ડોનાલ્ડ ટ્રમ્પઃ ઇમ્પિચમેન્ટનો સામનો કરનારા ત્રીજા પ્રમુખ

ડોનાલ્ડ ટ્રમ્પ હિલેરી ક્લિન્ટનને હરાવીને જીતી ગયા ત્યારે અમેરિકામાં ઘણાને આંચકો લાગ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પનો ચૂંટણી પ્રચાર જ બહુ ભાંગફોડિયો હતો અને ભારે વિવાદાસ્પદ બન્યો હતો. રશિયાની ભૂમિકા અને સોશ્યલ મીડિયામાં ક્લિન્ટન વિરુદ્ધની જોરદાર ઝુંબેશને કારણે ટ્રમ્પ ફાવ્યા હોવાનું કહેવાય છે. એ જ ડોનાલ્ડ ટ્રમ્પ 2020માં બીજી વાર પ્રમુખ બનવા માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે અમેરિકાના પ્રતિનિધિગૃહે તેમને ઇમ્પિચ કરવા માટે એટલે કે હોદ્દા પરથી હટાવવા માટે આરોપનામું તૈયાર કર્યું છે. મામલો હવે અમેરિકાની સેનેટમાં પહોંચ્યો છે, જ્યાં આખરી નિર્ણય લેવાશે.


શું અમેરિકાના પ્રમુખને હોદ્દા પરથી હટાવી શકાય ખરા? નિયમો પ્રમાણે હા, પણ વ્યવહારમાં જવાબ છે ના. આજ સુધીમાં એક પણ પ્રમુખ ઇમ્પિચમેન્ટથી સત્તા પરથી દૂર થયા નથી. વક્રતા એ છે કે ટ્રમ્પના હરિફ હિલેરી ક્લિન્ટનના પતિ બિલ ક્લિન્ટન સામે પણ ઇમ્પિચમેન્ટ મોશન આવી હતી. અમેરિકાની કોંગ્રેસમાં પાસ પણ થઈ હતી, પરંતુ સેનેટમાં તેમના પક્ષની બહુમતી હોવાથી કશું થઈ શક્યું નહોતું. સેનેટ અમેરિકામાં ઉપલું ગૃહ ગણાય છે. આ વખતે પણ સેનેટમાં જ ડોનાલ્ટ ટ્રમ્પ બચી જશે, કેમ કે ત્યાં રિપબ્લિકન પાર્ટી પાસે બહુમતી છે. અમેરિકાની કોંગ્રેસમાં વિપક્ષ ડેમોક્રેટ્સે ઇમ્પિચમેન્ટ મોશન દાખલ કરી છે, ત્યાં પાસ પણ થઈ જશે. કોંગ્રેસમાં ડેમોક્રેટ્સ પાસે 36 બેઠકો વધારે છે, પણ સેનેટમાં મામલો ટ્રિકી થઈ શકે છે. સેનેટમાં 100 બેઠકોમાંથી રિપબ્લિકન પાર્ટી પાસે 53 બેઠકો છે. તેની સામે ડેમોક્રેટિક પાર્ટીના 45 વત્તા બે અપક્ષ એમ 47 છે. પ્રમુખને હટાવવા માટે સાદી નહિ, પણ બે તૃતિયાંશ બહુમતી જોઈએ. તેથી ટ્રમ્પના કેટલાક આંતરિક વિરોધીઓ સેનેટમાં પક્ષની લાઈનથી જુદા ચાલે તો પણ પણ બહુ વાંધો આવે તેમ નથી.

