‘હાવરા બ્રીજ’ ની સફળતામાં સંગીતની શક્તિ

નિર્દેશક શક્તિ સામંતાની ફિલ્મ ‘હાવરા બ્રીજ’ (૧૯૫૮) અનેક રીતે ઉલ્લેખનીય રહી છે. એમાં કામ કરવા મધુબાલાએ પોતાની કિંમત ઘટાડી દીધી હતી. નિર્દેશક તરીકે શક્તિ સામંતાને પહેલી મોટી સફળતા અશોકકુમાર સાથેની ‘હાવરા બ્રીજ’ (૧૯૫૮) થી જ મળી હતી. ૧૯૫૭ માં શક્તિએ જહાજ પર બનેલી એક અંગ્રેજી ફિલ્મ જોઈ હતી. એની વાર્તા ખાસ ન હતી અને એને સફળતા મળી ન હતી. પણ બ્રીજના વિષય પર ફિલ્મ બનાવવાનું એ નક્કી કરી ચૂક્યા હતા. એટલે જ કલકત્તાના જાણીતા ‘હાવરા બ્રીજ’ નું જ નામ રાખી લીધું હતું. એમાં એ ટોપની હીરોઈન લેવા માગતા હતા. પહેલાં એમણે નરગીસ અને નિમ્મીનું નામ વિચાર્યું હતું. પછી મધુબાલાને યોગ્ય માની હતી. પણ મધુબાલા વધારે ફી લેતા હતા. જે શક્તિને પરવડી શકે એમ ન હતી. ત્યારે અશોકકુમાર એમની મદદે આવ્યા હતા. એમણે મધુબાલા સાથે ‘મહલ’ (૧૯૪૯) અને ‘એક સાલ’ (૧૯૫૭) માં કામ કર્યું હતું.

શક્તિએ અશોકકુમારને કહ્યું કે તમે ફોન કરીને વાત કરી દો હું એમને મળી આવું છું. શક્તિ જ્યારે મધુબાલાને મળવા ગયા ત્યારે એ હસવા લાગ્યા. નર્વસ થયેલા શક્તિએ કહ્યું કે તમે આમ હસશો તો હું વાર્તા સંભળાવી નહીં શકું. મધુબાલાએ કહ્યું કે વાર્તા અશોકકુમારે સંભળાવી દીધી છે એટલે જરૂર નથી. હું ફિલ્મ કરવા તૈયાર છું. ત્યાં એમના પિતા હતા એમણે પણ કહી દીધું કે મધુ ફિલ્મ કરશે. એમના પિતાએ ફિલ્મ માટે સવા રૂપિયો આપવા કહ્યું. શક્તિ સામંતા પાંચ હજાર રૂપિયા લઈને ગયા હતા. એમને નવાઈ લાગી. પિતાએ કહ્યું કે મધુ જે વાર્તા પસંદ કરે છે એનો શરૂઆતમાં સવા રૂપિયો લઈએ છીએ. બાકીના ફિલ્મની તારીખો આપ્યા પછી આપવાના થશે. મધુબાલાએ સંગીતકાર તરીકે નૈયરની ભલામણ કરી હતી. મધુબાલા અને અશોકકુમાર નક્કી થયા પછી શક્તિ સંગીતકાર ઓ.પી. નૈયર પાસે ગયા અને કહ્યું કે એમની પાસે બહુ રૂપિયા નથી. નૈયરે કહ્યું કે એ મફતમાં કામ કરી શકશે નહીં. એક હજાર રૂપિયા આપવા પડશે અને તમે મારુ નામ જાહેર કરી શકશો.

શક્તિએ એ સમયની ફિલ્મ પત્રિકા ‘સ્ક્રીન’ માં જાહેરાત આપી અને એક જ સપ્તાહમાં ‘હાવરા બ્રીજ’ ના આખા ભારતના વિતરણ અધિકાર વેચાઈ ગયા. જેથી પચાસ હજાર જેટલી રકમ આવી ગઈ અને શૂટિંગ શરૂ કરી દીધું. છેલ્લે મધુબાલાએ બે લાખ રૂપિયાને બદલે પંચોતેર હજાર રૂપિયા લીધા હતા. અશોકકુમારે પણ એટલા જ લીધા હતા. બીજા કલાકારોએ બહુ ઓછા લીધા હતા. ચાર લાખ રૂપિયામાં ફિલ્મ બની ગઈ હતી. રજૂઆતના એક સપ્તાહમાં જ ફિલ્મની કમાણીથી ખર્ચ નીકળી ગયો હતો. ફિલ્મના ગીતો એટલા લોકપ્રિય થયા હતા કે શક્તિને સંગીતની શક્તિનો પહેલી વખત ખ્યાલ આવ્યો હતો. ‘મેરા નામ ચિન ચિન ચૂ’ જેવા ગીતોને કારણે જ ફિલ્મ વેચાઈ હતી અને ચાલી હતી. લોકોને ફિલ્મ વિશે ઓછી ખબર હતી. સંગીતથી આકર્ષાઈને જ થિયેટરમાં ગયા હતા. શક્તિ સામંતાને ઓ.પી. નૈયરની ધૂનો એટલી પસંદ આવી હતી કે મૂળ આયોજન ન હતું છતાં બે ગીત ઉમેર્યા હતા. એમાં એક મધુબાલા પર ‘યે કયા કર ડાલા તૂને’ જ્યારે બીજું કમ્મો અને સુંદર પર ‘મૈં જાન ગઈ તુઝે’ હતું.