આ લખાઇ રહ્યું છે ત્યારે બહાર ભરશિયાળે વરસાદ માવઠું બનીને વરસી રહ્યો છે અને કમ્પ્યુટર ધીમા અવાજે ગણગણી રહ્યું છેઃ આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે…
અને યોગાનુયોગ, ગુજરાતી ભાવજગતને આજે બીજુ કોઇક પણ ભીંજવી રહ્યું છે, અનરાધાર વરસીને. સાંઇ મકરંદ દવેના શબ્દો યાદ આવે છે કે, ‘રમેશ ગુજરાતી પ્રજા પર અમૃત મેઘ બનીને વરસ્યો છે!’
રમેશ પારેખ. છ અક્ષરનું નામ. ખરા અર્થમાં ગુજરાતી ભાવકો પર વરસીને એમના ભાવવિશ્વને તરબોળ કરી દેનાર અમૃત મેઘ.
પણ, પણ, પણ…. આ અમૃત મેઘમાંથી થયેલી પદ્યની ધારામાં તો આપણે બધા બહુ ભીંજાયા, પરંતુ સાંવરિયો રે મારો સાંવરીયો, કે કાગળ હરી લખે તો બને કે પછી એક છોકરીના હાથમાંથી રૂમાલ પડે નીચે ને લેવા આખું ગામ વળે નીચે…. સુધીની સર્જનની અદભૂત રેન્જ જેમના ભાથામાં હતી એ રમેશ પારેખ પદ્યની સાથે ગદ્યમાં પણ અજવાળું કરતા ગયા છે એ વિશે ઘણા બધા રમેશપ્રેમીઓ પણ હજુ અંધારામાં છે.
ગીતોના ગઢમાં બીરાજતા આ પદ્યસ્વામી પદ્યની સાથે એમના સ્વભાવ જેવી જ સીધી, સરળ અને છતાંય એટલી જ રસાળ શૈલીમાં જ્યારે ગઢના કાંગરેથી ગદ્યનો હોંકારો કરે તો બે ઘડી એમાંય વિહાર કરવાની મજા આવે જ આવે.
000 000 000
એટલે જ આજે વાત કરવી છે એમના બહુ ઓછા જાણીતા પુસ્તક ‘હોંકારો આપો તો કહું’ ની. બહુ ઓછા વાચકો રમેશ પારેખને કોલમ કે કટારલેખક તરીકે ઓળખતા હશે, પણ એ જાણી લ્યો કે એક સમયે એમણે કોલમ લેખન પર ય હાથ અજમાવેલો! 1 ફેબ્રુઆરી 1984ના રોજ જનસત્તામાં ‘હોંકારો આપો તો કહું’ એ નામે કોલમના શ્રીગણેશ કર્યા પછી તો સમકાલીનમાં ‘કોફીના કપમાં વસંત’ અને ફૂલછાબમાં ‘મને ગમ્યું તે મારું કોલમ’ પણ લખી. કવિની કલમે લખાયેલા આ લેખોનો સંગ્રહ એટલે ‘હોંકારો આપો તો કહું.’
જૂન 1994માં પ્રકાશિત થયેલા આ સંગ્રહમાં રમેશ પારેખનું ગદ્ય પણ કેટલું વૈવિધ્યસભર છે અને આ સર્જકની નિરીક્ષણશક્તિ અને રમૂજવૃત્તિ કેટલી તીવ્ર છે એનો પરિચય થાય છે. એ સુરેશ દલાલના કાવ્ય મંદિર સાથે પરણી, મીરાં રાજમહેલથી છૂટી રે… વિશે પણ લખે છે અને પોતાના જ એક કાવ્ય ભરત ભરતી પુત્રીને માતા પિતાનો ઠપકો… વિશે પણ લખે. એમની કવિતાઓ વિશે બીજા લખે એ ઠીક છે, પણ આ કવિ ખુદ જ્યારે પોતાની કવિતા વિશે લખે ત્યારે કેવી મજા આવે?!
