રાજકોટ: આ રંગીલું શહેર સૌરાષ્ટ્રનું પાટનગર છે. આથી રાજકોટ લોકસભા બેઠક ઉપર વિજેતા થનાર ઉમેદવાર અને પક્ષનું સમગ્ર સૌરાષ્ટ્રમાં વર્ચસ્વ રહે છે. જો કે આ લોકસભા મતક્ષેત્રમાં ભાજપનો દબદબો છે. રાજકોટ ઉપરાંત મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોનો રાજકોટ લોકસભામાં સમાવેશ થાય છે. વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જીવનની પહેલી ચૂંટણી રાજકોટ બેઠક પરથી લડ્યા હતા. ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પરંતુ તેઓ ધારાસભ્ય નહોતા. એ વખતે વજુભાઈ વાળાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી નરેન્દ્ર મોદી માટે રાજકોટ-2 વિધાનસભા બેઠક ખાલી કરી હતી. 24 ફેબ્રુઆરી, 2002ના રોજ થયેલી મતગણતરીમાં નરેન્દ્ર મોદી 14,728 મતથી વિજેતા જાહેર થયા હતા.
ઉમેદવારો
ભાજપ: પરશોત્તમ રૂપાલા
રાજકોટ લોકસભા સીટ એ જ્ઞાતિના સમીકરણો મુજબ કડવા પટેલના વર્ચસ્વવાળી છે. આ જ ગણિતના આધારે ભાજપે કડવા પટેલ અગ્રણી કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને અમરેલીને બદલે રાજકોટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પહેલીવાર તેઓ પોતાનો જિલ્લો બદલી ચૂંટણી લડી રહ્યા છે. તેમની રાજકીય સફર પર એક નજર કરીએ તો 1988 થી 1991 સુધી અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા. તેઓ ત્રણ વખત અમરેલીથી વિધાનસભાની ચૂંટણી જીત્યા છે. 1995-96માં નર્મદા સિંચાઈ અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી હતા. જૂન 1998 થી ઓક્ટોબર 2001 સુધી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (G.I.D.C.) ના અધ્યક્ષ હતા. ત્યાર બાદ તેઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રમુખ પણ બન્યા. 2008માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 2019થી 2021 સુધી કેન્દ્ર સરકારમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. 2021માં તેઓ કેન્દ્ર સરકારમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યા.
કોંગ્રેસ: પરેશ ધાનાણી
પરશોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસે પણ વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. વર્ષ 2000માં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએટ થયા. 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલાને અમરેલી બેઠક પરથી હરાવ્યા. 2002થી 2007 સુધી વિધાનસભામાં અમરેલી બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું. 2018થી 2021 સુધી તેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા.
PROFILE
- રાજકોટ લોકસભા બેઠકમાં રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, પડધરી અને વાંકાનેર એમ સાત વિધાનસભાનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના મોહન કુંડારિયા આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 3,68,407 વોટની લીડથી જીત્યા હતા.
- મતદારોની સંખ્યા
- કુલ મતદારો 20,96,366
- પુરુષ મતદાર 10,85,577
- સ્ત્રી મતદાર 10,10,754
વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક | પક્ષ | વિજેતા | વોટ | લીડ |
રાજકોટ પૂર્વ | ભાજપ | ઉદય કાનગડ | 86,194 | 28,635 |
રાજકોટ પશ્ચિમ | ભાજપ | ડૉ. દર્શિતા શાહ | 1,38,687 | 1,05,975 |
રાજકોટ દક્ષિણ | ભાજપ | રમેશ ટીલારા | 1,01,734 | 78,864 |
રાજકોટ ગ્રામ્ય | ભાજપ | ભાનુબેન બાબરિયા | 1,19,695 | 48,494 |
જસદણ | ભાજપ | કુંવરજી બાવળિયા | 63,808 | 16,172 |
વાંકાનેર | ભાજપ | જીતેન્દ્ર સોમાણી | 80,677 | 19,955 |
ટંકારા | ભાજપ | દુર્લભજી દેથરિયા | 83,274 | 10,256 |
રાજકોટ બેઠકની વિશેષતા
- 1951માં રાજકોટ બેઠક પર પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી.
- રાજકોટના રાજકારણની સૌરાષ્ટ્ર પર અસર પડે છે. આ બેઠક પર પક્ષની સાથે જ્ઞાતિના સમીકરણોનો પણ પ્રભાવ જોવા મળે છે.
- ડૉ. વલ્લભ કથીરિયા ( લેઉવા પટેલ ) ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯, અને ૨૦૦૪ એમ ચાર વખત જીત્યા
- ભાજપ – સંઘના પ્રભુત્વવાળી રાજકોટ બેઠક ઉપર પહેલીવાર ૨૦૦૯ માં કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળિયા જીત્યા ત્યારે સંઘ- ભાજપને આંચકો લાગ્યો હતો.
- છેલ્લી બે ટર્મથી ભાજપ આ બેઠક પર સતત જીતે છે.