દિલીપકુમારે પિતા- પુત્રની ભૂમિકા ઠુકરાવી   

નિર્દેશક મહેબૂબ ખાને દિલીપકુમારને ‘મધર ઈન્ડિયા’ (૧૯૫૭) માં ‘બિરજૂ’ અને ‘શ્યામૂ’ બંને ભૂમિકા માટે પૂછ્યું હતું પરંતુ અનેક કારણોથી એમણે ના પાડી હતી. મહેબૂબે જ્યારે પોતાની ફિલ્મ ‘ઔરત’ (૧૯૪૦) ની રીમેકમાં કામ કરવા વિશે દિલીપકુમારને પૂછ્યું ત્યારે એમણે હા પાડી હતી. પણ એમાંની બિરજૂની ભૂમિકા સંભળાવી ત્યારે દિલીપકુમારને નકારાત્મક લાગી હતી. એમણે શરત મૂકી હતી કે જો ભૂમિકામાં ફેરફાર કરવામાં આવશે તો એ કામ કરી શકે છે. કેમકે એ વખતે એ સકારાત્મક ભૂમિકાઓ ભજવતા હતા. મહેબૂબ ખાને ભૂમિકામાં ફેરબદલ કરવાનો ઇન્કાર કરી દીધો પણ સાથે વિશ્વાસ અપાવ્યો કે એને વિલન જેવી નહીં રાખે અને લોકો તેમને બિરજૂ તરીકે જરૂર પસંદ કરશે.

દિલીપકુમારે વિચાર કરવા સમય લીધો પણ થોડા દિવસ પછી એમ કહીને ના પાડી દીધી કે તે અગાઉ એમની જ ‘અંદાજ’ (૧૯૪૯) માં નરગીસના હીરો હતા અને ત્યારે પણ કેટલીક ફિલ્મોમાં એની સાથે કામ કરી રહ્યા હતા. નરગીસના પુત્ર તરીકે દર્શકો એમને પસંદ નહીં કરે એવી એમણે દલીલ કરી હતી. મહેબૂબનું કહેવું હતું કે ઉલ્ટાનું દર્શકો એ જોવા ઉત્સુકતા બતાવશે કે તમે મા-પુત્ર તરીકે કેવો અભિનય કર્યો છે. દિલીપકુમાર બિરજૂની ભૂમિકા ભજવવા બાબતે કોઈ વાતે એકના બે ના થયા એટલે મહેબૂબે એમને એમ કહીને શ્યામૂની ભૂમિકા માટે આગ્રહ કર્યો કે એ ભૂમિકા નરગીસના પતિની છે. દિલીપકુમારને એ ભૂમિકા બહુ નાની લાગતી હતી. એ કારણથી ના પાડી દીધી.

નરગીસના પુત્ર તરીકે ના પાડવાની એમની વાત મહેબૂબને સમજાતી હતી પણ પુત્રની ભૂમિકા માટે પણ ના પાડી એ સમજી શકાય એવું ના હતું. એવું પણ ન હતું કે નરગીસને કોઈ વાંધો હોય. મહેબૂબે સૌથી પહેલાં નરગીસને કહ્યું હતું કે એના પુત્રની ભૂમિકા માટે દિલીપકુમાર હોય શકે છે. કેમકે એમની હીરોઈન તરીકે કામ કરતી હોવાથી એ વાત એને યોગ્ય ના લાગે એવું બની શકે એમ હતું. આ ફિલ્મ પછી તેને દિલીપકુમારની હીરોઇનની ભૂમિકાઓ મળતી બંધ થઈ શકે એવી શક્યતા હતી. પરંતુ પુત્રની ભૂમિકામાં દિલીપકુમારને લેવામાં આવે તો નરગીસને કોઈ વાંધો ન હતો.

દિલીપકુમારે બંને ભૂમિકાઓ માટે કોઈને કોઈ કારણથી ના પાડી દીધી એ વાતનું મહેબૂબ ખાનને બહુ આશ્ચર્ય થયું હતું. ત્યારે એમ કહેવાયું હતું કે અસલમાં ‘મધર ઈન્ડિયા’ એક સ્ત્રીપ્રધાન ફિલ્મ હતી. એની વાર્તા નરગીસની આસપાસ ફરતી હતી. અને નામ પણ સ્ત્રીપ્રધાન હતું. તેથી દિલીપકુમારે ના પાડી હતી. મહેબૂબ ખાન તો એવું ઇચ્છતા હતા કે પિતા-પુત્ર બંનેની ભૂમિકા દિલીપકુમાર નિભાવે. કેમકે એ એમના ખાસ અભિનેતા હતા. પણ એમણે ફિલ્મ સાથે જોડાવાનો ઇન્કાર કરી દીધો હતો.