પોરબંદર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ અને કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ તરીકે આ શહેર પ્રખ્યાત છે. પોરબંદર લોકસભા બેઠક પર મોટાભાગે પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આ વિસ્તારમાં મોટાભાગે લોકો ખેતી અને પશુપાલન સહિત માછીમારી પર નિર્ભર છે. બીજી તરફ જેતપુરમાં સાડી ઉદ્યોગ પણ ધમધમી રહ્યો છે. આ લોકસભા બેઠક 1977માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર સંતોકબેન જાડેજા, કાંધલ જાડેજા અને વિઠ્ઠલ રાદડિયા જેવાં લડાયક નેતાઓ ભૂતકાળમાં જોવા મળ્યા હતા. પોરબંદર બેઠક નવા સીમાંકન બાદ લેઉવા પટેલની સીટ ગણાય છે. અગાઉ આ બેઠક ઉપરથી કડવા પટેલ આગેવાનને મેદાનમાં ઉતારવામાં આવતા હતા. પરંતુ ૨૦૦૯ની ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયા ચૂંટણી જીત્યા બાદ રાજકીય સમીકરણો બદલાયા છે.
ઉમેદવાર:–
ભાજપ- મનસુખ માંડવિયા
મનસુખ માંડવિયાનો જન્મ ભાવનગરના હનોલ ગામમાં 1 જુલાઈ 1972ના રોજ થયો હતો. તેઓ લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. તેમને પ્રાણીશાસ્ત્રમાં રસ હોવાથી વેટરનરી ડૉક્ટર અને રાજકીય વિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. મનસુખ માંડવિયા વિદ્યાર્થીકાળથી જ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં જોડાયા હતા. એ પહેલાં તેમણે ભાજપની વિદ્યાર્થી વિંગ ABVPના સદસ્ય તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી. 2002ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. વર્ષ 2012માં મનસુખ માંડવિયા સૌપ્રથમવાર રાજ્યસભામાં ચૂંટાયા હતા.
કોંગ્રેસ– લલિત વસોયા
લલિત વસોયાનો જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. તેઓ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં એસ. વાય. બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો હતો. લલિત વસોયાને રાજકારણ ક્ષેત્રે 30 વર્ષનો અનુભવ છે. 2017ના પાટીદાર અનામત આંદોલનમાં લલિત વસોયાએ સક્રિય ભૂમિકા ભજવી હતી. જેની અસરને લઈને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ભારે બહુમતી સાથે જીત મળી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા રમેશ ધડૂક સામે તેઓની હાર થઈ હતી.
PROFILE:-
- પોરબંદર લોકસભા બેઠકમાં પોરબંદર, કુતિયાણા, કેશોદ, ગોંડલ, ધોરાજી, જેતપુર અને માણાવદર વિધાનસભાનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના રમેશ ધડુક આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ વોટની લીડથી જીત્યા હતા.
- મતદારોની સંખ્યા
- કુલ મતદારો 17,62,602
- પુરુષ મતદાર 9,09,529
- સ્ત્રી મતદાર 8,53,050
વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક | વિજેતા | પક્ષ | વોટ | લીડ |
પોરબંદર | અર્જુન મોઢવાડિયા | કોંગ્રેસ | 82,056 | 8,181 |
કુતિયાણા | કાંધલ જાડેજા | સમાજવાદી પાર્ટી | 60,744 | 26,712 |
કેશોદ | દેવા માલમ | ભાજપ | 55,802 | 4,208 |
ગોંડલ | ગીતાબા જાડેજા | ભાજપ | 86,062 | 43,313 |
ધોરાજી | મહેન્દ્ર પાડલિયા | ભાજપ | 66,430 | 12,248 |
જેતપુર | જયેશ રાદડિયા | ભાજપ | 1,06,471 | 76,926 |
માણાવદર | અરવિંદ લાડાણી | કોંગ્રેસ | 64,690 | 61,237 |
પોરબંદર અને માણાવદર બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા હતા. જો કે બંન્નેએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા છે. આથી આ બેઠકો પેટા ચૂંટણી યોજાવાની છે.
બેઠકની વિશેષતા
- આ બેઠક પર પાટીદાર, મહેર અને ખારવા સમાજના મતદારોનું વર્ચસ્વ વધારે છે.
- 1977થી અસ્તિત્વમાં આવેલી પોરબંદર બેઠક પર સૌપ્રથમ વખત ભારતીય લોકદળના ધરમશી પટેલ સાંસદ બન્યા હતા.
- 1984 પછી કોંગ્રેસને આ બેઠક પર માત્ર એક જ વાર જીતનો સ્વાદ ચાખ્યો.
- 1996, 1998 અને 1999 એમ ત્રણ ચૂંટણીમાં ભાજપના ગોરધનભાઈ જાવિયા આ બેઠક પરથી વિજેતા બન્યા હતા.