ગુજરાતમાં મતગણતરીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ…

અમદાવાદઃ આવતીકાલે દેશભરમાં લોકસભા ચૂંટણીની મતગણતરી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં પણ તમામ મથકોએ મતગણતરીને લઈને તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરુ થઈ જશે. ગુજરાતના 26 સંસદીય ક્ષેત્ર માટે અને 4 વિધાનસભા ક્ષેત્ર માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.

કુલ 18 સેન્ટર પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જ્યાં દરેક સેન્ટર પર વધુમાં વધુ 14 મતગણતરી ટેબલ હશે. લોકસભા તથા 4 વિધાનસભાની પેટાચૂંટણીની ગણતરી માટે 41 નિરિક્ષકો રહેશે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારી રહેશે અને વિધાનસભા પેટાચૂંટણી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. દરેક સેન્ટર પર કાઉન્ટર આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે.

ચૂંટણીને લઇને રાજ્યમાં કુલ 2548 કાઉન્ટિંગ સુપરવાઈઝર કાર્યરત રહેશે અને 2548 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ મતગણતરી માટે હાજર રહેશે. તો મતગણતરી કેન્દ્રની સુરક્ષાને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. પોસ્ટલ બેલેટ ગણવા માટે સમગ્ર રાજ્યમાં સુપરવાઈઝર, આસિસ્ટન્ટ, માઈક્રો ઓર્બ્ઝર્વર મળીને 309નો સ્ટાફ મૂકાયો છે.  કોઈપણ વ્યક્તિ સેન્ટર પર મોબાઈલ નહીં લઈ જઈ શકે અને ઉમેદવાર તેમજ સુરક્ષાકર્મી પણ મોબાઈલ નહીં રાખી શકે. કાયદાના પાલન માટે ત્રિસ્તરીય પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે.

ગાંધીનગરમાં મતગણતરીની તમામ તૈયરીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતગણતરીને લઇને તમામ ઇવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે, ગાંધીનગર લોકસભા બેઠકના મતગણતરીના કેન્દ્રો પર નજર રાખવા માટે 125થી વધુ સીસીટીવી કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. ખાસ મોનિટરિંગ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાંથી મતગણતરીના સ્થળ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સેક્ટર-15ની સાયન્સ કોમર્સ અને આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી રૂમમાં ચૂંટણી અધિકારીઓ અને રાજકીય પક્ષોના અજન્ટો સિવાય કોઇને પ્રવેશ નહિ આપવામાં આવે. 

વડોદરા બેઠક માટે 98 EVM મશીનની ગણતરી આવતીકાલે પોલિટેકનિક કોલેજમાં કરવામાં આવનાર છે. કુલ 700 કર્મચારીઓનો સ્ટાફ ગણતરીમાં જોડાશે. મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમાં 550 પોલીસકર્મી બંદોબસ્તમાં જોડાશે. આ માટે ગેંડા સર્કલથી ફતેગંજ સુધી વાહનચાલકોને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજકોટના કણકોટ સ્થિત ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. અહીં 14 ટેબલ પર મતગણતરી કરાશે. જેમાં 1 ટેબલ પર 3 કર્મચારી ફરજ બજાવશે. પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી કરાશે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કુલ 11,89,422 મતદારોએ મતદાન કર્યું છે.

સુરતમાં મતગણતરીની તૈયારીઓ પૂર્ણ થઈ ત્યારે આવતીકાલે મતગણતરીને લઈ તંત્ર તૈયાર છે. સુરત બેઠકની મતગણતરી SVNITમાં સાત વિધાનસભા પ્રમાણ ગણતરી કરવામાં આવશે. 10 લાખ 66 હજાર 362 મતની ગણતરી આવતીકાલે કરવામાં આવશે. વિધાનસભા મુજબ મતગણતરીને લઈ રાઉન્ડ નક્કી કરવામાં આવ્યા છે. ઓલપાડમાં 31, કતારગામમાં 21, સુરત પૂર્વમાં 16, સુરત પશ્ચિમમાં 16, વરાછામાં 15, કરંજમાં 13, સુરત ઉત્તરમાં 12 રાઉન્ડ સુધી ગણતરી કરવામાં આવશે. પરંતુ તે પહેલા બેલેટ પેપર વોટની મતગણતરી કરવામાં આવશે.

મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. 3 Dy.sp, 9 PI, 36 PSI, 240 કોન્સ્ટેબલ, 116 મહિલા પોલીસ, 17 ટ્રાફિક પોલીસ, 4 ઘોડેસવાર તૈનાત કર્યા છે.

આ સિવાય મતગણતરી માટે 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ મતગણતરીમાં હશે. 2912 માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. 26 RO, 182 ARO, 103 મદદનીશ ચૂંટણી અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. વિધાનસભા દીઠ પાંચ VVPATની ગણતરી થશે. તફાવત આવે તો VVPATના મતો આખરી ગણાશે. એના કારણે આ વખતે 3થી 4 કલાક પરિણામ મોડું આવવાની પણ શક્યતા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]