‘દિલ’ માટે અનુપમનું દિલ રાજી ન હતું

ફિલ્મ ‘દિલ’ (૧૯૯૦) માં ‘હજારીપ્રસાદ’ નું પાત્ર નિભાવી લોકપ્રિયતા મેળવનાર અનુપમ ખેરે પહેલાં એ ભૂમિકામાં કોઈ રસ બતાવ્યો ન હતો. નિર્દેશક ઇન્દ્રકુમાર ‘દિલ’ માટે પાત્રો તૈયાર કરી રહ્યા હતા ત્યારે એમના પિતાના નાટકમાં એક કંજૂસનું પાત્ર હતું એવું જ રાખવાનો વિચાર કર્યો હતો. લોકો એ પાત્રને કારણે નાટકમાં એટલા હસતા હતા કે ઇન્દ્રકુમારના મનમાં હતું. તે ઘી ખાતા ન હતા સૂંઘાડતા હતા. નામ ‘હજારીપ્રસાદ’ હતું પણ કોઈને કાણો પૈસો આપતા ન હતા. પાત્ર લખતી વખતે એના વ્યવસાય વિષે વિચાર્યું અને કચરો ભેગો કરનાર માણસ યોગ્ય લાગ્યો. જે કચરામાંથી પણ પૈસા કમાતો હોય છે.

કંજૂસ પિતાનું આ પાત્ર વિચાર્યું ત્યારે ઇન્દ્રકુમાર એવું ઇચ્છતા હતા કે કાદર ખાન ભૂમિકા નિભાવે તો સારું. પાત્રની રચના વખતે એમનું જ નામ હતું. એ સમય પર ઇન્દ્રકુમાર ‘દિલ’ સાથે ‘બેટા’ પણ બનાવી રહ્યા હતા. જ્યારે કાદર ખાનને ‘હજારીપ્રસાદ’ ના પાત્રની વાત કરી ત્યારે એમને તારીખોની સમસ્યા હતી. એ ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા અને એમણે કહ્યું કે ‘દિલ’ નાની ફિલ્મ છે એમાં તું કોઈને પણ લઈ લેજે હું ‘બેટા’ માં કામ કરીશ. ‘બેટા’ માં એ સંવાદ લેખક ઉપરાંત કોમેડી પણ કરવાના હતા. ઇન્દ્રકુમાર ‘હજારીપ્રસાદ’ ની ભૂમિકા માટે અભિનેતા વિચારતા હતા ત્યારે ફિલ્મ ‘રામ લખન’ રજૂ થઈ હતી અને અનુપમ ખેરની કોમેડી લોકપ્રિય બની હતી.

ઇન્દ્રકુમારે અનુપમ ખેરને ‘હજારીપ્રસાદ’ ની ભૂમિકા કરવા કહ્યું ત્યારે પહેલાં ના પાડી દીધી હતી. કેમકે અનુપમ ખેરને ‘હજારીપ્રસાદ’ ના પાત્ર અંગે થોડી શંકા હતી. આ પાત્ર કરવા દિલ રાજી ન હતું. ઇન્દ્રકુમારે ફિલ્મની સ્ક્રિપ્ટ સતિષ કૌશિકને સંભળાવી ત્યારે એમણે અનુપમ ખેરને ભલામણ કરી કે તું એક વખત સ્ક્રિપ્ટ સાંભળીને જોઈ લે. પછી જ્યારે અનુપમે પાત્ર વિષે વિગતે જાણ્યું ત્યારે એ ભૂમિકા કરવા તૈયાર થઈ ગયા હતા. અનુપમે ‘હજારીપ્રસાદ’ ની ભૂમિકાને એવો સરસ ન્યાય આપ્યો કે ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’ ની શ્રેણીમાં નામાંકન થયું હતું.

ફિલ્મમાં અનુપમના અભિનયના દ્રશ્યો અને સંવાદ એટલા મજેદાર બન્યા છે કે લોકો હસ્યા વગર રહી શકતા નથી. સઇદ જાફરી મંદિરમાં હોય છે ત્યારે અનુપમ બહાર ગરીબોને એકસો રૂપિયાની નોટોનું દાન કરે છે. એ મળ્યા પછી એક ગરીબ કહે છે કે તમે ના હોત તો અમારું શું થાત? ત્યારે અનુપમ કહે છે કે ભાઈ, હું મને તારાથી વધારે ગરીબ માનું છું. મને ભગવાને આટલી બધી દોલત આપી છે પણ વહેંચવા માટે બે હાથ જ આપ્યા છે. અસલમાં સઇદ જાફરીને પ્રભાવિત કરવા અનુપમે ગરીબોને નકલી ચલણી નોટ વહેંચી હોય છે! અનુપમના કંજૂસાઈના અનેક દ્રશ્યોએ લોકોને બહુ હસાવ્યા હતા.