અમરેલી: ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રીની ભેટ આપનાર અમરેલી વિશે એવું કહેવાય છે કે આ જિલ્લાએ નેતાઓ ખૂબ આપ્યા પણ વિસ્તારનો વિકાસ થયો નથી. અમરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત અમરેલીના પ્રથમ સાંસદ મહિલા હતા. અમરેલી લોકસભા બેઠક પર પ્રથમ ચૂંટણી વર્ષ 1962માં થઇ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે મહિલા ઉમેદવાર જયાબેન શાહને ટિકિટ ફાળવી હતી. જયાબેન શાહ આ ચૂંટણીમાં પી.એસ.પી. પક્ષના માથુરદાસ મહેતાને હરાવીને સાંસદ બન્યા હતા. અમરેલી લેઉવા પાટીદાર સમાજની બહુમતીવાળી બેઠક છે. ત્યારે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ લેઉવા પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે.
ઉમેદવાર
ભાજપ: ભરત સુતરીયા
ભરત સુતરિયા હાલ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ છે. લેઉઆ પાટીદાર સમાજના અને લાઠીના બારૈયા ગામના છે. વ્યવસાયે ખેડૂત છે અને તેઓ ધોરણ 10 પાસ છે. વર્ષ 1991થી ભાજપ કેડર છે. વર્ષ 2010-2015 દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ હતા. ભરત સુતરિયા વર્ષ 2019 બાદ નગરપાલિકા પ્રભારી હતા.
કોંગ્રેસ: જેની ઠુમ્મર
જેની ઠુમ્મર અમરેલીના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય રહી ચુકેલા વિરજી ઠુમ્મરના પુત્રી છે. કોંગ્રેસમાં હાલ તેઓ સૌરાષ્ટ્ર મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. જેની ઠુમ્મરનો જન્મ 23 એપ્રિલ 1984ના દિવસે અમરેલીમાં થયો હતો. તેઓ લંડનની મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી માનવ સંસાધન વ્યવસ્થાપનમાં એમ.બી.એ.ની ડિગ્રી ધરાવે છે. નિરમા યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક બન્યા બાદ બે વર્ષ સુધી તેમણે ફ્લોરિડાની એટલાન્ટિક યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે. જેની ઠુમ્મરે વર્ષ 2015માં અમરેલીના બાબરા તાલુકાની મોટા દેવળિયા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જેની ઠુમ્મરની કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં લોકચાહના છે. ત્યારે કોંગ્રેસે લેઉવા પાટીદાર ચહેરાને આગળ કર્યો છે.
PROFILE
- અમરેલી લોકસભા બેઠકમાં લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા, ધારી, ગારીયાધાર અને અમરેલી વિધાનસભાનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના નારણ કાછડિયા આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 2,01,431 વોટની લીડથી જીત્યા હતા.
- મતદારોની સંખ્યા
- કુલ મતદારો 17,29,797
- પુરુષ મતદાર 8,94,537
- સ્ત્રી મતદાર 8,35,243
- વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક | પક્ષ | વિજેતા | વોટ | લીડ |
લાઠી | ભાજપ | જનક તળાવીયા | 64,866 | 35,592 |
સાવરકુંડલા | ભાજપ | મહેશ કસવાલા | 63,757 | 60,265 |
રાજુલા | ભાજપ | હીરા સોલંકી | 78,482 | 63,019 |
મહુવા | ભાજપ | શિવા ગોહિલ | 86,463 | 55,991 |
ગારીયાધાર | આપ | સુધીર વાઘાણી | 60,944 | 56,125 |
ધારી | ભાજપ | જયસુખ કાકડિયા | 46,466 | 37,749 |
અમરેલી | ભાજપ | કૌશિક વેકરિયા | 89,034 | 42,377 |
અમરેલી બેઠકની વિશેષતા
- 1957માં બોમ્બે સ્ટેટની ગીરનાર બેઠક તરીકે ઓળખાતી
- 1962માં આ સીટ પરથી કોંગ્રેસના જયાબેન શાહ પ્રથમ સાંસદ તરીકે ચૂંટાયા.
- વર્ષ 1957થી 2019 સુધીમાં 16 વખત ચૂંટણી યોજાઈ. જેમાં 8 વખત કોંગ્રેસ, 7 વખત ભાજપ અને 1 વખત જનતાદળના ઉમેદવારની જીત થઈ છે.
- ઠુમ્મર પરિવાર વર્તમાન સમયમાં કદાચ રાજ્યનો એકમાત્ર એવો પરિવાર છે જેના તમામ સદસ્યોને કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી છે.
- વર્ષ 2002માં વિરજી ઠુમ્મર અમરેલીના સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2009માં કોંગ્રેસ પાર્ટીએ વિરજી ઠુમ્મરના પત્ની નીલાબેન ઠુમ્મરને લોકસભાની ટિકિટ આપી. તેઓ ભાજપના નારણ કાછડિયા સામે પરાજિત થયા હતા.
- પરશોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપરાંત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી અમરેલીએ આપ્યા છે.