સંગીતકાર વિશાલ ભારદ્વાજને ‘મકડી’ બનાવવાનું ભૂત ભરાયું!

નિર્દેશક વિશાલ ભારદ્વાજને બાળ ફિલ્મ ‘મકડી’ (2002) બનાવવા કરતાં વેચવામાં કેટલી મુશ્કેલી પડી હતી અને ‘મકબૂલ’ ની આખી સ્ટારકાસ્ટ કેવી રીતે બદલાઈ હતી એના રસપ્રદ કિસ્સા એમના સહાયક રહેલા નિર્દેશક અભિષેક ચૌબેએ એક મુલાકાતમાં કહ્યા હતા. વિશાલ સંગીતકાર તરીકે જાણીતા થઈ ચૂક્યા હતા ત્યારે એમને અચાનક નિર્દેશક તરીકે હોરર ફિલ્મ ‘મકડી’ બનાવવાનું ભૂત ભરાયું હતું. એક વખત વિશાલ ક્યાંક ક્રિકેટ મેચ રમવા ગયા હતા અને હારીને પાછા ફરી રહ્યા હતા ત્યારે એમનો મૂડ બહુ ખરાબ હતો. કોઈએ એમને હસાવવા માટે એક લોકકથાનો ઉલ્લેખ કરી પ્રસંગ સંભળાવ્યો. એ વાર્તામાં એક છોકરી પાંદડામાંથી મરઘીનો આકાર બનાવીને એને ખાય છે પછી તે મરઘી બની જાય છે. જેને કસાઈ કાપીને ખાઈ જાય છે. એ પરથી વિશાલને ફિલ્મ ‘મકડી’ બનાવવાનો વિચાર આવ્યો હતો. એમાં બાળકોની વાર્તા અને ડાકણોની અંધશ્રદ્ધા પર વ્યંગ કરવામાં આવ્યો હતો.

આ કોમેડી-હોરર ફિલ્મમાં શબાના આઝમીએ ડાકણની અને શ્વેતા બાસુ પ્રસાદે જોડિયા બહેનોની ભૂમિકા ભજવી હતી. વિશાલને નિર્દેશનનો બિલકુલ અનુભવ ન હતો. કોઈએ સૂચન કર્યું કે કોઈ એવી વ્યક્તિને રાખીને કામ શરૂ કરવું જોઈએ જેને સહાયક નિર્દેશક તરીકેનો અનુભવ હોય. એમણે જાણ્યું કે અભિષેક ચૌબે નામનો યુવાન છે જેને સહાયક નિર્દેશકનો સારો અનુભવ છે. અસલમાં અભિષેક 20 વર્ષની ઉંમરે જમશેદપુરથી મુંબઇ ફિલ્મોમાં કારકિર્દી બનાવવા આવ્યો હતો. અને ‘માસ કમ્યુનિકેશન’ નો કોર્સ કર્યો હતો.

 

શરૂઆતમાં મરાઠી સિરિયલોના પ્રોડકશનમાં કામ મળ્યું હતું. એ પછી પહેલી વખત ફિલ્મ ‘શરારત’ માં સહાયક તરીકે કામ મળ્યું. પણ એ મુખ્યધારાની ફિલ્મ હતી અને અભિષેક એવી ફિલ્મ બનાવવા માંગતો ન હતો. એણે એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યારે સમાચાર મળ્યા કે વિશાલ ભારદ્વાજ બાળકો માટે એક ફિલ્મ બનાવી રહ્યા છે અને એમને સહાયક નિર્દેશકની જરૂર છે. અભિષેકને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો. વિશાલ કે એમના મિત્રો નિર્દેશન વિશે કશું જાણતા ન હતા એટલે શું પૂછવું એની પણ ખબર ન હતી. વિશાલે અભિષેકને એમ પૂછ્યું ન હતું કે તને કામ આવડે છે કે નહીં. પહેલો સવાલ ફિલ્મની વાર્તાના અનુસંધાનમાં પૂછ્યો કે તું ભૂતપ્રેતમાં માને છે?!

અભિષેકે લગભગ એક કલાક સુધી વિશાલ સાથે વાત કરી અને ઘરે જતો રહ્યો. પછીથી વિશાલે એને ‘મકડી’ માં સહાયક નિર્દેશક તરીકે રાખી લીધો. અભિષેકને ત્રણ મહિના માટે રોકવામાં આવ્યો હતો. એ માટે યોગ્ય કહી શકાય એટલા પૈસા મળવાના હતા. અભિષેકને ડોક્યુમેન્ટ્રી જ બનાવવી હતી પરંતુ ઘર ચલાવવા પૈસાની જરૂર હતી તેથી ‘મકડી’ માં જોડાઈ ગયો. થયું એવું કે પછી ક્યારેય તે પોતાની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પૂરી કરી શક્યો નહીં. અભિષેકને અનુભવ હતો એટલે દસ દિવસમાં બધી તૈયારી કરાવીને ‘મકડી’ શરૂ કરાવી દીધી.

વિશાલ ભારદ્વાજે અભિષેક ચૌબે પાસેથી જ નિર્દેશનનો કક્કો શીખ્યો હતો. અભિષેક એ પછી વિશાલ સાથે ‘મકબૂલ’ (2004) અને ‘ઓમકારા’ (2006) માં સહાયક નિર્દેશક રહ્યો હતો. ‘મકડી’ તૈયાર થયા પછી એ વેચાઈ રહી ન હતી. પરંતુ વિશાલે સાથે સાથે ‘મકબૂલ’ નું આયોજન શરૂ કરી દીધું હતું. તે ‘મકડી’ ફિલ્મની રીલ્સ પોતાની કારમાં લઈને કેટલાય નિર્માતાઓ અને વિતરકોની ઓફિસ પર જતાં હતા.

(વિશાલની ફિલ્મ ‘મકડી’ કેવી રીતે વેચાઈ અને ‘મકબૂલ’ ની સ્ટારકાસ્ટમાં કેવા ફેરફાર થતાં ગયા એની રસપ્રદ વાતો હવે પછીના લેખમાં વાંચશો.)