રવિને ‘ચૌધવી કા ચાંદ’ થી સફળતા મળી

સંગીતકાર તરીકે લોકપ્રિય ગીતો આપનાર રવિએ શરૂઆત ગાયક તરીકે અને તે પણ કોરસમાં ગાવાથી કરી હતી. રવિનો સફળતાનો સૂરજ લાંબા સમયના સંઘર્ષ પછી ફિલ્મ ‘ચૌધવી કા ચાંદ’ (૧૯૬૦) થી ઊગ્યો હતો. દસમું ધોરણ જેમતેમ પાસા કર્યા પછી દિલ્હીમાં ઇલેક્ટ્રીશીયન તરીકે પાંચ વર્ષ ૧૯૪૫ થી ૧૯૫૦ સુધી કામ કર્યું. દરમ્યાનમાં ઓલ ઇન્ડિયા રેડિયો, નવી દિલ્હીમાં ગાવા લાગ્યા હતા. ૧૯૫૦ માં પત્ની અને પુત્રીને દિલ્હી મૂકી ગાયક બનવાની ધૂન લઈ મુંબઈ આવ્યા.

પહેલાં હીરાબાગ ધરમશાળામાં નિવાસ કર્યો. ક્યારેક જગ્યા ના મળે ત્યારે રેલવે પ્લેટફોર્મ પર કે કોઈ દુકાનની બહાર બાંકડા પર સૂઈ જતાં હતા. આવીને એમણે પહેલું કામ ઇલેક્ટ્રીશીયન તરીકે શરૂ કર્યું હતું. કેમકે રવિ આવ્યા હતા ગાયક બનવા પણ કામ મળ્યું નહીં એટલે રોજીરોટી માટે ‘મૂળજી જેઠા માર્કેટ’ માં ગયા અને બે રૂપિયામાં પંખા સાફ કરવા લાગ્યા. એ જ્યાં રહેતા હતા ત્યાં આસપાસના લોકો પાસેથી ઉધાર રૂપિયા લેવા પડતા હતા. એના બદલામાં ઇસ્ત્રી કે પંખા રીપેર કરી આપતા હતા. ગાયક તરીકે કામ ના મળ્યું એટલે કોરસમાં ગાવાનું શરૂ કર્યું હતું. પહેલી તક એસ.ડી. બર્મનના સંગીતમાં ફિલ્મ ‘નૌજવાન’ (૧૯૫૧) ના એક કોરસ ગીતમાં મળી. એ પછી હેમંતકુમારના સંગીતમાં ‘આનંદમઠ’ (૧૯૫૨) માં ‘વંદે માતરમ’ કોરસમાં ગાયું. હેમંતકુમારે રવિને પોતાના સહાયક બનાવી લીધા. એમની સાથે શર્ત, સમ્રાટ, જાગૃતિ, નાગિન, ચંપાકલી વગેરેમાં સહાયક સંગીતકાર તરીકે કામ કર્યું. ‘નાગિન’ ની બીનની ધૂનમાં રવિનું પણ પ્રદાન હતું. રવિએ એક પતરાના શેડના ભાડાના મકાનમાં રહેવાનું શરૂ કર્યું અને પત્ની- પુત્રીને મુંબઈ બોલાવી લીધા.

એક મુલાકાતમાં રવિના જણાવ્યા મુજબ નિર્માતા દેવેન્દ્ર ગોયલે ફિલ્મ ‘વચન’ (૧૯૫૫) માં સંગીતકાર તરીકે પહેલી તક આપી હતી. રવિએ ત્રણ ગીતનું સંગીત તૈયાર કર્યું હતું. એમાં બે ગીત ‘ચંદા મામા દૂર કે’ અને ‘ઓ બાબૂ, ઓ જાને વાલે બાબૂ’  એમણે લખ્યા હતા અને એક યુગલગીત ‘યૂંહી ચુપકે ચુપકે’ આશા ભોંસલે સાથે ગાયું પણ હતું. બાકીના ગીતોમાં સંગીત ચંદ્રાનું હતું. એ પછી દેવેન્દ્ર ગોયલે એમની ફિલ્મો નઇ રાહેં, નરસિંહ ભગત, ચિરાગ કહાં રોશની કહાં, એક ફૂલ દો માલી વગેરેમાં રવિને જ સંગીતકાર તરીકે લીધા. રવિએ જે ગીતની ધૂન માત્ર પાંચ મિનિટમાં બનાવી હતી એ ‘ચૌધવી કા ચાંદ હો, યા આફતાબ હો’ ને કારણે સંગીતકાર તરીકે ખરી સફળતા અને લોકપ્રિયતા મળી હતી. જ્યારે ગુરુદત્તે ‘ચૌધવી કા ચાંદ’ (૧૯૬૦) માં સંગીત આપવા કહ્યું ત્યારે એમને વિચાર આવ્યો કે આજકાલ ફિલ્મના નામ પરથી ગીતનું ચલણ વધારે છે તો ‘ચૌધવી કા ચાંદ’ શબ્દોથી શરૂ થતું ગીત બનાવવું જોઈએ. અને ફિલ્મમાં વહીદા રહેમાનની સુંદરતાની પ્રશંસામાં જ આ ગીત હતું.

રવિએ પ્રયત્ન કર્યો પણ ‘ચૌધવી કા ચાંદ હો…’ થી આગળ કોઈ વિચાર આવતો ન હતો. એમણે ગીતકાર શકીલ બદાયૂનીને ફોન કરી બોલાવ્યા અને ગીતની સ્થિતિ સમજાવી શરૂઆતના શબ્દો કહ્યા. શકીલે બે મિનિટમાં જ વિચાર કરીને આગળના શબ્દો ‘યા આફતાબ હો, જો ભી હો તુમ ખુદા કી કસમ લાજવાબ હો’ આપ્યા. આ ફિલ્મના ગીતોને એટલી લોકપ્રિયતા મળી કે સંગીતકાર તરીકે રવિની કારકિર્દી બની ગઈ. મદ્રાસના ઘણા નિર્માતાઓએ એમને ફિલ્મો આપી. બી.આર ચોપડાએ સૌપ્રથમ ‘ગુમરાહ’ (૧૯૬૩) માટે બોલાવ્યા. એના ‘ચલો એક બાર ફિર સે’ જેવા લોકપ્રિય ગીતો પછી તો રવિ એમની ફિલ્મોના કાયમી સંગીતકાર જેવા જ બની ગયા હતા. રવિની કેટલીક વિશેષતાઓ રહી હતી. એમણે પશ્ચિમી વાદ્યોનો ઉપયોગ ટાળ્યો હતો. એ ગીતકારોને લખવાની સ્વતંત્રતા આપતા હતા. ધૂન બનાવીને લખવાનું કહેવાને બદલે એમના ગીતો પરથી ધૂન બનાવતા હતા અને ગાયકોના અવાજને સંગીતથી ઉપર રાખતા હતા.