કરો વાત! ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સહિત 47 રાજકીય પક્ષો ચૂંટણી લડે છે…

અમદાવાદ- લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આગામી 23મી એપ્રિલે, ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં આમ તો સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ એમ બે પક્ષો વચ્ચે છે, પરંતુ શું તમે જાણો છો કે આ બે પક્ષો સહિત ગુજરાતમાં કુલ 47 નાનામોટા પક્ષો પણ ચૂંટણી લડી રહ્યાં છે?

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 371 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી, કોગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી (બસપા) જેવા જાણીતા રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત 47 રાજકીય પક્ષોએ પણ એમના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉભા રાખ્યા છે.

ગુજરાતના કુલ 371 ઉમેદવારોમાંથી ભાજપના 26, કોંગ્રેસના 26 અને બસપાના 25 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. ભારતીય શબ્દ સાથે સંકળાયેલી પાર્ટીમાં ભાજપનું નામ તો જાણીતું છે, પણ એ ઉપરાંત અન્ય 6 પક્ષોનું નામ પણ ભારતીય થી શરુ થાય છે! ઉદાહરણ તરીકે, ભારતીય નેશનલ જનતા દળ, ભારતીય રાષ્ટ્રવાદી પાર્ટી વગેરે. રાષ્ટ્ર કે રાષ્ટ્રીય શબ્દ સાથે જોડાયેલા પક્ષોની યાદીમાં પાંચ નામ છે. કોંગ્રેસ, એનસીપી ઉપરાંત કોંગ્રેસ નામ જોડાયેલું હોય તેવી અન્ય પાંચ પાર્ટીઓ છે.માનવ શબ્દ સાથે જોડાયેલી બે પાર્ટી ભારતીય માનવઅધિકાર ફેડરલ પાર્ટી અને વિશ્વ માનવ સમાજ કલ્યાણ પરિષદ છે.

યાદીમાં જૂના જનસંઘનું નામ પણ સામેલ છે. સરદાર પટેલના નામ સાથે જોડાયેલી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પણ ગુજરાતમાંથી લડે છે! ગુજરાત નામ આવતું હોય તેવી પાર્ટીઓમાં ગરવી ગુજરાત પાર્ટી અને ગુજરાત જનતા પંચાયત પાર્ટી છે. આ યાદીમાં આંબેડકર નેશનલ કોંગ્રેસ અને આંબેડકર પાર્ટી ઓફ ઈન્ડિયાનો પણ સમાવેશ થાય છે. શરદ પવારની એનસીપી માંથી 3 ઉમેદવારો ઉભા છે. રાઈટ ટુ રિકોલ પાર્ટીના નામે એક ઉમેદવાર નોંધાયો છે. સામ્યવાદી પક્ષ પણ મેદાનમાં છે.

યુવા સરકાર, યુવાવસ્થા પરિવર્તન પાર્ટી, યુવા જનજાગૃતિ પાર્ટી, પિરામીડ પાર્ટી ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ, ભારતીય બહુજન કોંગ્રેસ એવા નામ ધરાવતી, પણ આપણે ક્યારેય નામ ન સાંભળ્યા હોય એવી પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે.

મહિલા ઉમેદવારોની વાત કરીએ તો, રાજ્યમાં ભાજપની 6, કોંગ્રેસની એક મહિલા ઉમેદવાર સહિત કુલ 27 મહિલાઓ મેદાનમાં છે. કુલ ઉમેદવાર ઉમેદવારોની તુલનામાં મહિલા ઉમેદવારોની સંખ્યા માત્ર 7.27 ટકા જેટલી છે.

મહિલાઓ જે બેઠકો પરથી ચૂંટણી લડી રહી છે તેમાં કચ્છ 2, બનાસકાંઠા 2, મહેસાણા 2, ગાંધીનગર 1, અમદાવાદ પૂર્વ 3, અમદાવાદ પશ્ચિમ 1, પોરબંદર 1, જામનગર 3, ભાવનગર 2, ખેડા 1, વડોદરા 2, છોટાઉદેપુર (ST) 1, સુરત 3, નવસારી 3 એમ મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે.

કુલ ઉમેદવારોની વાત કરીએ તો, ભાજપ 26, કોંગ્રેસ 26, બસપા 25, સીપીઆઈ 1, એનસીપી 3, એસયુસીઆઈ 3, અન્ય પક્ષો 91, અપક્ષ ઉમેદવારો 197 એમ કુલ 371 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાંથી 344 પુરુષો અને 27  મહિલા અને 1 થર્ડ જેન્ડર ઉમેદવારનો સમાવેશ થાય છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]