Cooking Tips

Cooking Tips

બ્રેડ દહીં વડા, લવિંગ-મિશ્રીનું શરબત

દિવાળી સ્પેશ્યલ રેસિપી

 

બ્રેડ દહીં વડા

સામગ્રીઃ બ્રેડ 8 નંગ, દહીં ½ કપ બ્રેડ પલાડવા માટે, પાણી ¼ કપ, તળવા માટે તેલ, કોથમીરની લીલી ચટણી, ખજૂરની ગળી ચટણી, ચાટ મસાલો, વડા માટે દહીં

પૂરણ માટેઃ ખમણેલું પનીર ½ કપ, કાજુના ટુકડા 1 ટે.સ્પૂન, કિસમિસ 1 ટે.સ્પૂન, લીલા મરચાં બારીક સુધારેલાં 2, આદુ બારીક સુધારેલું 1 ટી.સ્પૂન, કોથમીર ધોઈને બારીક સમારેલી, લાલ મરચાં પાવડર ½ ટી.સ્પૂન, જીરુ ½ ટી.સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર

રીતઃ પૂરણ માટેની બધી સામગ્રી મિક્સ કરીને એક બાજુએ રાખો.

બ્રેડની કિનારીઓ કટ કરી લો. બ્રેડને દહીં તથા પાણીના મિશ્રણમાં પલાડીને હલકે હાથે દાબીને પાણી કાઢી લો. આ બ્રેડમાં થોડું પૂરણ ભરીને બોલના શેપમાં વાળીને બંધ કરી દો. બધી બ્રેડ આ રીતે તૈયાર કરીને તેલમાં તળી લો. ત્યારબાદ આ બ્રેડ બોલને પાણીમાં અડધા કલાક માટે પલાળીને બહાર કાઢી લો. આ વડા એક પ્લેટમાં રાખીને ઉપર દહીં, તીખી, મીઠી ચટણી તેમજ ચાટ મસાલો ભભરાવીને દહીં વડા તૈયાર કરી લો.


 

લવિંગ અને મિશ્રીનું શરબત

Reena Mohnot

પલાડેલા લવિંગ તથા મિશ્રી શરીર માટે સ્વાસ્થ્યપ્રદ તથા ઠંડક પ્રદાન કરનારાં છે.

સામગ્રીઃ લવિંગ 15-20 (રાત્રે પાણીમાં પલાળી રાખવા), મિશ્રી ½ કપ, એલચી પાવડર ½ ટી.સ્પૂન, કેસરના 8-10 તાંતણા પાણીમાં પલાળેલાં

રીતઃ લવિંગને આખી રાત પાણીમાં પલાળી રાખવા. જો માટીના વાસણમાં પલાળવામાં આવે તો વધુ સારું. સવારે લવિંગને પથ્થર પર પીસી લો અથવા મિક્સીમાં પણ પીસી શકાય. એક માટીનું વાસણ લો. તેમાં પીસેલા લવિંગ તથા મિશ્રીને 1 લિટર પાણીમાં અડધા કલાક માટે પલાળી રાખો. જો લવિંગનો સ્વાદ પાણીમાં આવી જાય તો આ પાણીને ગળણીથી ગાળી લો. ત્યારબાદ તેમાં પલાળેલા કેસર તેમજ પાણી અને એલચી પાવડર પણ ઉમેરી દો.

 

આ શરબત ફ્રીજમાં ઠંડું કરીને પીરસો. આ શરબત પીવાથી શરીરમાં તાજગી આવે છે.

(રીના મોહનોત)

(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા!  જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક કઠિનાઈ, પેન્ડેમિકનો ફટકો સહીને પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન, ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાવી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)

વધેલી રોટલીનો ક્રિસ્પી નાસ્તો

ઘણીવાર રાત્રે જમવામાં રોટલી વધી જતી હોય છે. બીજા દિવસે ઠંડી રોટલીઓ ખાવાનો કંટાળો આવતો હોય છે. પણ કોઈકવાર આ રોટલી વઘારીને સવારે સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય છે!

સામગ્રીઃ

 • રાતની વધેલી રોટલી 4-5
 • કાંદો 1
 • આદુ-લસણ ખમણેલાં 1 ટે.સ્પૂન
 • ગાજર 1
 • સિમલા મરચું 1
 • કોબી ઝીણી સમારેલી ¼ કપ
 • ધાણાજીરુ પાવડર 1 ટી.સ્પૂન
 • લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
 • હળદર ¼ ટી.સ્પૂન
 • શેઝવાન ચટણી 2 ટે.સ્પૂન
 • ટોમેટો કેચ-અપ 2 ટે.સ્પૂન
 • કાળાં મરી પાવડર ½ ટી.સ્પૂન
 • કોથમીર ધોઈને સમારેલી ½ કપ
 • લીલા કાંદા પાન સાથે ધોઈને સમારેલાં ½ કપ
 • તેલ 2-3 ટે.સ્પૂન
 • સ્વાદ મુજબ મીઠું,
 • ચિલી ફ્લેક્સ 1 ટે.સ્પૂન(રોટલીમાં નાખવા માટેના શાક તમારી પસંદગી મુજબ લઈ શકો છો. કાંદા ન નાખવા હોય તો તેને સ્કીપ કરી શકાય છે.)

