ઘેંસ

5

સખત તાપવાળા ઉનાળાના દિવસોમાં પારંપરિક વાનગી ઘેંસ પ્રકૃતિમાં ઠંડક ધરાવતી વાનગી છે. પેટમાં પણ તકલીફ હોય તો પાચનમાં હલકી તેમજ ફાયદાકારક છે.

સામગ્રીઃ ચોખાની કણી 1 કપ (કોઈપણ ચોખાની કણી લઈ શકાય), ખાટ્ટી છાશ 3 કપ, જીરૂ 1 ટી.સ્પૂન, આદુ-મરચાંની અધકચરી વાટેલી પેસ્ટ 1 ટી.સ્પૂન, કળીપત્તાના પાન 8-10, ઘી 3 ટે.સ્પૂન

રીતઃ ચોખાની કણીને 2-3 પાણીએથી ધોઈને ફરીથી બીજું ચોખ્ખું પાણી લઈ તેમાં 15-20 મિનિટ માટે પલાળી રાખો.

ત્યારબાદ એક કૂકરને કપડા વડે અંદરથી લૂછીને કોરું કરી લો અને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. તેમાં 2 ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે જીરૂનો વઘાર કરો. જીરૂ તતડે એટલે આદુ-મરચાંની પેસ્ટ તેમજ લીમડાના પાન ઉમેરીને સાંતડો. ત્યારબાદ છાશ તેમજ ધોયેલા ચોખાની કણી કૂકરમાં ઉમેરો.

થોડીવાર ગેસની આંચ મધ્યમ કરીને 8-10 મિનિટ કૂકરને બંધ કર્યા વગર ચોખાની કણી રંધાવા દો. વચ્ચે વચ્ચે ચમચા વડે ચારવતા રહો. ત્યારબાદ કૂકરને ઢાંકીને ગેસની મધ્યમ આંચે 4-5 સીટી કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. કૂકર ઠંડું થાય, બધી વરાળ નીકળી જાય એટલે તેનું ઢાંકણું ખોલીને ઘેંસને એક વાસણમાં કાઢી લો.

જ્યારે ઘેંસ પ્લેટમાં પીરસો. ત્યારે તેની ઉપર 1 ચમચી ઘી રેડીને થોડી કોથમીર ઉપર ભભરાવીને પીરસો.