પંજાબી લોકગીતો અને હિન્દી ફિલ્મોના ગાયિકા સુરીન્દરનો જન્મ આજના પાકિસ્તાનના લાહોરમાં ૨૫ નવેમ્બર ૧૯૨૯ના રોજ થયો હતો. પંજાબના લોક ગીતોને વિશિષ્ટ હલકથી ગાઈને ખૂબ લોકપ્રિય બનાવવા માટે અને પંજાબી પોપ સોંગ્સનું નવું જ માર્કેટ વિકસાવવા માટે એમને હંમેશા યાદ કરાશે.
પંજાબી સંગીતને લોકપ્રિય બનાવવા બદલ એ ‘નાઈટિંગલ ઓફ પંજાબ’ તરીકે પણ ઓળખાતા હતા. ૧૯૪૮-૫૨ દરમિયાન સુરીન્દરજીએ હિંદી ફિલ્મોના ગીતો પણ ગાયાં છે.
લગભગ છ દાયકા સુધી વિસ્તરેલી એમની કરિયરમાં બુલે શા ના સૂફી કાફીસ ગાતાં ગાતાં એ સમકાલીન પંજાબી કવિઓ નંદલાલ નૂરપુરી, અમૃતા પ્રિતમ કે શિવકુમાર બટાલવીનાં ગીતોને પણ યાદગાર બનાવતા રહ્યા.
એમનાં લગ્ન દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર જોગીન્દર સિંઘ સાથે થયા હતા. એમની ત્રણ દીકરીમાંથી એક દીકરીએ પણ પંજાબી ફોક ગાઇને એમનો વારસો જાળવ્યો છે. ગુરુ નાનકદેવ યુનિવર્સિટીએ સુરીન્દર કૌરને ડી. લીટ. ની પદવી અનાયત કરી છે.
૨૦૦૬માં લાંબી માંદગી બાદ સુરીન્દર કૌરનું ન્યુ જર્સીમાં નિધન થયું હતું. ૧૯૮૪માં સંગીત નાટક અકાદમીનો એવોર્ડ મળ્યા પછી ૨૦૦૬માં એમને પદ્મશ્રીનું સમ્માન પણ મળ્યું છે.
(નરેશ કાપડીઆ-સુરત)