રીતઃ રોટલીઓને એકસાથે મૂકીને એનો રોલ કરી લો. આ રોલના ચપ્પૂ વડે પાતળાં રોલ કટ કરી લો. ત્યારબાદ તેને છૂટાં કરી લો, તો તે નૂડલ્સ જેવા કટ થયેલાં હશે. મોટા ટુકડાને કટ કરીને થોડાં નાના કરી લો.

નોન-સ્ટીક પેનમાં 1 ટે.સ્પૂન તેલ ઉમેરીને પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. રોટલીના કટકા તેમાં નાખીને શેલો ફ્રાઈ કરીને ક્રિસ્પી થવા દો. ગેસની આંચ ધીમી રાખવી. થોડીવાર બાદ મધ્યમ આંચે રોટલી શેકવી. 3-4 મિનિટમાં રોટલી ક્રિસ્પી થવા આવશે. ત્યારબાદ રોટલીને એક બાઉલમાં કાઢી લો. રોટલી ઠંડી થયા બાદ તે કડક થઈ જશે. રોટલી ઉપર થોડું મીઠું ભભરાવી દો. (જો રોટલીમાં મીઠું નાખ્યું હોય તો નાખવાની જરૂર નથી.)

પેનમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં ખમણેલાં આદુ-લસણની પેસ્ટ સાંતડો. 1 મિનિટ બાદ કાંદો ઝીણો સમારેલો ઉમેરી 2 મિનિટ સાંતડો.

કોબી, ગાજર, સિમલા મરચાંની પાતળી સ્લાઈસ કરીને તેમાં હવે સાંતડો. થોડું મીઠું ભભરાવીને કાળાં મરી પાવડર તેમજ મસાલા પણ નાખી દો. સુધારેલાં લીલા કાંદાના પાન તેમજ કોથમીર નાખીને 2-3 મિનિટ સાંતડી લીધા બાદ તેમાં શેઝવાન ચટણી તથા ટોમેટો કેચ-અપ ઉમેરી દો. ગેસની આંચ તેજ રાખીને હજુ 2-3 મિનિટ સાંતડીને ઉતારી લો.

તૈયાર છે રોટલીનો સ્વાદિષ્ટ નાસ્તો!

મંચુરિયન પૂડલા

વરસાદમાં મંચુરિયન ખાવાનું જો મન થાય તો તળેલા તેલવાળા મંચુરિયન ખાવા કરતાં તે જ સામગ્રી વડે પૂડલા સારા રહેશે. આ ગરમાગરમ મંચુરિયન પૂડલા ખાવાની બાળકોને પણ મઝા પડશે.

સામગ્રીઃ

 • ઝીણી સમારેલી કોબી 2 કપ
 • સિમલા મરચું 1
 • કાંદા 2
 • ગાજર 1
 • કોથમીર ધોઈને સમારેલી ½  કપ
 • લીલા કાંદા તથા તેના પાન ધોઈને સમારેલા ½  કપ
 • આદુ-લસણ પેસ્ટ 1 ટે.સ્પૂન
 • લીલા મરચાં 2-3, મીઠું સ્વાદ મુજબ
 • સોયા સોસ 2 ટી.સ્પૂન
 • ટોમેટો કેચ-અપ 2 ટે.સ્પૂન
 • રેડ ચિલી સોસ 2 ટી.સ્પૂન
 • વિનેગર ½ ટી.સ્પૂન
 • કાળાં મરીનો પાવડર 1 ટી.સ્પૂન
 • ચોખાનો લોટ અથવા કોર્નફ્લોર 1 કપ
 • તેલ પૂડલા સાંતડવા માટે
 • શેઝવાન ચટણી પીરસવા માટે

રીતઃ એક મોટા બાઉલમાં ઝીણી સમારેલી કોબી લો. ત્યારબાદ તેમાં કાંદા, ગાજર, કોથમીર, લીલા કાંદા તેના પાન સહિત ઝીણાં સમારીને ઉમેરો. ત્યારબાદ તેમાં સોયા સોસ, ટોમેટો કેચ-અપ, રેડ ચિલી સોસ, વિનેગર, કાળાં મરીનો પાવડર નાખો. તેમાં મીઠું સ્વાદના પ્રમાણ કરતાં થોડું ઓછું નાખવું કારણ કે, ચિલી સોસ તથા ટોમેટો કેચ-અપમાં મીઠું હોય છે. આ બધી સામગ્રીને હાથ વડે મિક્સ કરો. શાકને કારણે તેમાંથી પાણી છૂટશે. હવે તેમાં ચોખાનો લોટ અથવા કોર્નફ્લોર 1 કપ લઈ થોડો થોડો ઉમેરતાં જાવ અને હાથેથી જ મિક્સ કરતા જાવ. જરૂર મુજબ લોટ નાખવો. હાથમાં થોડું મિશ્રણ લઈ તેનો ગોલો વાળવો. જો ગોલો વળે તો મિશ્રણ તૈયાર છે.

