‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’નો સુરતમાં શુભારંભ; શહેરમાં દસ દિવસ પથરાશે નાટ્યરંગ

સુરત – અમદાવાદ અને ભાવનગર પછી ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’નો બારમા વર્ષનો કાફલો હવે આવી પહોંચ્યો છે લહેરીલાલાઓનાં શહેર સુરતમાં. શિયાળાની ખુશનુમા રવિવારની સવારે સુરતના નાનપુરામાં આવેલા જીવન ભારતી મંડળના ‘રંગ ભવન’માં મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને પ્રથમ ચરણના અંતિમ તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધા ૨૭મી ડિસેમ્બર સુધી સુરતમાં ચાલશે અને અંતિમ દિવસે મુંબઈ ખાતે યોજાનાર ફાઈનલ રાઉન્ડ માટે પસંદ થયેલા નાટકોની યાદી જાહેર થશે.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ દ્વારા પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર–અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮ (વર્ષ ૧૨મું)’ના શુભારંભ પ્રસંગે જીવન ભરતી મંડળના અધ્યક્ષ ભાનુભાઈ શાહ, પ્રમુખ ભરતભાઈ શાહ, મંત્રી ડો. કેતનભાઈ શેલત, અજીતભાઈ શાહ ઉપરાંત પ્રસિદ્ધ નાટ્યલેખક તથા આ સ્પર્ધાના મુખ્ય સ્તંભ એવા પ્રવીણ સોલંકી, ભવન્સ કલ્ચરલ સેન્ટરના લલિતભાઈ શાહ, રમાકાંત ભગત તથા નાદુરસ્ત તબિયત હોવા છતાં વ્હીલચેરમાં બેસીને આવેલા કમલેશ દરૂ હાજર રહ્યા હતા. સુરત ખાતેની સ્પર્ધામાં ખાસ સહયોગ આપનાર સુરત-નવસારીના સાંસદ સી.આર. પાટીલે પણ ઉદઘાટન પ્રસંગની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

પ્રાસંગિક ઉદબોધનમાં પ્રવીણભાઈ સોલંકીએ સમગ્ર સ્પર્ધા અંગે વિગતે માહિતી આપી હતી. સ્પર્ધા સાથે સંકળાવાનો રાજીપો જીવન ભારતી મંડળ વતી ડો. કેતન શેલતે વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાત અને મુંબઈમાંથી કુલ ૫૧ નાટકો એન્ટ્રી માટે આવ્યા હતા એ પૈકી પ્રારંભિક સ્પર્ધા માટે ૨૫ નાટકોની પસંદગી કરવામાં આવી હતી. એ પૈકી અમદાવાદ ખાતે ૪ અને ભાવનગર ખાતે ૮ નાટકોની ભજવણી થઈ ચૂકી છે. હવે બાકીના ૧૩ નાટકો પૈકી સુરતના પરમ થિયેટરના ‘મસ્તરામ’ નાટકથી સ્પર્ધાનો આરંભ થયો હતો. સાંજે એક્ષ્પ્રેસન ગ્રુપ-સુરતના ‘બલી અને શંભુ’ની ભજવણી થઈ હતી.

સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા ફિલ્મ કલાકાર દેવદત્ત પંડિત, અમદાવાદના જાણીતા ફિલ્મ અને નાટ્યકાર અન્નપૂર્ણાબહેન શુક્લા અને સુરતના કપિલદેવ શુક્લા સેવા આપી રહ્યા છે. સુરતના શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્સ (એસઆરકે), જીવન ભારતી મંડળ (સુરત), એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ (ભૂજ), રાજવી જોશી-રાજ થિયેટર જેવી સંસ્થાનાં સહયોગથી આ સ્પર્ધા યોજાઈ રહી છે.

આજના ઉદઘાટન કાર્યક્રમનું સંચાલન મયંક ત્રિવેદીએ કર્યુ હતું.

(અહેવાલઃ ફયસલ બકિલી)

(તસવીરોઃ જિજ્ઞેશ મકવાણા)