વડોદરા: વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું સંસ્કારી શહેર. આ શહેરમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. એટલું જ નહીં વડોદરામાં રમાતા ગરબા જગ-વિખ્યાત છે. આ શહેરનું પૌરાણિક નામ વટપદ્ર હતું. સંસ્કૃતમાં ‘વટસ્ય ઉદરા’ કહેવાતું હતું. આ વટસ્ય ઉદરા શબ્દનો અપભ્રંશ થતાં વડોદરા નામ થઈ ગયું. સર સયાજીરાવ ગાયકવાડે ઇ. સ. 1875 માં ગાદી સંભાળી. તેમણે વડોદરા શહેરનો શૈક્ષણિક વિકાસ થાય તે માટે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, અદ્યતન પુસ્તકાલય, ઉચ્ચશિક્ષણ માટે યુનિવર્સિટી વગેરેની સ્થાપના કરી હતી. 26 વર્ષથી વડોદરા બેઠક બની રહી છે. ભાજપનો ગઢ, ગાયકવાડ રાજવી પરિવારનાં સભ્યો 6 વખત ચૂંટાઈને સાંસદ રહી ચૂક્યાં છે. વર્ષ 1957 માં પ્રથમ વખત અહીં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ 4 વખત આ બેઠક પરથી સાંસદ રહ્યા હતાં, તો રણજિતસિંહ ગાયકવાડ 2 વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. વર્ષ 1989 માં ભાજપે વડોદરા લોકસભા બેઠક ઉપર પહેલીવાર જીતનું ખાતું ખોલાવ્યું હતું અને તે પછીથી BJP માટે આ બેઠક અભેદ્ય કિલ્લા સમાન બની રહી છે. વડોદરામાં 2014 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા.
ઉમેદવાર
ભાજપ: ડૉ. હેમાંગ જોશી
વડોદરામાં શહેર કક્ષાનો ભાજપનો યુવા ચહેરો છે. ડૉ. હેમાંગ જોશી ફિઝિયોથેરાપીમાં સ્નાતક અને માનવ સંસાધન સંચાલનમાં અનુસ્નાતક છે. તેમણે સામાજિક કાર્ય ફેકલ્ટીમાં નેતૃત્વ પર પીએચડી કર્યું છે. 2022માં તેમની શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી સેક્રેટરી પણ રહી ચૂક્યાં છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ભૂતપૂર્વ ફેકલ્ટી જનરલ સેક્રેટરી છે. તેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ-ચેરમેન છે.
કોંગ્રેસ: જસપાલસિંહ પઢિયાર
તેઓ વર્ષ-2017ની ચૂંટણીમાં પાદરા વિધાનસભા બેઠક પર જીતીને ધારાસભ્ય બન્યા હતા. જો કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાદરા બેઠક ઉપર હારી ગયા હતા. તેઓ હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે.
PROFILE
- વડોદરા લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સયાંજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુર વિધાનસભાનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના રંજન ભટ્ટ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 5,89,177 વોટની લીડથી જીત્યા હતા.
- મતદારોની સંખ્યા
કુલ મતદારો 19,32,348
પુરુષ મતદાર 9,86,691
સ્ત્રી મતદાર 9,45,430
વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક | વિજેતા | પક્ષ | વોટ | લીડ |
સાવલી | કેતન ઈમાનદાર | ભાજપ | 1,02,004 | 36,926 |
વાઘોડિયા | ધર્મેન્દ્રસિંહ વાઘેલા | અપક્ષ | 77,905 | 14,006 |
વડોદરા શહેર | મનીષા વકીલ | ભાજપ | 1,30,705 | 98,597 |
સયાજીગંજ | કેયુર રોકડિયા | ભાજપ | 1,22,056 | 84,013 |
અકોટા | ચૈતન્ય દેસાઈ | ભાજપ | 1,13,359 | 77,753 |
રાવપુરા | બાલકૃષ્ણ શુક્લા | ભાજપ | 1,19,301 | 81,035 |
માંજલપુર | યોગેશ પટેલ | ભાજપ | 1,20,133 | 81,035 |
વડોદરા બેઠકની વિશેષતા
- વડોદરાનાં રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડ રાજ્યના સુપ્રસિદ્ધ શાસક મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ફાળે જાય છે.
- 1951માં પહેલી લોકસભા ચૂંટણી સમયે વડોદરાને બરોડાના નામથી ઓળખવામાં આવતું.
- પ્રથમ ચૂંટણીમાં આ વિસ્તારની બરોડા ઈસ્ટ અને બરોડા વેસ્ટ એમ બે સીટ હતી.
- બરોડા વેસ્ટ બેઠક પરથી અપક્ષ ઈન્દુભાઈ અમીન જીત્યા હતાં. તો ઈસ્ટ બેઠક ઉપર કોંગ્રેસના એક જ ઉમેદવાર હતાં, રૂપજી પરમાર, તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં.
- 1991માં ભારતીય જનતા પાર્ટીએ દીપિકા ચીખલિયાને વડોદરાની ટિકિટ આપી હતી અને ભાજપે પહેલીવાર અહીં વિજય મેળવ્યો હતો.
- 1996માં કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડ ભાજપના જીતુભાઈ સુખડિયા સામે માત્ર 17 મતે વિજય મેળવ્યો હતો.
- 1998 થી 2004 સુધી સતત જયાબેન ઠક્કર ત્રણ ટર્મ સુધી સાંસદ તરીકે રહયાં હતાં.
- 2014માં નરેન્દ્ર મોદી આ બઠક પરથી 5,70,128 મતથી લોકસભા ચૂંટણી જીત્યા હતા.
- નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી વડાપ્રધાન બન્યા અને તેમણે વડોદરા બેઠક ખાલી કરતા રંજન ભટ્ટ અહીંથી સાંસદ બન્યા
- 2014 અને 2019 એમ બે ટર્મ રંજન ભટ્ટ વડોદરા બેઠકના સાંસદ રહ્યા. 2024માં ભાજપે તેમને ત્રીજી વખત લોકસભાની ટિકિટ આપી, પરંતુ ભાજપના આંતરિક વિખવાદ બાદ આ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવ્યા.