એક પ્લાસ્ટીક પેપર અથવા બટર પેપર લઈ પાટલા પર મૂકો. પ્લાસ્ટીક પેપર લો તો તેની ઉપર તેલ ચોપડીને, તેની ઉપર પૂડલા માટેનો લૂવો લઈ હાથેથી થાપીને પૂડલો બનાવવો. એક નોનસ્ટીક તવો ગેસ પર ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે પ્લાસ્ટીકમાંથી પૂડલો તવામાં નાખો. ગેસની આંચ મધ્યમ રાખવી. પૂડલો નાખ્યા બાદ 2 મિનિટ બાદ તેને ઉથલાવીને ઉપર તેમજ ફરતે તેલ રેડવું. 2 મિનિટ બાદ ફરીથી ઉથલાવી દો. પૂડલો બ્રાઉન રંગનો શેકાઈ જાય એટલે ઉતારી લો. આ જ રીતે બધા પૂડલા તૈયાર કરીને ટોમેટો કેચ-અપ અથવા શેઝવાન ચટણી સાથે પીરસો.

ફરાળી સેવપુરી

આઠમનો ઉપવાસ, ગરબાની રમઝટ અને સેવપુરીનો ફરાળ! નવાઈ લાગે છે ને, કઈ રીતે બનશે આ ફરાળી સેવપુરી? તો વાંચી લો નીચે આપેલી રીત!

સામગ્રીઃ

 • બાફેલા બટેટા 2
 • દાડમના દાણા 2 ટે.સ્પૂન
 • શેકેલા શીંગદાણા 2 ટે.સ્પૂન
 • કાકડી 1 (optional)
 • કોથમીર ધોઈને ઝીણી સમારેલી 1 કપ

ગળી ચટણીઃ

 • ખજૂર 1 કપ
 • સિંધવ મીઠું સ્વાદ મુજબ
 • સાકર ટે.સ્પૂન
 • 1 લીંબુનો રસ 1 ટે.સ્પૂન
 • કાળાં મરી પાવડર 1 ટી.સ્પૂન

લીલી ચટણીઃ

 • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
 • શીંગદાણા 1 ટે.સ્પૂન
 • લીલા મરચાં 2-3
 • આદુનો ટુકડો 1 ઈંચ

ફરાળી પુરીઃ

 • રાજગરાનો લોટ 1½  કપ
 • સામાનો લોટ ½ કપ
 • સિંધવ મીઠું સ્વાદ મુજબ
 • તેલ મોણ માટે 1 ટે.સ્પૂન
 • તળવા માટે તેલ
 • ઘી 1 ટી.સ્પૂન

ફરાળી સેવઃ

 • રાજગરાનો લોટ 1 કપ
 • સિંધવ મીઠું સ્વાદ મુજબ
 • તેલ મોણ માટે 1 ટે.સ્પૂન
 • કાળા મરી પાવડર 1 ટી.સ્પૂન
 • તળવા માટે તેલ

રીતઃ

ફરાળી પુરીઃ રાજગરાનો લોટ, સામાનો લોટ, સિંધવ મીઠું સ્વાદ મુજબ તેમજ 1 ચમચી તેલ ઉમેરી મિક્સ કરો. તેમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો. તેની ઉપર 1 ટી.સ્પૂન ઘી ચોપડીને 10 મિનિટ માટે લોટ ઢાંકીને મૂકી રાખો.

10 મિનિટ બાદ લોટમાંથી લૂવા લઈને પુરીઓ વણી લેવી. દરેક પુરી વણાઈ જાય એટલે એક કાંટા ચમચી વડે પુરી પર કાણાં પાડવા. જેથી પુરી તળતી વખતે ફુલે નહીં. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ગેસની આંચ તેજ રાખીને પુરીઓ તળી લેવી.

ફરાળી સેવઃ રાજગરાનો લોટ, સિંધવ મીઠું સ્વાદ મુજબ, તેલ 1 ટે.સ્પૂન, કાળા મરી પાવડર तेमતેમજ જરૂર મુજબ પાણી મેળવીને કઠણ લોટ બાંધી લો. આ લોટને સેવની પ્લેટ મૂકી સંચામાં નાખીને સંચા વડે ગરમ તેલમાં સેવ પાડી લો. આ સેવ ગોલ્ડન રંગની તળી લો. સેવને એક પ્લેટમાં કાઢી લઈ તેના નાના નાના ટુકડા કરી લેવા.

