ઈશાનથી નૈઋત્યનો અક્ષ નકારાત્મક હોય તો આંધળો વિશ્વાસ તકલીફ આપી શકે

યંકભાઈ. હું છેલ્લા પંદર વર્ષથી તમને વાંચું છુ. તમારા લગભગ બધાજ કાર્યક્રમો મારા માબાપ સાથે જોયા છે. મારી ઉમર ત્રીસ વરસની છે. હું એક પ્રાથમિક શિક્ષિકા છું. એકની એક દીકરી હોવાથી લાડમાં ઉછરી છું. પણ મારા સંસ્કાર સારા છે. ભાઈ ન હોવાથી આખા મહોલ્લાના બધાને રાખડી બાંધતી એવો મારો સ્વભાવ છે. મારો દેખાવ સારો છે અને પહેરવા ઓઢવાનું પણ ગમે. બે વરસ પહેલા હું નિશાળમાં પડી ગઈ. માલીસ કરવા એક બાઈ બોલાવી. એક એપ્લિકેશનમાંથી આવતી બાઈ વ્યવસ્થિત હતી. ધીમે ધીમે એ મિત્ર જેવી બની ગઈ. ક્યારેક હું એને મારી અંગત વાતો કહેતી. એનો સ્વભાવ પણ બોલકો હતો. હવે એ મને વધારે માલીસ કરે તો પૈસા લેતી નહિ. અમે ફરવા ગયા તો એના અને એના વર માટે વસ્તુઓ પણ લઇ આવેલા. ક્યારેક એ મને નવરાવી પણ દેતી.

એક દિવસ એણે મને નવરાવીને કોઈક વસ્તુ બાથરૂમમાંથી કાઢી ને એના બ્લાઉઝમાં સંતાડવા પ્રયત્ન કર્યો. મેં ઝપાઝપી કરીને એ લઇ લીધી. એ નાનો કેમેરા હતો. જે એના પતિના મોબાઈલથી જોડાયેલો હતો. એનો પતિ મુકવા આવવાના બહાને બહાર બેસતો. જો પેલી બાઈનો મોબાઈલ ચેક કરીએ તો કોઈ ડેટા ન મળે. મને અને મારા પતિને ડર છે કે એણે અમારા ઘરના અન્ય ભાગમાં પણ આવું કૈક લગાડીને અમારી વિડીઓ તો નહિ લીધી હોય ને? જો હોબાળો કરીએ તો અમારુજ ખરાબ લાગે. મારીતો નોકરી પણ જતી રહે. અમને હવે ઊંઘ પણ નથી આવતી.તમારામાં પૂરી શ્રદ્ધા છે. કોઈ સોલ્યુશન આપવા વિનંતી. મહેરબાની કરીને અમારું નામ ન જણાવશો.

બહેનશ્રી. સર્વ પ્રથમ તો મારા પર વિશ્વાસ દર્શાવવા બદલ આભાર. આ વિભાગમાં અમે કોઈનું પણ નામ જાહેર નથી કરતા. એક સમાન સમસ્યા ઘણા બધા લોકોની હોય છે. વળી જીવનશૈલી અને ટેકનોલોજી બદલાતા સમસ્યાઓ વધી રહી છે. પશ્ચિમનો અક્ષ નકારાત્મક હોય ત્યારે તમે દર્શાવેલી સમસ્યા આવી શકે. માલીસ કરાવવું એ કોઈ ખરાબ બાબત નથી. પણ કોઈ સાવ અજાણ્યા માણસને પોતાની અંગત જગ્યાઓ સુધી લઇ જતા પહેલા વિચાર કરવો પડે તેવો સમય તો છે જ. તમે કશુ જ ખોટું કર્યું નથી. મને તમારા માટે સહાનુભુતિ છે. કોઈ પણ એપ્લિકેશન વાળા તમને માણસોથી મેળવી આપે છે. એ એમનો વ્યવસાય છે. એ વ્યક્તિ વિષે એપ્લિકેશન વાળા કેટલું જાણતા હશે? તમે જણાવ્યું કે પહેલા તમારા કોઈ જાણીતા બહેન આવતા હતા પણ એમને વસ્તુઓ તમારે આપવી પડતી હતી. હવે લાગે છે કે એ વધારે સહજ હતા?

દુનિયામાં જ્યાં વધારે દેખાડો છે ને ત્યાં સમસ્યાની સંભાવના પણ ઉભી થઇ શકે છે. સર્વ પ્રથમતો પેલી એપ્લિકેશનમાંથી કોઈને પણ બોલાવવાનું બંધ કરી દો. શાંત થઇ જાવ. એ લોકોને પણ હવે ડર હશે કે તમે એમની વાત જાણો છો. તેથી તમારી વિડીઓ બહાર ન પડે. જો એમણે બીજો કોઈ પ્લાન વિચાર્યો હશે તો એ અટકી જશે. તમારી પાસે પુરાવા હોય તો પોલીસની મદદ લો. એમાં ગભરાવાની જરૂર નથી. તમે તમારા પતિ સાથે હો એવી વાત સહજ છે. સમાજ શું કહશે તેની ચિંતા ન કરો. મનમાંથી ભય કાઢી નાખો. તમે કશું જ ખોટું કર્યું નથી. આવા કાલ્પનિક ભયના લીધેજ નકરાત્મક લોકો ફાવે છે. ચિંતા ન કરો.

વાસ્તુની રીતે વિચારીએ તો આપના ઘરમાં પશ્ચિમનો અક્ષ નકારાત્મક છે. જેના કારણે આપના ઘરમાં વારંવાર પાડવા આખડવાની ઘટનાઓ બન્યા કરે છે. આપના ઘરમાં વાયવ્યમાં પશ્ચિમ તરફ પ્રોજેક્શન છે અને નૈઋત્ય અંદરની બાજુ છે. વળી પ્લોટ ત્રાંસો છે અને અગ્નિમાંથી રસ્તો પસાર થાય છે. અગ્નિમાં પૂર્વ અને દક્ષિણ બંને દિશાઓ તરફથી રોડ જતો હોય તો નારીને સમસ્યા ઉદ્ભવે. માનહાની થઇ શકે. તમારા પતિને તમારા પર શંકા ગઈ તે દુખદ છે. પણ જયારે નકારાત્મક ઉર્જા હોય ત્યારે આવું બની શકે. આપના પતિને સાથે રાખવા જરૂરી છે. મનમાંથી ઉદ્વેગ કાઢી નાખો. ઈશાનથી નૈઋત્યનો અક્ષ નકારાત્મક હોય ત્યારે આંધળો વિશ્વાસ તકલીફ આપી શકે. આપના ઘરમાં ગુગળનો ધૂપ સવારે અને સાંજે ફેરવો. શિવ લીગ પર પાણી, દૂધ, પંચામૃત, સરસવ, દહીંમાં કાળાતલ, પાણીથી અભિષેક કરી બીલીપત્ર ચડાવી દો. મહામૃત્યુંન્જયના જાપ કરો. ગુરુવારે ઘરનો ઉંબરો પૂજી અને મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાવી દો.