“ચિત્રલેખા” નાટ્ય સ્પર્ધાને સાંસદ સી આર પાટીલે બળ આપ્યું

સૂરત– સૂરતમાં ચાલતી ભવન્સ કલ્ચરલ સેન્ટર આયોજિત, ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી, રીલાયન્સ ઈન્ડસ્ટ્રી પ્રાયોજિત ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા ૨૦૧૮માં આજે સૂરત-નવસારીના સાંસદ સી આર પાટીલ ખાસ મહેમાન બન્યા હતાં. પ્રસિધ્ધ નાટ્ય લેખક અને નાટ્ય સ્પર્ધાના નિરીક્ષક પ્રવીણ સોલંકીએ આર્થિક મદદની ટહેલ નાંખી હતી. પ્રેક્ષાગારમાં હાજર સાંસદ સી આર પાટીલે આ વાતને ઝીલીને તરત પોતાના તરફથી એક લાખ રૂપિયા આ પ્રવૃત્તિ માટે આપવાની જાહેરાત કરીને સ્થળ ઉપર જ ચેક ભવન્સના લલીત શાહને સુપ્રત કર્યો હતો.પોતાનો પ્રતિભાવ આપતા સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે, કલા અને સંસ્કૃતિનું પોષણ કરવું એ સમાજની ફરજ છે. એમણે આ પ્રવૃત્તિને બીરદાવી હતી. ભવન્સ વતી પ્રવીણ સોલંકી, લલીત શાહ, રમાકાંત ભગતે આભાર વ્યક્ત કર્યો હતો.સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા ફિલ્મ કલાકાર દેવદત્ત પંડિત, અમદાવાદના જાણીતા ફિલ્મ અને નાટ્યકાર અન્નપૂર્ણાબહેન શુક્લા અને સૂરતના કપિલદેવ શુક્લા સેવા આપી રહ્યાં છે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી, રીલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે સૂરતનું જ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસ (એસઆરકે), જીવન ભરતી મંડળ (સૂરત), એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ (ભૂજ), રાજવી જોશી- રાજ થીયેટર જેવી સંસ્થાના સહયોગથી આ સ્પર્ધા યોજાઈ રહી છે.