આ પારંપરિક વાનગી ઢોકળા કે ખાંડવી જેવી જ થોડી તીખી, થોડી ચટપટી છે. જે ઈન્સ્ટન્ટ બની જાય છે!

સામગ્રીઃ ચોખા 1 કપ, ચણાની દાળ ½ કપ, તુવેરની દાળ ¼ કપ, મગની દાળ 2 ટે.સ્પૂન, અજમો ¼ ટી.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, રાઈ 1 ટી.સ્પૂન, આદુ 1 ઈંચ, મરચાં 3-4, લસણ 8-10 કળી, મીઠું સ્વાદ મુજબ, સફેદ તલ ટે.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, ખાટી અને ઘટ્ટ છાશ ½ કપ, શીંગ તેલ, કળીપત્તાના પાન 7-8, મેથિયા કેરીના અથાણાંનો મસાલો 2 ટે.સ્પૂન
વઘાર માટેઃ તેલ 2 ટી.સ્પૂન, રાઈ 1 ટી.સ્પૂન, લીલા મરચાં 2
રીતઃ ચોખા, ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળને ભેગા કરી, મિક્સીમાં તેનો કરકરો ભૂકો બનાવી લો. ત્યારબાદ તેમાંથી એક કપ લોટ લઈ રાખો. (આ લોટ ઘરે ન બનાવવો હોય તો, દુકાનમાં તૈયાર મળતો હાંડવાનો લોટ 1 કપ શકાય છે.)
આદુ સાથે 2 મરચાંની પેસ્ટ કરી લો. બાકીના 2 મરચાંને ગોળ સમારી લેવા. લસણની કળીને ઝીણી સમારી લેવી અથવા ખમણી લેવી.
એક કઢાઈ અથવા પેનમાં 2-3 ટે.સ્પૂન તેલ ગરમ કરીને રાઈનો વઘાર કરવો. રાઈ તતડે એટલે તેમાં હીંગ તેમજ અજમો ઉમેરીને સફેદ તલ ઉમેરવા સાથે જ આદુ-મરચાંની પેસ્ટ, સમારેલાં લીલા મરચાં તેમજ ઝીણું સમારેલું લસણ તેમજ હળદર ઉમેરીને એકાદ મિનિટ જેવું સાંતળી લીધા બાદ તેમાં છાશ ઉમેરીને એક કપ પાણી મેળવી દો. એકાદ મિનિટ જેવું આ પાણી ગરમ કરી લીધા બાદ મિક્સીમાં દળેલો કરકરો લોટ એક કપ લઈ તેને થોડો થોડો છાશમાં ઉમેરી દેવો.
બધો લોટ ઉમેરાઈ જાય અને મિશ્રણ ઘટ્ટ લાગે તો થોડું પાણી મેળવીને ઘટ્ટ પણ ચમચા વડે ચારવી શકાય તેવું મિશ્રણ થાય એટલે તેને એક નાની તપેલી અથવા કૂકરના ડબ્બા કે કોઈ વાસણમાં કાઢી લેવું, જે વાસણ કૂકરમાં આવી શકે.
કૂકરમાં સ્ટીલનો કાંઠો મૂકી તેમાં એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે લોટવાળું વાસણ તેમાં ગોઠવીને કૂકર બંધ કરીને 2 સીટી કરી લો. કૂકર ઠંડું થાય એટલે આ વાસણ બહાર કાઢી લો અને તૈયાર થયેલો પાટુડીનો લોટ પ્લેટમાં પીરસો.
પ્લેટમાં પીરસેલા પાટુડીના લોટ ઉપર ફરતે શીંગતેલ રેડીને, કેરીના અથાણાંનો મસાલો ભભરાવો તેમજ લીલા મરચાં ગોળ સમારીને ઉમેરો. પાટુડીના લોટમાં અથાણાંનો મસાલો તેમજ શીંગતેલ મેળવવાથી તે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.



