મહેશ ભટ્ટનું ‘અર્થ’પૂર્ણ ફિલ્મોથી ‘નામ’ થયું

અર્થ, સારાંશ, નામ, સડક, હમ હૈં રાહી પ્યાર કે, મર્ડર વગેરે ફિલ્મોથી નિર્દેશક તરીકે પોતાની એક અલગ છાપ છોડનાર મહેશ ભટ્ટ મજબૂરીમાં ફિલ્મ ક્ષેત્રમાં આવ્યા હતા અને નિર્દેશક બન્યા પછી એમની ફિલ્મોની રજૂઆતમાં બહુ અવરોધ આવ્યા હતા. પિતા નાનાભાઇ ભટ્ટ આમ તો બહુ મોટા નિર્માતા- નિર્દેશક રહ્યા હતા. લવ કુશ, મિ.એક્સ, કંગન વગેરે ઘણી ફિલ્મો બનાવી હતી. પરંતુ એમનો ખરાબ સમય આવ્યો ત્યારે ઘર-પરિવાર નબળી આર્થિક સ્થિતિમાં હોવાથી માએ મહેશને કહ્યું હતું કે પિતાને કોઈ આવક આવતી ન હોવાથી તારે કામ કરવાનું શરૂ કરવું પડશે.

મહેશ નાનું – મોટું કામ કર્યા પછી 19 વર્ષની ઉંમરે નિર્દેશક રાજ ખોસલાની ફિલ્મ ‘દો રાસ્તે’ (1969) થી ‘પ્રોડકશન મેનેજર’ તરીકે જોડાયા હતા. ‘મેરા ગાંવ મેરા દેશ’ માં સહાયક નિર્દેશક રહ્યા હતા. માત્ર 21 વર્ષની ઉંમરે કબીર બેદી- પ્રેમા નારાયણની ફિલ્મ ‘મંઝીલે ઔર ભી હૈં’ (1974) થી નિર્દેશક તરીકે તક મળી હતી. પરંતુ પહેલી ફિલ્મ સેન્સરમાં એવી ફસાઈ ગઈ કે રજૂ થતાં એક વર્ષ લાગ્યું હતું. બે ગેંગસ્ટર અને વેશ્યાની વાર્તાનો ફિલ્મનો વિષય એ સમય પર લોકોને આંચકો આપે એવો હતો. લગ્નની જે પ્રથા છે એને નુકસાન પહોંચાડે એવો વિષય હોવાનું જણાવી સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જારી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેથી ફિલ્મમાં ફેરફાર કરીને સેન્સરમાં પાસ કરાવ્યા પછી રજૂ કરવામાં આવી હતી પણ ચાલી નહીં. એ પછી લહૂ કે દો રંગ વગેરે મળી ચાર ફિલ્મો કરી એ ફ્લોપ રહી.

મહેશની નિર્દેશક તરીકેની કારકિર્દી લગભગ પૂરી જ થઈ ગઈ હતી. દીપક મહાન સાથેની મુલાકાતમાં  કારકિર્દી વિષે વાત કરતી વખતે એમણે સ્વીકાર્યું હતું કે ફિલ્મો ના ચાલી એના માટે પોતે જ જવાબદાર હતા. એમણે આત્મમંથન કર્યું અને પછીની ફિલ્મમાં સ્ક્રીપ્ટનું નેરેટિવ બદલવાનું નક્કી કર્યું. જોકે, બીજી ચાર ફિલ્મો લોકપ્રિય અને સફળ ના થઈ ત્યાં સુધી મહેશનું નિર્દેશક તરીકે નામ ના થયું. ત્યારે ગોવિંદ નિહલાની, શ્યામ બેનેગલ વગેરેની નાના બજેટની અને વાસ્તવિક ફિલ્મોથી એક નવા સિનેમાનો જન્મ થઈ ચૂક્યો હતો. એમણે એમાં જોડાઈને પોતાના જ જીવન પરના પ્રસંગોને આવરી લઈ ‘અર્થ’ (1982) બનાવી.

આ ફિલ્મ એના અંતને કારણે એક વર્ષ સુધી રજૂ થયા વગર પડી રહી હતી. વિતરકોએ એમ કહીને ના પાડી દીધી હતી કે ભારતમાં આવો અંત કોઈ સ્વીકારી શકે નહીં. મહેશ ભટ્ટ જીદ પર અડી રહ્યા કે ફિલ્મ બની ગઈ છે એટલે હવે એ પ્રમાણે જ રજૂ થશે. નિર્માતા કુલજીત પાલનો પણ સહયોગ મળ્યો અને આખરે એ જ અંત સાથે ફિલ્મ રજૂ થઈ. ‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો’ જેવા જગજીત સિંહના સ્વરના ગઝલનુમા ગીતોએ ધૂમ મચાવી અને શબાના, સ્મિતા, કુલભૂષણ જેવા કલાકારોને લીધે ફિલ્મ પસંદ કરવામાં આવી. ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ નિર્દેશક તરીકે મહેશ ભટ્ટનું નામાંકન થયું હતું પણ એનાથી દામ ના મળ્યા. ત્યાર બાદ સારાંશ (૧૯૮૪), ટેલી ફિલ્મ જનમ (૧૯૮૫) અને વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મ ‘નામ’ (૧૯૮૬) આવી. ‘નામ’ પછી મહેશ ભટ્ટની આર્થિક સ્થિતિ સધ્ધર થઈ હતી અને નિર્દેશક તરીકે પણ એક અલગ સ્થાન બનાવી શક્યા હતા.

(આવતા અંકમાં જરૂર વાંચો: મહેશ ભટ્ટને ‘સારાંશ’ કેવી રીતે મળી અને એમાં યુવાન અનુપમ ખેરે વૃધ્ધની ભૂમિકા કેવી રીતે મેળવી એની રસપ્રદ અને અજાણી માહિતી!)