હનુમાન જન્મોત્સવમાં હનુમાનદાદાને ધરાવવા માટે સ્વાદિષ્ટ રવા-ચણાના લોટના દાણેદાર જ્યુસી લાડુનો પ્રસાદ બનાવી શકાય છે.

સામગ્રીઃ ચણાનો લોટ 1 કપ, રવો 1 કપ, સાકર ½ કપ, એલચી પાઉડર ½ ટી.સ્પૂન, ઘી 1½ કપ, કાજુ-બદામ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન
રીતઃ ચણાના લોટ તેમજ રવામાં 4 ટે.સ્પૂન ઘી ઓગાળેલું મેળવીને લોટને હાથની મુઠ્ઠીમાં વાળતા તે બંધાય તેવો થાય એટલે તેમાં થોડું થોડું કરીને હલકું ગરમ પાણી રેડીને લોટ બાંધી લો. આ લોટને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.
ત્યારબાદ તેમાંથી નાના લૂવા વાળી લો. અથવા નાના ચપટા ગોળા વાળીને આ લૂવાને એક કઢાઈમાં 1 કપ ઘી ગરમ કરીને ગેસની આંચ ધીમી-મધ્યમ કરીને સોનેરી રંગના તળી લો.
આ લૂવા ઠંડા થાય એટલે તેના નાના ટુકડા કરીને મિક્સીમાં નાખીને પલ્સ મોડ પર તેના કરકરો ભૂકો કરી લો. તેમાં એલચી પાઉડર તેમજ કાજુ-બદામ-પિસ્તાની કાતરી મેળવી લો.
એક વાસણમાં સાકર લઈ તેનાથી અડધું પાણી રેડીને ગરમ કરવા મૂકો અને ચમચા વડે સતત હલાવતા રહો. સાકર ઓગળે અને પાણી ઉકળવા લાગે એટલે થોડીવાર બાદ ચમચા વડે તેમાંથી એક ટીપું કોઈ ડીશમાં નાખીને આંગળીમાં લઈ જુઓ. જો તે ચિપચિપું લાગે એનો તાર ન બનવો જોઈએ. તાર બનીને તૂટે એવું થાય એટલે ગેસ બંધ કરી દો.
આ સાકરનું પાણી ઠંડું થાય પણ સહેજ ગરમ હોય એટલે લાડવા માટેના મિશ્રણમાં થોડું થોડું મેળવતાં જઈને લાડુ વાળી જુઓ લાડુ વળે એટલે બધા લાડુ વાળીને તૈયાર કરી લો.