ગળી ચટણીઃ ખજૂરના ઠળિયા કાઢી લઈ તેને હૂંફાળા ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તેને બાફી લો. ઠંડું થયા બાદ ખજૂરને મિક્સીમાં નાખી પીસી લો અને એક ચાળણી વડે ગાળી લો. ત્યારબાદ તેમાં સાકર, કાળાં મરી પાવડર, લીંબુનો રસ તેમજ સ્વાદ મુજબ સિંધવ મીઠું મેળવીને ફરી એકવાર મિક્સીમાં નાખીને બારીક ચટણી પીસી લો.

લીલી ચટણીઃ કોથમીર ધોઈને સમારેલી, શીંગદાણા, લીલા મરચાંના ટુકડા, આદુના બારીક ટુકડા તેમજ સ્વાદ મુજબ સિંધવ મીઠું મેળવીને મિક્સીમાં  પીસી લો. પાણી જરૂર મુજબ થોડુંક ઉમેરવું.

બાફેલા બટેટા તેમજ કાકડીને અલગ અલગ ઝીણા ચોરસ સમારી લેવા.

પુરી તેમજ સેવ તૈયાર થઈ ગયા બાદ સેવપુરી પીરસતી વખતે એક પ્લેટ લેવી. પ્લેટમાં પુરી ગોઠવો. તેની ઉપર બાફેલા બટેટાના ટુકડા ગોઠવો. ત્યારબાદ ઉપર થોડી થોડી ગળી ચટણી તેમજ લીલી ચટણી રેડો. ચટણીની ઉપર કાકડીના ટુકડા  (optional), શીંગદાણા તેમજ દાડમના દાણા સજાવીને ઉપર સેવ ભભરાવો અને છેલ્લે ઝીણી સમારેલી કોથમીરથી સેવપુરી ગાર્નિશ કરો. તૈયાર છે ફરાળી સેવપુરી!

ચોખાના પકોડા – ટમેટાંની ચટણી

સાંજે મહેમાન અચાનક આવવાના હોય તો 1 કલાક જેટલા સમયમાં તમે ઓરિસ્સાના આ પ્રખ્યાત પકોડા ટમેટાંની ચટણી સાથે તૈયાર કરીને મહેમાનની આગતા-સ્વાગતા કરી શકો છો!

સામગ્રીઃ

 • ચોખા 1 વાટકી
 • બાફેલા બટેટા 3
 • ચોખાનો લોટ (જરૂર મુજબ)
 • લીલા મરચાં 3-4
 • કોથમીર ધોઈને સમારેલી ¼ કપ
 • જીરૂ 2 ટી.સ્પૂન
 • ચિલી ફ્લેક્સ 1 ટે.સ્પૂન

ટમેટાંની ચટણી માટેઃ

 • ટમેટાં 3-4
 • લસણની કળી 4-5
 • તેલ 2 ટી.સ્પૂન
 • સૂકા લાલ કાશ્મીરી મરચાં
 • કોથમીર ધોઈને મોટા ટુકડામાં કટ કરેલી 1 કપ
 • આમલીના 2 ટુકડા
 • ગોળ અથવા સાકર 1 ટી.સ્પૂન(optional)

ટમેટાંની ચટણીની રીતઃ એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણની કળીઓ સાંતડી લો. ત્યારબાદ તેમાં સમારેલાં ટમેટાં, કાશ્મીરી મરચાં, આમલીના ટુકડા તેમજ ગોળ નાખીને ટમેટાં નરમ થાય ત્યાં સુધી સાંતડી લો. આ મિશ્રણ ઠંડું થાય એટલે તેમાં કોથમીર પણ નાખીને મિક્સીમાં પીસી લો.

પકોડાની રીતઃ ચોખાને સહેજ હૂંફાળા પાણીમાં 1 કલાક માટે પલાળી દો (સમય હોય તો સાદા પાણીમાં 4-5 કલાક પલાળવા). ત્યારબાદ તેમાંનું પાણી નિતારી લઈ તેને મિક્સીમાં એકદમ બારીક પીસી લો. એકવાર મિક્સર ફેરવ્યા બાદ ચોખામાં જરૂરી લાગે તો થોડું પાણી ઉમેરીને બારીક પીસવા. આ મિશ્રણ ઈડલીના ખીરા જેવું ઘટ્ટ રહેવું જોઈએ.