વળી, એમણે પોતાની કોલમમાં ફક્ત કવિતાઓ વિશે જ નથી લખ્યું. એ ભગવત ગીતા પર પણ લખે છે અને સાથે ઉગતા સર્જકોના ધ્યાનમાં રાખીને લેખકની પ્રતિબધ્ધતા વિશે પણ લખે છે. એ ખટારાના પાટીયા પર લખાયેલા પ્રેમપત્રો પર અને માધવે વિનોદનું ટ્યુશન રાખ્યું છે એવું પણ હળવી શૈલીમાં લખી શકે છે, એ લખીને કવિ માધવ રામાનુજના વ્યક્તિત્વનું એક પાસું પણ અદભૂત રીતે ખોલી શકે છે. પુસ્તકમાં રાધેશ્યામ શર્માએ લીધેલો એમનો ઇન્ટરવ્યૂ પણ સામેલ છે. એમાં કવિ એક સવાલના જવાબમાં કહે છે કે, ‘અપેક્ષિત પારિતોષિક ન મળે ત્યારે એમને નિરાશાની લાગણી થાય છે’ એ વાંચીને એમની નિખાલસતા પર માન ઉપજે છે. આ જ ઇન્ટરવ્યૂમાં એ પોતાની લેખક તરીકેની પ્રતિબધ્ધતા કેવી એનો અદભૂત જવાબ આપે છેઃ ‘લખવું-શ્રેષ્ઠ, શ્રેષ્ઠતર અને શ્રેષ્ઠતમ…’
આ જ પુસ્તકમાં, 21 સપ્ટેમ્બર 1991ના રોજ એમને રણજિતરામ ચંદ્રક મળ્યો એ પ્રસંગે એમણે આપેલા વક્તવ્યની કેફિયત પણ છે. એમાં એ કહે છેઃ શબ્દ માણસને ઘડે છે કે માણસ શબ્દને કાઢે છે એ રહસ્ય હું ઉકેલી શક્યો નથી. હું કેવળ શબ્દ પરની શ્રદ્ધા અને શબ્દની શક્તિ પરની શ્રદ્ધાના કારણે લગભગ પચીસ વર્ષથી તરતો રહ્યો છું…
(તસવીરઃ કવિ તુષાર શુક્લની ફેસબુક પોસ્ટમાંથી સાભાર)
કોઈ સર્જક પારિતોષિકનો સ્વીકાર કે અસ્વીકાર કરે એ મુદ્દે આપણા સર્જકો સામસામી છાવણીમાં વર્ષોથી ખાંડા ખખડાવતા આવ્યા છે ત્યારે પદક કે પારિતોષિક વિશે પોતાની સમજને આ કવિએ એક લેખમાં બહુ નિખાલસતાથી રજૂ કરી છેઃ પદક કે પારિતોષિક સ્વીકારતી વખતે સર્જક એક ચેલેન્જ પણ સ્વીકારતો હોય છે. એ ચેલેન્જ છે પોતાની સર્જનની ગતિનું સાતત્ય નહીં તૂટવા દેવાની ચેલેન્જ! એ કહેવાની જરૂર નથી કે, કવિએ પોતે અનેક પારિતોષિકો પછી ય આ પડકાર સફળતાપૂર્વક ઝીલી બતાવ્યો છે.
પણ, પણ, પણ થોભો જરાક.
આ કલમનવેશ ગીત લખે, કવિતા લખે કે નિબંધ લખે કે પછી કંઈ પણ લખે એ તો વાચકોને ગમે જ, પણ હાડોહાડ રમેશપ્રેમીઓને તો સદીઓથી જે સવાલ સતાવે છે, એનો પણ જવાબ આ પુસ્તકમાં કવિ આપે છે. સવા કરોડનો આ સવાલ એ છે કે એમની કવિતામાં ‘ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે જેને ફૂલ દીધાનું યાદ’ છે એ સોનલ છેવટે છે કોણ???
રમેશપ્રેમીઓનું કૂતુહલ સંતોષવા ખુદ રમેશ પારેખ ફોડ પાડે છે કે, સસલા જેવી, ચાબુક જેવી, સફરજન જેવી આ સોનલ કોણ છે!
