મહેન્દ્ર કપૂર સ્કૂલમાં ભણતા હતા ત્યારે ફિલ્મ ‘મદમસ્ત’ (૧૯૫૩) માં ગીત ગાવાની તક મળી હતી. પરંતુ યુવાન થયા અને સંગીતકાર નૌશાદે પહેલી વખત ફિલ્મ ‘સોહની મહીવાલ’ (૧૯૫૮) માં એક ગીત ગાવા કહ્યું ત્યારે પોતાની ઇજ્જત રાખવાની વિનંતી કરી હતી. મહેન્દ્રએ કોલેજમાં અભ્યાસ પૂરો કર્યો ત્યારે ગાયનની સ્પર્ધા ‘મેટ્રો મર્ફી’ માં ભાગ લીધો હતો. જેમાં બોલિવૂડના પાંચ સંગીતકારો અનિલ વિશ્વાસ, સી. રામચંદ્ર, હુસેનજી, મદનમોહન અને નૌશાદ જજ તરીકે હતા. એ માટે દરેક રાજ્યમાં ગાયકની શોધમાં ફરતા હતા. એમાં કુલ ચાર છોકરા અને ચાર છોકરીને છેલ્લે પસંદ કરવામાં આવ્યા હતા. એમાંથી એક-એક વિજેતા પસંદ કરવાના હતા.
આ માટે જ્યારે એમની મેટ્રો સિનેમામાં પ્રતિયોગિતા આયોજિત થઈ ત્યારે બધાએ સારું ગાયું અને સંગીતકારો વચ્ચે મતભેદ ઊભા થઈ ગયા. દરેકને અલગ અલગ છોકરો કે છોકરી શ્રેષ્ઠ લાગ્યા. કોઈ એક માટે નિર્ણય લઈ શકાતો ન હતો ત્યારે નૌશાદે સૂચન કર્યું કે સાંજે મહેબૂબ સ્ટુડિયોમાં બધાને ગાવા માટે બોલાવીએ અને કોણ સૌથી શ્રેષ્ઠ છે એનો નિર્ણય સ્ટુડિયોના રોકોર્ડિસ્ટ કૌશિક પર છોડી દઈએ. બધા સંગીતકારોએ એ વાતને માન્ય રાખી. કૌશિકે તટસ્થ નિર્ણય માટે સ્ટુડિયોમાં એક પડદો લગાવી દીધો જેથી ગાનારનો ચહેરો એ જોઈ ના શકે. દરેક સ્પર્ધક છોકરા- છોકરીને નંબર આપી દેવામાં આવ્યો. ગીત શરૂ કરતાં પહેલાં એમણે પોતાનું નામ નહીં પણ નંબર બોલવાનો રહેતો હતો. કૌશિકે બધાનો અવાજ સાંભળીને છોકરાઓમાં મહેન્દ્ર કપૂર અને છોકરીઓમાં આરતી મુખર્જીને શ્રેષ્ઠ જાહેર કર્યા હતા. સંગીતકારોએ એમના નિર્ણય પર મહોર મારી દીધી હતી.
આ પ્રતિયોગિતામાં વિજેતા રહેનારને સંગીતકારો પોતાની ફિલ્મમાં તક આપવાના હતા. મહેન્દ્રને નૌશાદે પહેલી વખત ગાવા બોલાવ્યા ત્યારે કહ્યું હતું કે એમણે ‘સોહની મહીવાલ’ ના ગીતો ઉપરાંત બેકગ્રાઉન્ડ સંગીત પણ આપ્યું છે. ફક્ત એક મુશ્કેલ ગીત ‘ચાંદ છુપા ઔર તારે ડૂબે’ બાકી છે. આ ગીત બહુ ઊંચા સૂરમાં છે. એના સૂર હું બદલી શકું એમ નથી. એમણે મહેન્દ્રને પૂછ્યું કે,‘તું ગાઈ શકીશ?’ ત્યારે મહેન્દ્રએ કહ્યું કે,‘તમારા આશીર્વાદ હશે તો ગાઈ શકીશ.’ નૌશાદે પોતાના ઓરકેસ્ટ્રા સાથે સ્ટુડિયોમાં સતત એક અઠવાડિયા સુધી મહેન્દ્રને રિહર્સલ કરાવ્યું. જેથી ઓરકેસ્ટ્રાથી પણ પરિચિત થઈ જાય.
રેકોર્ડિંગના છેલ્લા દિવસે નૌશાદે કહ્યું કે,‘બેટા, તારી પાસે એક ચીજ માગું છું હાથ જોડીને. તું કાલે મારી ઇજ્જત રાખી લેજે.’ આટલી મોટી જવાબદારી પોતાના પર નાખી દીધી હોવાનો ખ્યાલ આવતા મહેન્દ્ર ગભરાઈ ગયા હતા. આખી રાત ઊંઘ ના આવી. બીજા દિવસે નૌશાદે એમને એવું પ્રેમભર્યું વાતાવરણ પૂરું પાડ્યું અને હિંમત આપી કે ત્રણ કલાકમાં સાત મિનિટનું એ દરેક અંતરામાં નવા રાગવાળું મુશ્કેલ ગીત મહેન્દ્રએ સરસ રીતે ગાયું. નૌશાદે અસલમાં આ એક ગીત માટે આખા દિવસનો સ્ટુડિયો બુક કરાવી લીધો હતો. મહેન્દ્રના ગાયનથી એ એટલા ખુશ થયા હતા કે ગળે વળગીને ખુશી વ્યકત કરી હતી. ‘ચાંદ છુપા ઔર તારે ડૂબે’ ગીત સુપરડુપર હિટ રહ્યું હતું.