ચોખાના મિશ્રણને એક મોટા બાઉલમાં કાઢી લો. હવે એ જ મિક્સીમાં બાફેલા બટેટા છોલીને તેના મોટા ટુકડા કરીને પીસી લો. ચોખા, બટેટાની પેસ્ટ મિક્સ કરી લો. જો ખીરું પાતળું બને તો તેમાં 1-2 ચમચી ચોખાનો લોટ ઉમેરી દો. આ મિશ્રણને મિક્સ કર્યા બાદ ચમચા વડે એક જ દિશામાં 3-4 મિનિટ માટે હલાવીને મિક્સ કરો.

હવે એમાં લીલા મરચાંને ગોળ સુધારી લઈ ઉમેરો તથા જીરૂ, કોથમીર પણ તેમાં મેળવી દો. મીઠું સ્વાદ મુજબ ઉમેરો. આ મિશ્રણને 10 મિનિટ માટે ઢાંકીને રાખો. 10 મિનિટ બાદ તેમાં ચિલી ફ્લેક્સ મેળવી દો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો. હવે ખીરામાંથી મિડિયમ સાઈઝના પકોડા તેલમાં પાડો. ગેસની આંચ મધ્યમથી તેજ રાખવી. પકોડા તેલમાં નાખ્યા બાદ 1 મિનિટ બાદ ફેરવવા. ત્યારબાદ 1 મિનિટ બાદ ગોલ્ડન રંગના થાય એટલે ઉતારી લેવા.

આ ગરમાગરમ પકોડા ક્રિસ્પી હોવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. ટમેટાંની ચટણી સાથે તેનો સ્વાદ વધી જાય છે!

શાહી દમ આલુ

કોઈ પણ પ્રકારનો નાસ્તો કે શાક બનાવો, તેમાં જો બટેટા હોય તો તે સ્વાદિષ્ટ જ લાગે છે. ત્યારે દમ આલુનો શાહી પ્રકાર તો ઘણો જ સ્વાદિષ્ટ લાગશે!

સામગ્રીઃ

 • બાફેલા નાના બટેટા 10-12
 • કાંદો 1
 • દહીં ½ કપ
 • તમાલપત્ર 1
 • તજનો નાનકડો ટુકડો
 • લવિંગ 3-4
 • કાજૂ 8-10
 • લાલ મરચાં પાવડર 2 ટી.સ્પૂન
 • ધાણાજીરું 1 ટી.સ્પૂન
 • હળદર ¼ ટી.સ્પૂન
 • આદુનો ટુકડો 1 ઈંચ
 • લસણની 10 કળીઓ
 • ટમેટાં 2-3
 • ટમેટાંની પ્યૂરી ½ કપ
 • જીરું 1 ટી.સ્પૂન
 • મલાઈ 1 ટે.સ્પૂન
 • કસૂરી મેથી 1 ટે.સ્પૂન
 • મોટી એલચી 2
 • વરિયાળી 1 ટે.સ્પૂન
 • તેલ જરૂર મુજબ
 • મીઠું સ્વાદ મુજબ
 • ધોઈને સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન

રીતઃ બાફેલા નાના બટેટાને છોલીને કાંટા ચમચી વડે તેમાં કાણાં પાડી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને તેલમાં બાફેલા બટેટાને ગોલ્ડન રંગના તળી લો.

ટમેટાં, આદુ તેમજ કાંદાની લાંબી પાતળી ચીરી કરી લો. કઢાઈના ગરમ તેલમાં કાંદા, આદુ, ટમેટાં, લસણ, લવિંગ, કાજૂ, મોટી એલચી, તજનો ટુકડો તળીને એક પ્લેટમાં કાઢી લો. તેને ઠંડા કરીને તેમાં વરિયાળી ઉમેરીને મિક્સીમાં બારીક પીસી લો.

કઢાઈમાં વઘાર જેટલું તેલ રહેવા દઈ બાકીનું તેલ એક વાસણમાં કાઢી લેવું. કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં જીરું તેમજ તમાલપત્રનો વઘાર કરીને કાંદા, ટમેટાંની પેસ્ટ તેમાં સાંતડો. તેમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચાં પાવડર, સ્વાદ મુજબ મીઠું નાખી બે-ત્રણ મિનિટ માટે સાંતડો. હવે તેમાં દહીં અને મલાઈ નાખીને 2 મિનિટ સાંતડીને 1-2 કપ જેટલું પાણી ઉમેરો. ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમાં તળેલાં બટેટા નાખીને કસૂરી મેથી ભભરાવીને 10 મિનિટ મધ્યમ ગેસની આંચે શાક થવા દો . ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંઘ કરીને શાક ઉપર સમારેલી કોથમીર ભભરાવી દો.

આ શાક નાન અથવા પરોઠા કે રોટલી સાથે પીરસો.

પૌઆ-બટેટા વર્મિસેલી કટલેટ

પૌઆ-બટેટાની આ વેજીટેબલ કટલેટ પૌષ્ટિક છે. તેમાં હજુ તમે ઈચ્છો તે શાક ઉમેરી શકો છો.