કવિ લખે છેઃ ‘એ દિવસો જ હતા છાતી કાઢીને ફરવાના. તોફાનોની બિરાદરીના. કોઈ પૂછતું કે, તમારી પેલી સોનલ કોણ છે તો જવાબ માટે જ્યારે અમારા બંધ પરબીડિયા જેવા હોઠની કિનાર લગરિક ઊંચકાતી તો તેમાં સો-સો ડોકિયાં થતા, અમારા ચહેરાને માઇક્રોસ્કોપ નીચે મૂકી તપાસાતો. અમારા વાળ ફરકે તોય સો-સો અફવાઓ જન્મી પડતી. કૂતુહલપસંદો સુગંધના શોખીન થઈ જતા ને અમારા પગો સૂંઘતા…
… વેણીભાઈ પુરોહિત અને અમૃત ઘાયલ જેવા જૈફો, મનોજ-અનિલ જેવા રોમેન્ટિક સમવયસ્કો, વિનોદ ભટ્ટ, નિરંજન ત્રિવેદી ને અશોક દવે જેવા પરોપજીવી દુષ્ટાત્માઓ, મુક્ત પ્રાધ્યાપકો, લીમડાની છાલ જેવા સુક્કાભઠ્ઠ વિવેચકો, ગુલાબની થપ્પી જેવી કાચી કાચી છોકરીઓ- સૌ પૂછતાં, ચૂંથતા, ખોલતાં, ખખડાવતાં, ખોદતાં, ઉલેચતાં, ચીરતાં, પટાવતાં કે, સોનલ કોણ છે?
… સિક્કાઓ પડતા સોનલના નામના! પાંચ લીવરના તાળા જેવો સામો માણસ આખેઆખો ઊઘડી પડતો આપોઆપ- હેંહેંહેં, આ સોનલ કોણ છે હેં?’
જો કે, લેખના અંતે કવિ આ સોનલ વિશે જે ફોડ પાડે છે એ નથી કહેવું. એ માટે તો તમારે આ લેખ વાંચવો જ પડશે.
એમ તો ઘણા રમેશપ્રેમીઓને એ ય જાણી લેવું છે કે જે ચંદુ સાથે કવિ બાળપણમાં કાતરીયામાં છૂપાતા (હું ને ચંદુ છાનામાના…) એ ચંદુ ય કોણ છે? ધીરજ રાખો, ઓ રમેશપ્રમીઓ! કવિએ આ પુસ્તકમાં ચંદુનીય ઓળખાણ કરાવી છે.
અમરેલીના એક મુરબ્બી સાહિત્યમર્મી અને નિવૃત્ત અધ્યાપક છેલભાઈ વ્યાસ સરસ લખે છેઃ ‘પદ્યના લયહિલ્લોળ પર ગુજરાતી કવિતાને અઢી દાયકાથી ઝુલાવી રહેલો ગુર્જરીનો આ લાડીલો ગદ્યમાંય દોમદોમ સમૃદ્ધિ ઠાલવી ગયો છે… કવિતાની નમણી વેલને સિંચતા સિંચતા પડખેનો આ છોડ બળ કરી ગયો એ કંઈ નાનોસૂનો ચમત્કાર છે?’
000 000 000
બરાબર 83 વર્ષ પહેલાં, 27 નવેમ્બર 1940ના રોજ લીલીછમ વેલી અમરેલીમાં નર્મદાબેન મોહનભાઈ પારેખની કુખેથી એક પુત્રનો જન્મ થયો એ ફક્ત એક પુત્રજન્મની ઘટના નહોતી. ગુજરાતી કવિતાવિશ્વની ઘટના હતી, જે ભવિષ્યમાં ગુજરાતીઓના ભાવવિશ્વમાં અમર થઇ જવાની હતી.
આ કવિએ પોતાની ગીતોથી ગુજરાતીઓને ડોલાવ્યા છે. આજ સવારે આંગળીઓને સાવ અવાચક મેલી, ને મુઠ્ઠીમાંથી ખડીંગ દઈને ખરી પડ્યું અમરેલી ગાઇને પોતાના વતન અમરેલીને બેશૂમાર પ્રેમ કર્યો છે. પોતાની મૂછોને પોતાના ચહેરાનું ઘરેણું ગણાવનાર આ કવિ ખુદ ગુજરાતી સાહિત્યજગતનું અણમોલ ઘરેણું છે. એને ઘણી ખમ્મા આજના જન્મદિવસે!
છેલભાઈની વાત સાચી જ છે. છ અક્ષરનું આ નામ ગુજરાતી કવિતાનો એક ચમત્કાર જ છે!
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)