પ્રિયા રાજવંશઃ બીજાના પતિની હીર

કોઇ અભિનેત્રીએ કારકિર્દીમાં માત્ર એક જ નિર્દેશક અને તેમના બેનરની ફિલ્મોમાં જ કામ કર્યું હોય એવો પ્રિયા
રાજવંશ જેવો બીજો કિસ્સો બોલિવૂડમાં શોધવો મુશ્કેલ છે. નિર્દેશક ચેતન આનંદના પત્નીએ જ્યારે ફિલ્મમાં કામ કરવા
માટે તે સમયે વીરા સિંઘ એટલે કે પ્રિયા રાજવંશને કહ્યું ત્યારે એમને કલ્પના નહીં હોય કે સોળ વર્ષ નાની ઉંમરની એ
છોકરી પતિના અંગત જીવનમાં પણ હીર બની જશે. પ્રિયાએ માત્ર ચેતનની અને તે પણ ગણતરીની જ સાત ફિલ્મો
હકીકત(૧૯૬૪), હીર રાંઝા(૧૯૭૦), હિન્દુસ્તાન કી કસમ(૧૯૭૩), હંસતે ઝખ્મ(૧૯૭૩), સાહેબ બહાદુર(૧૯૭૭),
કુદરત(૧૯૮૧) અને હાથોં કી લકીરેં(૧૯૮૬) માં કામ કર્યું હતું. પ્રિયાએ હંટરવાલી જેવી ફિલ્મો ઉપરાંત દિગ્ગજ ગણાતા રાજ કપૂર અને સત્યજીત રે જેવા નિર્દેશકોની ફિલ્મોની ઓફરો પણ ઠુકરાવી દીધી હતી.

 

પ્રિયાએ સેક્રેટરી રાખ્યો ન હોવાથી પોતાને ઓફર થતી દરેક ફિલ્મ વિશે ચેતન આનંદ સાથે ચર્ચા કરતી હતી અને
તે સ્ક્રિપ્ટ મંજુર કરે એમાં જ કામ કરતી હતી. એમ પણ કહેવાય છે કે બંને ભાઇઓ વિજય આનંદ અને દેવ આનંદ તેમની ગાઇડનું નિર્દેશન ચેતન આનંદ કરે એમ ઇચ્છતા હતા ત્યારે ચેતનનો આગ્રહ હીરોઇન તરીકે પ્રિયાને લેવાનો હતો, પણ પ્રિયા પાસે નૃત્યની બહુ આવડત ન હોવાથી વિજય અને દેવ અભિનેત્રી વહિદા રહેમાન પર પસંદગી ઉતારી ચૂક્યા હતા. એટલે ચેતને એનું નિર્દેશન કર્યું ન હતું.

ચેતન આનંદ પત્ની ઉમાથી અલગ થયા એ વર્ષે જ પ્રિયાનો તેમના જીવનમાં પ્રવેશ થયો હતો. એ માટે પત્ની ઉમાએ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. પટકથા લેખક મોઇન બેગ દ્વારા આ વાત કહેવામાં આવી છે. ઉમાએ ચંદીગઢમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રિયાનું પ્રદર્શન જોયા પછી તેનાથી પ્રભાવિત થઇને ફિલ્મકાર પતિ ચેતન આનંદનો સંપર્ક કરવા કાર્ડ આપ્યું હતું. પરંતુ ફિલ્મોમાં શરૂઆત કરતાં પહેલાં અભિનયમાં વધુ નિપુણ થવા પ્રિયા લંડનની રોયલ એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટસ (રાડા) માં ગઇ. અને તે ભારતની એકમાત્ર એવી અભિનેત્રી બની રહી જેની
તસવીર ત્યાં મૂકવામાં આવી.

રાડામાં અભ્યાસક્રમ પૂરો કર્યા પછી પ્રિયાએ પોતાની તસવીર ચેતન આનંદને મોકલી ત્યારે ફિલ્મ હીર રાંઝા
માટે તે નવો ચહેરો શોધી રહ્યા હતા. તેમણે તસવીર જોઇને તરત મુંબઇ આવી જવા પ્રિયાને ટેલિગ્રામ કર્યો. પ્રિયાને તેમણે તરત હીર રાંઝા માટે રાજકુમાર સામે પસંદ કરી લીધી અને શુટિંગ શરૂ કરી દીધું. કેટલાક કાબૂ બહારના સંજોગોને કારણે ફિલ્મ વચ્ચે અટકી ગઇ. આ સમયમાં ચેતને ભારત-ચીન યુધ્ધ પરની હકીકતનું નિર્દેશન કર્યું. એમાં પણ પ્રિયાને જ હીરોઇન તરીકે લીધી. હકીકતના છ વર્ષ પછી હીર રાંઝા રજૂ થઇ. ત્રણ કલાક લાંબી હોવાથી ફિલ્મને મિશ્ર પ્રતિભાવ મળ્યો. પછી ચાળીશ મિનિટ ટૂંકી કરીને રજૂ કરવામાં આવી અને સુપરહિટ થઇ ગઇ. ફિલ્મના યે દુનિયા યે મહેફિલ અને દો દિલ તૂટે, દો દિલ હારે જેવા ગીતો બિનાકા ગીતમાલામાં ટોપ પર રહ્યા હતા.

અભિનયમાં પ્રવેશના છ વર્ષ પછી પ્રિયા એવી ચર્ચામાં આવી ગઇ કે નિર્માતાઓએ તેને સાઇન કરવા રસ બતાવ્યો. ત્યારે ચેતન આનંદ સાથેના સંબંધને કારણે તેણે બહારની કોઇ ફિલ્મ સ્વીકારી નહીં. ચેતનની પત્નીએ છૂટાછેડા ના આપ્યા એટલે બંને વર્ષો સુધી લિવ ઇન સંબંધમાં રહ્યા. પ્રિયાએ બીજા નિર્દેશકોની ફિલ્મો કરવાને બદલે ચેતન આનંદની ઓફિસ સંભાળવામાં અને એમની ફિલ્મોની સ્ક્રિપ્ટ લખવામાં મદદ કરી હતી.

(રાકેશ ઠક્કર- વાપી)