સામગ્રીઃ

 • પૌઆ 1 કપ
 • દહીં અથવા લીંબુનો રસ 2 ટે.સ્પૂન
 • કાંદો 1
 • સિમલા મરચું 1 નાનું
 • મરચાં 2-3, બાફેલા બટેટા 2
 • ચિલી ફ્લેક્સ 1 ટે.સ્પૂન
 • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
 • મીઠું સ્વાદ મુજબ
 • સફેદ તલ 1 ટે.સ્પૂન
 • કાળા મરી પાવડર 1 ટી.સ્પૂન
 • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
 • ચોખાનો લોટ અથવા કોર્નફ્લોર 2 ટી.સ્પૂન
 • ગરમ મસાલો 1 ટી.સ્પૂન
 • વર્મિસેલી સેવ 2 કપ

સ્લરી બનાવવા માટેઃ

 • મેંદો 1 ટે.સ્પૂન
 • કાળાં મરી પાવડર 1 ટી.સ્પૂન
 • ચપટી હીંગ
 • મીઠું સ્વાદ મુજબ

રીતઃ પૌઆને 2-3 પાણીએથી ધોઈને પાણી નિતારી લેવું. તેમાં દહીં અથવા લીંબુનો રસ મેળવીને પૌઆને 5-6 મિનિટ માટે રાખી મૂકો. પૌઆ થોડા ફુલીને નરમ થશે. જો પૌઆ સૂકા અને કડક લાગે તો થોડું પાણી છાંટી દેવું.

કાંદો તેમજ સિમલા મરચાંને ઝીણાં સમારી લેવા. મરચાંને પણ ગોળ સમારી લેવા. બટેટાનો છૂંદો કરી લેવો અને પૌઆમાં આ બધી સામગ્રી તથા તલ, કાળા મરી પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, સમારેલી કોથમીર, ચોખાનો લોટ તેમજ મીઠું સ્વાદ મુજબ મેળવી દો અને તેને લોટની જેમ બાંધી દો.

એક થાળીમાં તેલ ચોપડી દો. પૌંઆવાળા લોટને થાપીને થાળીમાં ફેલાવી દો. ઉપરથી ચપટા તળિયાવાળી વાટકી ફેરવીને એકસરખું મિશ્રણ ફેલાવી દો. આ મિશ્રણના ગોળ, ચોરસ, લંબચોરસ કે ત્રિકોણ જેવો આકાર જોઈએ, તે આકારમાં ચપ્પૂ વડે થાપેલા મિશ્રણના કટકા કરી લો.

એક બાઉલમાં મેંદો લઈ તેમાં થોડું થોડું પાણી મેળવીને પાતળી સ્લરી બનાવી લો.

વર્મિસેલી સેવના નાના ટુકડા કરી લો.

પૌઆના તૈયાર કરેલા કટલેટના પીસને મેંદાવાળા પાણીમાં મેળવીને વર્મિસેલી સેવના બારીક કરેલા ટુકડામાં ફેરવી લો સેવને થોડી દાબીને ચોંટાડી દો. તૈયાર કરેલા કટલેટને રેફ્રીજરેટરમાં 15 મિનિટ માટે સેટ કરવા મૂકો.

15 મિનિટ બાદ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી-મધ્યમ રાખીને કટલેટને સોનેરી રંગના તળી લો.

કટલેટને તળવા ના હોય તો ફ્રાઈ પેનમાં 2 ટે.સ્પૂન તેલ રેડીને ગેસની ધીમી આંચે સોનેરી રંગના ક્રિસ્પી થવા દેવા.

ચણાની દાળના દાણેદાર મોતીચૂર લાડુ

બુંદી બનાવવાની ઝંઝટ વિના બની જાય છે આ દાણેદાર મોતીચૂર લાડુ! ગણપતિ બાપ્પા પધારી રહ્યાં છે, તો બનાવી લો બાપ્પાને ભાવતાં લાડુનો પ્રસાદ!

સામગ્રીઃ

 • ચણાની દાળ 1 કપ
 • ખાંડ 1 કપ
 • ઘી મુઠીયા તળવા માટે
 • એલચી પાવડર 1 ટી.સ્પૂન
 • કેસરના તાંતણા 7-8
 • બદામ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન

રીતઃ ચણાની દાળને ધોઈને 4-5 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ દાળમાંથી પાણી નિતારી લેવું. આ દાળને મિક્સીમાં પાણી નાખ્યા વિના કરકરી પીસી લેવી. જો પાણી નાખવું જ પડે તો થોડુંક જ નાખવું.

એક કઢાઈમાં ઘી ગરમ કરી લો. ઘી ગરમ થાય એટલે દાળના કરકરા મિશ્રણમાંથી ચપટા મુઠીયા બનાવીને ઘીમાં તળી લો. ગેસની આંચ ધીમી-મધ્યમ રાખવી. મુઠીયા હલ્કા સોનેરી રંગના તળવા.

