આજે લોકસભાની 26 અને વિધાનસભાની 4 બેઠકના પરિણામ, રાત સુધી સ્પષ્ટ થશે ચિત્ર

અમદાવાદ-દોઢ મહિના લાંબી પ્રક્રિયાને આખરે એ દિવસ આવી ગયો છે જ્યારે દેશના સિંહાસને કોણ બિરાજશે તેનો જનાદેશ બહાર આવી જશે. આજે 23મેએ લોકસભા ચૂંટણી 2019ની મતગણતરીનો દિવસ છે. આ દિવસને લઇને ગુજરાતના રાજકીય વર્તુળો તેમ જ સામાન્ય જનતા પણ ઉત્સુક છે કે આખરે પરિણામોનો પટારો કોના પર સત્તાનો કળશ ઢોળશે. ઈવીએમથી મતગણતરી થવા સાથે પહેલા સેશનમાં પોસ્ટલ બેલેટની ગણતરી થવાની છે અને અંતે વીવીપેટની ગણતરી કરવામાં આવશે.. ત્યારે રાજ્ય ચૂંટણીપંચે બુધવારે જ જણાવી દીધું હતું કે ગુજરાતમાં 26 લોકસભા બેઠક અને 4 વિધાનસભા બેઠક પરના પરિણામો જાહેર થવામાં મોડું થશે.મતગણતરી સવારે 8 કલાકેથી શરુ થશે. રાજ્યમાં 27 મતગણતરી કેન્દ્રો તથા જામનગર(ગ્રામ્ય) વિધાનસભાની પેટાચૂંટણી માટે 1 મતગણતરી કેન્દ્ર મળીને કુલ 28 મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યા છે. આ મતગણતરી માટે 2548 કાઉન્ટિંગ સુપર વાઈઝર, 2548 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર સહિત કુલ 8,662ની સ્ટાફ નિમણૂક કરવામાં આવી છે.દરેક મતગણતરી હોલ પર 14 મતગણતરી ટેબલ, એક રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરનું ટેબલ રહેશે. 26 સંસદીય મત વિસ્તારના 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ટપાલ મતપત્રો માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ્ટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમની ચકાસણી માટે 15 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓ મળીને કુલ 122 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. આ સિવાય પણ ચૂંટણી અધિકારીઓની મદદ માટે રીઝર્વ તથા સપોર્ટિંગ સ્ટાફ પણ હાજર રહેશે.ચૂંટણી પંચે પરિણામો મોડાં મળવાનો અણસાર આપ્યો છે તેમાં ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ 3-4 કલાક મોડું જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્ય મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્ણાએ ગઈકાલે જણાવ્યું હતું કે દરેક લોકસભા દીઠ પાંચ વીવીપેટની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થશે.મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે કે વીવીપેટ અને ઈવીએમના મતોમાં જો કોઈ તફાવત આવશે તો વીવીપેટના મતોને આખરી ગણવામાં આવશે. ચૂંટણી પંચે EVM સેન્ટરોની થ્રી લેયર સુરક્ષા પણ સુનિશ્ચિત કરી છે. તમામ મથકો મતગણતરી હોલમાં અને રૂમની બહાર સીસીટીવીથી સજ્જ ગણતરી પ્રક્રિયા કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]