છે.

ભારતની ૮૭ ટકા કંપનીઓએ આવતા પાંચ વર્ષમાં સ્થાનિક સ્તરના જ વધારે કર્મચારીઓને નોકરીએ રાખવાનું નક્કી કર્યું છે.