કરુણ ભૂમિકા પછી જગદીપ હાસ્ય અભિનેતા બન્યો

ફિલ્મ ‘શોલે’ માં ‘સૂરમા ભોપાલી’ (૧૯૭૫) ની ભૂમિકાથી વધારે જાણીતા રહેલા હાસ્ય કલાકાર જગદીપે બહુ નાની ઉંમરથી કારકિર્દી તરીકે નહીં પણ પૈસા કમાવવાના હેતુથી અભિનયમાં શરૂઆત કરી હતી. જગદીપે પહેલી વખત નિર્દેશક બી.આર. ચોપડાની ફિલ્મ ‘અફસાના’ (૧૯૫૧) માં બાળ કલાકાર તરીકે કામ કર્યું એ માત્ર અને માત્ર પૈસા કમાવા માટે જ હતું. ત્યારે અભિનયમાં આગળ વધવાનો વિચાર કરવાની ઉંમર જ ન હતી.

જગદીપના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. બાર વર્ષની ઉંમરે એક વ્યક્તિ તેને રસ્તામાં મળી અને ફિલ્મમાં કામ કરવા પોતાની સાથે આવવા માટે કહ્યું. જગદીપે કહ્યું કે રૂપિયા મળે તો આવી શકું. જગદીપે ફિલ્મો જોઇ ન હતી અને એમાં કેવી રીતે કામ કરવાનું હોય તેનો અંદાજ ન હતો. પરંતુ એક દિવસના કામના ત્રણ રૂપિયા મળશે એમ જાણ્યા પછી ફિલ્મના સેટ પર પહોંચ્યો ત્યારે અશોકકુમારની ફિલ્મ ‘અફસાના’ માં એક નાટકના દ્રશ્યની ભજવણી વખતે સામે બેઠેલા બાળકો સાથે માત્ર તાળીઓ પાડવાનું કામ કરવાનું હતું. તે બીજા બાળકો સાથે નાટક જોવા બેસી ગયો.

 

 

 

 

 

 

 

 

એ નાટકનું થોડું શુટિંગ થયું અને રાજાના દરબારના એ દ્રશ્યમાં દરવાન તરીકે કામ કરતા બાળકને ઉર્દૂ બોલવામાં તકલીફ પડી. ત્યારે સહાયક તરીકે કામ કરતા બી.આર. ચોપડાએ હાજર બાળકોને પૂછ્યું કે ઉર્દૂમાં કોણ બોલી શકશે? ત્યાં ગુજરાતી અને મરાઠી બાળકો વધારે હતા. જલદી કોઇએ હાથ ઊંચો ના કર્યો. જગદીપે બાજુમાં બેઠેલા બાળકને પૂછ્યું કે આ કામ કરવાના કેટલા પૈસા મળશે? તેને જાણવા મળ્યું કે આ કામના તો ત્રણને બદલે છ રૂપિયા મળશે. ત્યારે તેણે હાથ ઊંચો કરી દીધો અને ઉર્દૂ આવડતું હોવાથી પસંદ થઇ ગયો. પછી તો જગદીપને ફિલ્મોમાં બાળકલાકાર તરીકે નાના રોલ મળવા લાગ્યા. કેમકે ફિલ્મોમાં બાળ કલાકારો પૂરા પાડતા એજન્ટોને ખબર પડી ગઇ હતી કે જગદીપ સારું કામ કરે છે.

જગદીપને નિર્દેશક ફણી મજુમદારની મોટી ગણાતી ફિલ્મ ‘ધોબી ડૉકટર’ માં કિશોરકુમારના બાળપણની મહત્વની પણ ગંભીર ભૂમિકા મળી. એમાં જગદીપના રડવાના દ્રશ્યો જોયા પછી બિમલ રૉયે ફણી મજુમદારને જગદીપ વિશે પૂછ્યું. અને પોતાની ફિલ્મ ‘દો બીઘા જમીન’ (૧૯૫૩) માં તેની પાસે કામ કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી. ફણીના કહેવાથી જગદીપ બિમલદાને મળ્યો. બિમલદાએ કહ્યું કે મારી ફિલ્મમાં અભિનય કરીશ તો ત્રણસો રૂપિયા મળશે. ત્યારે જગદીપની ઉંમર કે સમજશક્તિ એટલી ન હતી કે જાણીતા નિર્દેશકની ફિલ્મ મળી રહી છે એનું મહત્વ સમજી શકે. તેને એમ જ હતું કે પૈસા કમાવાની સારી તક મળી રહી છે અને તેણે હા પાડી દીધી.

શુટિંગ શરૂ થયાના થોડા દિવસ પછી અચાનક જગદીપને એક વિચાર આવ્યો. તેણે બિમલદાને સવાલ કર્યો કે ફિલ્મ ‘ધોબી ડૉકટર’ માં મને રડતાં જોયો હતો તો પછી હસાવવાની ભૂમિકા માટે કેમ પસંદ કર્યો હતો? ત્યારે બિમલ રૉયે તેને કહ્યું કે જે કલાકાર દર્શકોને રડાવી શકે છે એનામાં હસાવવાની ક્ષમતા પણ હોય છે. તેના હાસ્યમાં એક પ્રકારનું ઉંડાણ હોય છે. એ કેવું કહેવાય કે જગદીપને કરુણ ભૂમિકામાં જોઇને તેની છૂપી હાસ્ય પ્રતિભા બહાર લાવવાનું કામ બિમલ રૉય જેવા ગંભીર નિર્દેશકે કર્યું હતું.

-રાકેશ ઠક્કર (વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]