કોકિલકંઠી ગાયિકા વાણી જયરામ

દેશના ટોચના ગાયિકાઓમાં જેમનું નામ લેવામાં આવે છે એ વાણી જયરામ આજે ૭૫ વર્ષના થયાં. ૩૦ નવેમ્બર, ૧૯૪૫ના રોજ તમિલનાડુના વેલ્લોરમાં એમનો જન્મ. હિન્દી ફિલ્મો કરતાં વધુ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ગાયું. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ઉપરાંત ગઝલ, ઠુમરી અને ભજનગાયિકા તરીકે એમનું નામ જાણીતું છે. ત્રણ વાર શ્રેષ્ઠ ગાયિકાના નેશનલ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે.

 

૧૯૭૧થી શરૂ થયેલી વાણી જયરામની કારકિર્દી ચાર દાયકાથી વધુ સમય સુધી વિસ્તરી છે. એક અંદાજ પ્રમાણે એમણે એક હજારથી વધુ ભારતીય ફિલ્મોમાં, લગભગ દસ હજારથી વધુ ગીતો ગાયા છે. આ ઉપરાંત, ભારતમાં અને વિદેશમાં એમણે અનેક સોલો કોન્સર્ટ કરી છે.

તમિલનાડુના વેલ્લોરમાં કલાઈવાણી રૂપે એમનો શાસ્ત્રીય સંગીતના તાલીમબદ્ધ પરિવારમાં જન્મ થયો હતો. છ બહેનો અને ત્રણ ભાઈઓમાં એ પાંચમા દીકરી હતા. માતા પદ્માવથીએ એમને શાસ્ત્રીય ગાયનની તાલીમ અપાવી હતી. એ પછી મોટા પંડિતો પાસેથી કર્ણાટકી શૈલીનું શાસ્ત્રીય સંગીત પણ શીખ્યા. આઠ વર્ષની ઉંમરે વાણીએ પહેલો કાર્યક્રમ આકાશવાણી, મદ્રાસ સ્ટેશન પર આપ્યો હતો.

વાણી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મદ્રાસ ઓફિસમાં નોકરી કરતાં હતાં. સાઠના દાયકામાં લગ્ન કરીને એ મુંબઈ આવ્યાં. પતિએ એમને ઉસ્તાદ અબ્દુલ રેહમાન ખાન પાસે પતિયાલા ઘરાનાના સંગીતની તાલીમ માટે મૂક્યા. કઠોર તાલીમના કારણે પછીથી એમણે બેંકની નોકરી છોડી સંગીતને જ વ્યવસાય તરીકે અપનાવી લીધું.

૧૯૭૧માં વાણી જયરામે ‘ગુડ્ડી’ ફિલ્મ માટે ત્રણ ગીતો રેકોર્ડ કર્યા. મલ્હાર રાગમાં ‘બોલ રે પપીહરા’ માટે એમને તાનસેન સન્માન મળ્યું. એ પછી તો હિન્દી ફિલ્મોના સંગીતકારો નૌશાદ (પાકીઝા), મદન મોહન (એક મુઠ્ઠી આસમાન), ઓ.પી. નૈયર, ચિત્રગુપ્ત, રાહુલ દેવ બર્મન અને જયદેવ જેવાના નિર્દેશનમાં ગાયું. પંડિત રવિશંકરના સંગીતમાં ગુલઝારની ફિલ્મ ‘મીરાં’ માટે ગાવા બદલ એમને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. ૧૯૭૪થી એ મુંબઇ છોડી મદ્રાસ પરત ગયા અને દક્ષિણની ફિલ્મોના જાણીતા ગાયિકા બની ગયાં. દેશના તમામ જાણીતા સંગીતકારોના નિર્દેશનમાં વાણીના સ્વર ખીલતાં રહ્યાં.

(નરેશ કાપડીઆ-સુરત)