સુપર મોડેલમાંથી હીરોઃ અર્જુન રામપાલ

હિન્દી ફિલ્મોના નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેતા અર્જુન રામપાલનો જન્મ ૨૬ નવેમ્બર, ૧૯૭૨ના રોજ જબલપુરમાં ફૌજી પરિવારમાં થયો હતો. ફિલ્મોમાં અભિનય અને નિર્માણ સાથે જોડાયા તે પહેલા એ ફેશન મોડેલ તરીકે જાણીતા બન્યા. અભિનેતા તરીકે એ સામાન્ય અને ચલણી ફિલ્મોથી અલગ પ્રકારની ફિલ્મો અને પાત્રો કરવા માટે જાણીતા છે.

અર્જુનનો પિતૃપક્ષ પંજાબી હિન્દુઓનો અને માતૃપક્ષ શીખધર્મી છે. માતા-પિતા છૂટા પડ્યા બાદ અર્જુન માતા સાથે રહીને સેન્ટ પેટ્રિક સ્કૂલમાં ભણ્યા. એમના માતા આ જ સ્કૂલમાં શિક્ષિકા હતા. દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ (ઓનર) માં ડીગ્રી મેળવ્યા પછી એ મોડેલિંગમાં આવ્યા. 1998 માં એ મેહર જેસિયા સાથે પરણ્યા. એમને બે દીકરી માહિકા અને માયરા છે.

રોમેન્ટિક ફિલ્મ ‘પ્યાર ઈશ્ક ઔર મોહબ્બત’ (૨૦૦૧) થી એમની ફિલ્મ કરિયરની શરૂઆત થઇ. પહેલી જ ફિલ્મ માટે બેસ્ટ મેલ ડેબ્યુ ફિલ્મફેર એવોર્ડથી એમના કામની સરાહના થઇ. એ પછી અનેક ઓફર્સ મળી અને નિષ્ફળ રોમેન્ટિક ફિલ્મોની લંગાર પણ લાગી. એક્શન થ્રીલર ‘અસંભવ’ અને ‘ડી-ડે’ આવી, તો મિસ્ટ્રી થ્રીલર ‘યાદેં’ અને ‘ફોક્સ’ પણ આવી. સામાજિક-રાજકીય પશ્ચાદભૂ ધરાવતી ‘ચક્રવ્યૂહ’ પણ આવી અને ‘ફેમિલીવાલા’ (૨૦૧૪) જેવી રોમેન્ટિક કોમેડી પણ આવી.

અર્જુન રામપાલને જેમાં સફળતા મળી એવી ફિલ્મોમાં ‘આંખેં’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘રોક ઓન’, ‘હાઉસફૂલ’ અને ‘રા.વન’ નો સમાવેશ થાય છે. સહાયક અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મ રોક ઓન માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.

એ પછી પોતાની ફિલ્મ નિર્માણ કંપની ચેસિંગ ગણેશ ફિલ્મ્સ શરૂ કરી અને ‘આઈ સી યુ’ (૨૦૦૬)થી ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું. ફિલ્મ નિર્માણ ઉપરાંત એ અન્ય વ્યવસાયો સાથે પણ સંકળાયેલા રહ્યા છે.

૨૦૦૮માં અર્જુન સ્ટાર પ્લસના ડાન્સ રીયાલીટી શો ‘નચબલિયે’ની ચોથી સિઝનના જજ હતા. ૨૦૧૧માં એમણે ટીવી શો ‘લવ ટુ હેટ યુ’ સ્ટાર વર્લ્ડ ઇન્ડિયા પર હોસ્ટ કર્યો, જેમાં ફિલ્મી અભિનેતાઓને ફેસ ટુ ફેસલાવીને એમના માટેના લોકોના ખ્યાલ બદલવા એ પ્રકારની થીમ હતી. ૨૦૦૮માં અર્જુને દિલ્હીમાં પોતાની નાઈટ ક્લબ શરૂ કરી હતી, જેમાં દેશના ટોચના ડીજે અને મહેમાનોને લાવીને ધૂમ મચાવી હતી.

(નરેશ કાપડીઆ-સુરત)