આ મુઠીયાને નાના ટુકડામાં તોડી લો. ઠંડા થાય એટલે મિક્સીમાં પીસી લો. મિક્સીને ઓન-ઓફ કરીને દળી લો. 4-5 વાર મિક્સી ફેરવીને થશે.

દળેલા મિશ્રણને સ્ટીલની ચાળણીમાં ચાળી લો. બચેલા ટુકડાને ફરીથી મિક્સીમાં ફેરવી લેવા.

કેસરના તાંતણાને ટે.સ્પૂન પાણીમાં પલાળવા માટે મૂકો.

એક તપેલીમાં 1 કપ સાકર તેમજ ½ કપ પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો. સાકર ઓગળે ત્યારબાદ 4-5 મિનિટ માટે પાણી ઉકળવા દો. ચાસણી ચિપચિપી થાય એટલે કેસરવાળું પાણી મેળવીને ગેસ બંધ કરીને આ ચાસણી ચણાના લોટના દળેલા મિશ્રણમાં મેળવી દો. તેમાં એલચી પાવડર તથા બદામ-પિસ્તાની કાતરી પણ મિક્સ કરી દો. આ મિશ્રણ થોડું ઢીલું રહેશે. જો વધુ પડતું ઢીલું હોય તો તેને 1 મિનિટ માટે ગેસ પર ગરમ કરવા મૂકો. ત્યારબાદ ગેસ બંધ કરીને તેને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. જેથી ચણાના લોટના કરકરા દાણામાં આ ચાસણી પચી જાય. 20 મિનિટ બાદ આ મિશ્રણમાંથી લાડુ વાળી લો.

 

સામાના ફરાળી લાડુ

જન્માષ્ટમી માટે ખાસ સામાના ફરાળી લાડુ બનાવી લો. જે બનાવવા ઘણા સહેલાં છે.

સામગ્રીઃ

 • સામો 1 કપ
 • દૂધ 1 કપ
 • દળેલી ખાંડ 1 કપ
 • બદામની કાતરી 1 ટે.સ્પૂન
 • પિસ્તાની કાતરી 1 ટે.સ્પૂન
 • એલચી પાવડર 1 ટે.સ્પૂન
 • કિસમિસ બે ટુકડામાં સમારેલી 1 ટે.સ્પૂન
 • દેશી ઘી ½ કપ

રીતઃ સામો 2 પાણીએથી ધોઈને જાડી ચાળણી વડે ગાળી લો. સામો બારીક હોવાથી તેને ગાળી લેવો. ત્યારબાદ એક સુતરાઉ કાપડ પંખા નીચે પાથરીને તેની ઉપર સામો અડધો કલાક માટે સૂકાવા મૂકો.

અડધા કલાક બાદ એક જાડા તળિયાવાળી કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં સામાને ગેસની ધીમી આંચે શેકી લો. 10-15 મિનિટ બાદ ગેસ બંધ કરીને સામાને એક થાળીમાં ઠંડો કરવા મૂકો.

ખાલી થયેલી કઢાઈમાં ગરમ કરેલું દૂધ ઉમેરો અને ગેસની મધ્યમ આંચે ઉકળવા મૂકો. દૂધને ઘટ્ટ થવા દો. વચ્ચે વચ્ચે ઝારા વડે હલાવતાં રહો. 10 મિનિટમાં દૂધ એકદમ ઘટ્ટ થઈ જશે.

ઠંડા થયેલાં સામાને મિક્સીમાં બારીક પીસી લેવો. તેને એક મોટા વાસણમાં ચાળી લો. હવે તેમાં દળેલી ખાંડ તથા સૂકામેવાની કાતરી, કિસમિસ તેમજ એલચી પાવડર ઉમેરો. ઘી તેમાં ¼ કપ મેળવી બાકીનું ઘી બાજુએ રાખી મૂકો. જો જરૂર લાગે તો ઉમેરી શકાય.  આ મિશ્રણને એક ચમચી વડે મિક્સ કરી તેમાં ઘટ્ટ કરેલું દૂધ મેળવીને ફરીથી એકસરખું મિક્સ કરી લો.

હાથોમાં થોડું ઘી ચોપડીને સામાના મિશ્રણમાંથી લાડુ વાળી લો.

વડા-પાઉં ક્વેસાડિલા

વરસાદમાં બહારનું ખાવાનું આપણે ટાળતાં હોઈએ છીએ. પરંતુ વરસતા વરસાદમાં લારીના વડા-પાઉં તો યાદ આવે જ! જો કે, ચટપટા વડા-પાઉં ક્વેસાડિલા ઘરે બનાવીને વડા-પાઉંનો ટેસ્ટ માણી શકો છો!