મામલો ટ્રમ્પને હટાવવા કરતાં 2020ની ચૂંટણીમાં તેમને હરાવવાનો છે. ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી માનસિકતાના કારણે અમેરિકાના ઉદ્યોગોમાં પણ વિરોધ જાગ્યો છે. અમેરિકાના ઉદ્યોગો ઇમિગ્રેશનથી આવતા કુશળ કારિગરો અને ટેક્નોક્રેટના કારણે ધમધમે છે. જગતભરમાં અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીઓ રાજ કરે છે અને અબજો ડૉલર ઉલેચીને અમેરિકા લઈ જાય છે. તેમના ધંધામાં ધાડ પડે તો મુશ્કેલી થાય. એક જ દાખલો અમેરિકાની કંપનીઓને ઉજાગરો કરાવવા લાગ્યો છે. 5G ઇન્ટરનેટની બાબતમાં અમેરિકાની કંપનીઓ પાછળ પડી ગઈ છે અને ચીનને હ્યૂવેઇ અને બીજી કંપનીઓ આગળ વધી રહી છે. ચીની કંપનીઓ પર પ્રતિબંધના ધમપછાડા છતાં જુદા જુદા દેશોમાં ચીની ફાઇવજી ટેક્નોલૉજી લાગવા લાગી છે.

ટ્રમ્પ સામે કોંગ્રેસમાં ઇમ્પિચમેન્ટ દરખાસ્ત પસાર થઈ તે દરમિયાન થયેલી રજૂઆતો, વ્હિસલબ્લોઅર (ટ્રમ્પ વિરુદ્ધની માહિતી જાહેર કરનાર) તરફથી રજૂ થયેલી બાબતોનો પ્રચાર થશે. ટ્રમ્પ પોતાના અંગત હિત ખાતર અમેરિકાની નીતિનો ઉપયોગ યુક્રેન સામે કરી રહ્યા છે તેવો પ્રચાર થશે. યુક્રેનના પ્રમુખને દબાણમાં લાવવા તેમણે યુક્રેનને શસ્ત્ર સહાય કરવાની હતી તે અટકાવી દીધી હતી, જેથી યુક્રેનના પ્રમુખ તેમનું કહ્યું કરે. આવી બાબતોને અમેરિકાના રાજકારણમાં ગંભીર ગણવામાં આવે છે.

આ બધી બાબતોની અસર પ્રચારમાં થઈ શકે છે તેમ કેટલાક વિરોધીઓ માને છે. જોકે કેટલાક જાણકારો માને છે કે તેનાથી ઉલટું પણ થઈ શકે છે, કેમ કે ટ્રમ્પ જાણે છે કે વિરોધને કેવી રીતે પોતાના ફાયદામાં વાળવો. ઇમિગ્રેશનના કારણે અમેરિકામાં બહારના લોકો આવે છે અને સ્થાનિક લોકોને નોકરીઓ મળતી નથી તેવી વાત તેઓ કરી રહ્યા છે. અમેરિકા માત્ર શ્વેત લોકોની એવી માનસિકતા હજીય ગોરાઓમાં છે. આવી રૂઢિચૂસ્ત અને સંકુચિત માનસિકતાનું રાજકારણ ટ્રમ્પને ઉલટાનું માફક આવે છે.

ટ્રમ્પ સામે આક્ષેપ એવો થઈ રહ્યો છે કે તેમણે પોતાના જ દેશના નેતા સામે વિદેશમાં તપાસ કરાવવા માટે દેશહિત વિરોધી કામ કર્યું હતું. તેમના રાજકીય હરિફ અને ભૂતપૂર્વ ઉપપ્રમુખ જો બિડેન સામે તપાસ કરવા માટે યુક્રેનના પ્રમુખ પર દબાણ ક્યું હતું. તે અંગે વાતચીત થઈ હતી તેવો આક્ષેપ વ્હિસલબ્લોઅરે કર્યો છે. ડેમોક્રેટ્સનો આક્ષેપ છે કે જુલાઈમાં યુક્રેનના પ્રમુખ વોલોડિમીર ઝેલેન્સ્કીને ફોન કરીને ટ્રમ્પે કહ્યું હતું કે જો બિડેન સામે તપાસ કરાવો. યુક્રેનની એક ગેસ કંપનીમાં જો બિડેનના પુત્ર હન્ટર બિડેન ડિરેક્ટર છે. 2020ની ચૂંટણીમાં ટ્રમ્પની સામે જો બિડેન ટકરાય તેવી શક્યતા છે. પોતાના હરિફને અત્યારથી જ બદનામ કરી દેવા માટે ટ્રમ્પે વિદેશી રાષ્ટ્રો સાથે તડજોડ કરી છે એવો આક્ષેપ લગાવાયો છે. પોતાના જ દેશની આંતરિક લડાઈમાં બીજા રાષ્ટ્રને સંડોવવા અને તે પછી તેની તપાસમાં અવરોધ નાખવાનો આરોપ લગાવાયો છે.