સામગ્રીઃ

 • ઘઉંનો લોટ 1 કપ
 • મીઠું ¼ ટી.સ્પૂન
 • તેલ ¼ ટી.સ્પૂન
 • રોટલી શેકવા માટે ઘી

સૂકી ચટણીઃ

 • શીંગદાણા 1 કપ
 • સૂકા નાળિયેરની છીણ 2 ટે.સ્પૂન
 • સફેદ તલ 2 ટે.સ્પૂન
 • લાલ મરચાં પાવડર 3 ટે.સ્પૂન
 • લસણની કળી 7-8 (optional)

પૂરણઃ

 • બાફેલા બટેટા 4
 • આદુનો ટુકડો 1 ઈંચ
 • લસણની 6-7 કળી
 • લીલા મરચાં 4-5
 • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
 • હીંગ ¼ ટી.સ્પૂન
 • કળીપત્તાના પાન 5-6
 • આમચૂર પાવડર ½ ટી.સ્પૂન
 • ધાણાજીરુ પાવડર 1 ટી.સ્પૂન
 • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
 • તેલ વઘાર માટે 1 ટે.સ્પૂન
 • રાઈ 1 ટી.સ્પૂન
 • જીરૂ 1 ટી.સ્પૂન

લીલી ચટણીઃ

 • ધોઈને સમારેલી કોથમીર 1½ કપ
 • આદુ ટુકડો 1 ઈંચ
 • લસણની કળી 3 (optional)
 • લીલા તીખા મરચાં 3
 • કાચા શીંગદાણા 2 ટે.સ્પૂન
 • મીઠું સ્વાદ મુજબ
 • લીંબુનો રસ 1 ટે.સ્પૂન

રીતઃ ઘઉંનો લોટ રોટલીના લોટ જેવો બાંધીને 10 મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો.

સૂકી ચટણી માટે એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકી તેમાં શીંગદાણા 2 મિનિટ માટે શેકો. ત્યારબાદ તેમાં તલ અને સૂકા કોપરાની છીણ નાખીને ફરીથી 2 મિનિટ માટે શેકી લો. ત્યારબાદ તેમાં લસણની કળીઓ ઉમેરીને ગેસ બંધ કરી દો. આ મિશ્રણ ઠંડું થાય એટલે મિક્સીમાં નાખીને તેમાં મરચાં પાવડર તથા મીઠું સ્વાદાનુસાર ઉમેરીને કરકરું પીસી લો.

વડા-પાઉંનો મસાલો તૈયાર કરવા માટે મિક્સીમાં આદુનો ટુકડો, લસણની કળી, લીલા મરચાં લઈને પેસ્ટ બનાવી લો.

એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરો. રાઈ ફુટે એટલે તેમાં હીંગ, વડા-પાઉંનો મસાલો (આદુ-લસણ-મરચાંની પેસ્ટ) ઉમેરીને જીરૂ, હળદર પાવડર પણ ઉમેરો. હવે તેમાં બાફેલા બટેટાને હાથેથી મેશ કરીને નાખી દો. તેની ઉપર ધાણાજીરૂ પાવડર, આમચૂર પાવડર તેમજ મીઠું સ્વાદ મુજબ ઉમેરી દો. આ મિશ્રણને તવેથા વડે મિક્સ કરી 2-3 મિનિટ થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને કોથમીર ઉમેરી દો.

ચટણી માટેની સામગ્રી પાણી નાખ્યા વગર મિક્સીમાં વાટી લો.

બાંધેલા લોટના નાના લૂવા કરી. તેમાંથી મિડિયમ સાઈઝની પાતળી 2 રોટલી વણી લો. બંને રોટલીની એક બાજુ સરખી શેકી લેવી. બીજી બાજુ કાચી-પાકી રાખવી. રોટલી નીચે ઉતારીને ગેસની આંચ ધીમી કરી લો. રોટલીની શેકેલી બાજુ પર લીલી ચટણી લગાડીને તેની ઉપર બટેટાનો મસાલો પાથરી દો.ત્યારબાદ તેની ઉપર સૂકી ચટણી ભભરાવી દો. બીજી રોટલીની શેકેલી બાજુ પર લીલી ચટણી લગાડીને એ ભાગ અંદરની તરફ આવે તે રીતે બટેટાના પૂરણને ઢાંકી દો. આ તૈયાર કરેલી રોટલીને તવા પર ધીમી આંચે શેકાવા દો. બંને બાજુએ ઘી લગાડીને ક્રિસ્પી શેકી લો.

શેકાયેલી રોટલીને તવેથા વડે હળવેથી એક પ્લેટમાં ઉતારીને તેના ચપ્પૂ વડે ચાર ટુકડા કરી લો. આ ક્વેસાડિલાને ટોમેટો કેચ-અપ અથવા આમલીની ચટણી સાથે પીરસો.