જોકે અહીં વિપક્ષ એક ભૂલ એ કરી રહ્યા છે કે ટ્રમ્પને દેશવિરોધી ગણાવવાથી તેમને ફાયદો થઈ રહ્યો છે. પોતે અમેરિકા ફર્સ્ટ, અમેરિકા ગ્રેટ અગેઇનની વાતો કરી રહ્યા છે, વિદેશીઓની રોકી રહ્યા છે, વિદેશથી આયાતો અટકાવી અમેરિકાની નિકાસ વધારવા માટે ચીન સામે ટ્રેડ વૉર કરી રહ્યા છે ત્યારે દેશના જ નેતાઓ જુઓ મારો વિરોધ કરી રહ્યા છે. જુઓ મારા જેવા દેશપ્રેમીની પાછળ કેવા પડી ગયા છે તેવું સ્ક્રિપ્ટ ટ્રમ્પ અસરકારક રીતે ચલાવી રહ્યા છે.
નબળો વિપક્ષ આવી ભૂલો માત્ર અમેરિકામાં નહિ, ભારત સહિતના ઘણા દેશોમાં કરતો હોય છે. રાજકીય પક્ષોએ પોતાના મુદ્દાઓની મજબૂતાઇ પર લડવાનું હોય, વિપક્ષના મુદ્દાઓ પર વિરોધ કરવાથી તે મુદ્દા મજબૂત જ થાય છે. ટ્રમ્પ સામે હિલેરીની લડાઇ વખતે પણ કંઈક આવું જ થયું હતું. હિલેરી વિદેશ પ્રધાન હતા તે દરમિયાન તેમણે કરેલી કામગીરી અને તેમના નિવૃત્ત પતિ બિલ ક્લિન્ટન વિશેની વાતો સોશ્યલ મીડિયામાં બહુ ચગાવાઈ હતી. તેના કારણે અમેરિકામાં પ્રથમવાર એક મહિલાનું નેતૃત્ત્વ આવી શકે છે તેવા મુદ્દાની જગ્યાએ, મુદ્દો દેશપ્રેમ અને દેશહિતનો બની ગયો અને તેમાં બેફામ બોલતા ટ્રમ્પ ફાવી ગયા હતા.

અત્યારે પણ કંઈક એવું જ થઈ રહ્યું છે. અમેરિકામાં બરાક હુસૈન ઓબામા પ્રમુખ તરીકે ચૂંટાયા તે મહત્ત્વની ઘટના હતી. તેમના માતા મૂળ અમેરિકાના હતા, પણ પિતા આફ્રિકન મૂળના હતા. આમ (અર્ધ) અશ્વેત, પણ આમ અમેરિકાના રંગે રંગાઇ ગયેલા ઓબામા જીતી શક્યા હતા. તેથી અમેરિકા હવે મહિલા પ્રમુખને આવકારવા માટે પણ તૈયાર છે એવી હવા ઊભી થઈ હતી. હિલેરીની કરિયર બિલ ક્લિન્ટનના પત્ની કરતાંય સ્વતંત્ર રીતે લાંબી રહી હતી. તેથી તેઓ મજબૂત ઉમેદવાર મનાતા હતા, પણ મુદ્દો આડા પાટે ચડી ગયો હતો.આ વખતે 2020માં પણ મહિલા નેતૃત્ત્વ ટ્રમ્પને પડકાર આપશે તેવી હવા બંધાઈ રહી છે. ભારતને રસ પડે એવી વાત એ છે કે ભારતીય મૂળ અને હિન્દુ ધર્મનો છેડો નીકળે તેવાં મહિલા નેતાઓ પણ સ્પર્ધામાં હતા. તેમાંથી જોકે કમલા હેરિસે હવે સ્પર્ધામાંથી હટી જવાનું નક્કી કર્યું છે. પરંતુ તુલસી ગબ્બાર્ડ તથા નિક્કી હેલી જેવા નેતાઓ હજીય છે.

આવા મુદ્દાના બદલે ટ્રમ્પ સામે ઇમ્પિચમેન્ટનો મુદ્દો અને તેમાં તેઓ બહાર નીકળી જશે એટલે તેઓ પ્રચારમાં તેનો ફાયદો ઉઠાવશે એમ માનવામાં આવે છે. ભૂતકાળમાં ક્યારેય ઇમ્પિચમેન્ટથી કોઈ ફરક પડ્યો નથી. સૌ પ્રથમવાર 1968માં એન્ડ્રૂ જ્હોનસન સામે ઇમ્પિચમેન્ટ મોશન આવી હતી. તેમની સામે પણ કોંગ્રેસમાં પસાર થઈ હતી, પણ સેનેટમાં પસાર થઈ શકી નહોતી. બિલ ક્લિન્ટનનો મામલો ભારતમાં પણ બધાને યાદ હશે, કેમ કે મોનિકા લેવિન્સ્કીને કારણે તે બહુ ચર્ચાસ્પદ બન્યો હતો. વ્હાઇટ હાઉસમાં કામ કરતી રૂપાળી મોનિકા સાથે પ્રમુખ ક્લિન્ટન ચેનચાળા કરતા રહેતા હતા. જોકે હિલેરી ક્લિન્ટને પતિની ભ્રમરવૃત્તિને ચલાવી લીધી હતી અને રાજકીય રીતે પણ સેનેટમાં તેઓ બચી ગયા હતા. 1998માં તેમની સામે ઇમ્પિચમેન્ટની કાર્યવાહી ચાલી, પણ કશું પરિણામ આવ્યું નહોતું.

આ વચ્ચે 1974માં રિચર્ડ નિક્સન સામે ઇમ્પિચમેન્ટ મોશન આવી શકે તેમ હતી, પણ તે વખતે મામલો ભ્રષ્ટાચારનો હતો અને બહુ જ ચગ્યો હતો. તેથી તેમણે જાતે જ રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપી દીધું હોવાથી તેમની સામે ઇમ્પિચમેન્ટની કાર્યવાહી કરવાનો વારો આવ્યો નહોતો. સેનેટમાં મામલો આવે ત્યારે બંને પક્ષના કેટલાક નેતાઓ પક્ષન લાઈન વિરુદ્ધમાં જાય તો તે ચર્ચાસ્પદ બનશે. પોતાના જિલ્લાઓમાં ફરીથી જીતવાનું મુશ્કેલ હોય તેવા કેટલાક સેનેટ સભ્યો પોતાના જ પક્ષના ટ્રમ્પની વિરુદ્ધ પણ મતદાન કરી શકે છે. બીજી પણ નાની મોટી આવનજાવન થઈ શકે છે. ભારતીયોની વસતિ ઘણી છે તે ન્યૂ જર્સીના ડેમોક્રેટ સંસદસભ્ય જેફ વાન ડ્રૂ ઇમ્પિચમેન્ટનો વિરોધ કરી રહ્યા છે. તેથી તેઓ ડેમોક્રેટિક પાર્ટી છોડીને રિપબ્લિકનમાં જતા રહે તેવી શક્યતા છે. ઇમ્પિચમેન્ટના બહાને પોતાના જ પક્ષના સાંસદો શું વિચારી રહ્યા છે તે બંને મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓને ખ્યાલ આવ્યો છે. સેનેટેમાં તે વધારે સ્પષ્ટ થશે. તેથી જ ભલે ટ્રમ્પને બહુ ચિંતા ના હોય, પણ આ સમગ્ર કાર્યવાહી અને તેની 2020ની ચૂંટણીમાં શું અસર થશે તેની અત્યારથી જ ગરમાગરમ ચર્ચાઓ થવા લાગી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]