તમે કોઈ ખોટા માણસ સાથે જીભાજોડી કરો તો શું થાય? તમે થાકી જાવ પણ પેલો માણસ પોતાની મમત ન મુકે. એના મનમાં પહેલે થી જ કોઈ ગેરમાન્યતા ઘર કરી ગઈ હોય છે. પેલો માણસ ખરાબ છે. એવું માની લીધા પછી એ સારો હોઈ શકે એવો વિચાર પણ મનમાં ન આવે. તો વળી કોઈ વાનગી ખરાબ જ હોય એવી માન્યતા ઘુસી જાય પછી કોઈ ગમે તેટલી મહેનત કરે એમને સ્વાદ ન જ આવે. પોતે ખોટું કરે અને અન્યના માથે આળ ચડાવે. આવા લોકો સાથે માથાકૂટ કરવા કરતા એમને એમના હાલ પર છોડી અને આગળ વધી જવામાં જ હોંશિયારી ગણાય. એમને પોતાના જુઠાણામાં સનાતન સત્ય કરતા પણ વધારે વિશ્વાસ હોય છે. કેટલાક લોકો હજુ પણ માને જ છે ને કે કોરોના તો એક ભ્રમ છે. જો આવા લોકોને નિર્ણય લેવાની સત્તા મળી જાય તો?
મિત્રો, આ વિભાગ આપના પોતાનો જ છે. આપ આપની સમસ્યા નીચે જણાવેલ ઈમેઈલ પર જણાવી શકશો. આપને તેનું સમાધાન ચોક્કસ મળશે.
સવાલ: મને ગુસ્સો ખુબ જ આવે છે. ગુસ્સે થયા પછી પસ્તાવો પણ થાય છે. અમારી કોલેજના પ્રિન્સીપાલ વિચિત્ર છે. એમને મળ્યા પછી મને એટલો ગુસ્સો આવે છે કે સામે જે પહેલી વ્યક્તિ મળે એનું આવી જ બને. જે લોકો મને ચાહે છે એમને મારાથી ખરાબ લાગી જાય એવું પણ બને છે. મને ખબર છે કે ગુસ્સો ન કરવો જોઈએ. પણ શું કરું. એ માણસ છે જ એવો કે એને મળ્યા પછી ગુસ્સો આવે જ. કોઈ ઈલાજ બતાવો ને. શું વાસ્તુદોષ ના લીધે આવું થાય?
જવાબ: બહેનશ્રી. તમને માત્ર એક જ વ્યક્તિ ને મળ્યા પછી ગુસ્સો આવે છે. એટલે એ વ્યકિત તમારા માટે નકારાત્મક છે. એને મળવાનું ટાળો. વાત રહી મિત્રોની. મિત્રો ઓશિકા જેવા હોય છે. માથું ટેકવવું ગમે. રડવા માટે પણ એને જ શોધીએ. ગુસ્સામાં મુક્કા પણ મારીએ અને પ્રેમ ઉભરાય તો ભેટીએ પણ ખરા. સાચા મિત્રો તમારા ગુસ્સાને સમજી શકશે. હવે વાત કરીએ વાસ્તુની, તમે ઘરમાં શાંત હો છો માત્ર કોલેજમાં અને ખાસ કરીને પ્રિન્સીપાલને મળો ત્યારે અકળામણ અનુભવો છો. તમારી કોલેજમાં જો ઉત્તર-દક્ષિણનો અક્ષ નકારાત્મક હોય અને અગ્નિમાં ગોળાઈ હોય તો આવું બની શકે. કોલેજ છે એટલે તમે ત્યાં કાઈ જ નહિ કરી શકો. કરશો પણ નહિ. તમારા પ્રિન્સીપાલ જો એમાં પણ વાંધો ઉભો કરશે તો તમને વધારે તકલીફ પડશે. તમે જણાવ્યા મુજબ તમે કોઈકને ગીફ્ટ આપી હતી એ પણ એમને ન ગમ્યું અને પાછી લેવરાવી લીધી છે. આમ જોવા જઈએ તો એ તમારી અંગત બાબત હતી. તેથી જ તમે માત્ર પોતાના વિકાસનો વિચાર કરો. એમના મનમાં શું છે એ તમે જાણતા નથી. સવારે વહેલા ઉઠી ગાયત્રી મંત્ર કરો અને સૂર્યને જળ ચડાવો. પાણી વધારે પીવો. શિવ પૂજા કરો. ભણવામાં ધ્યાન આપો.
સવાલ: જેમ ઠંડા વાતાવરણમાં હુંફાળા કપડા ગમે એમ ઠંડા માણસોની વચ્ચે હુંફાળા માણસો પણ ગમે ને? તો એવા હુંફાળા માણસો માટેના વાસ્તુ નિયમો કયા હોઈ શકે?
જવાબ: માણસ માત્રને હુંફ ગમે. કોઈ એવી વ્યક્તિ છે જે એના વિચાર માત્ર થી વ્યક્તિ કમ્ફર્ટેબલ થઇ જાય એને મિત્ર કહેવાય. આવા સાચા મિત્રો મળવા અઘરા છે પણ જો મળે તો ચોક્કસ નસીબ ગણી શકાય. એવા માણસો બનવા ઘરમાં પૂર્વ અને દક્ષિણના અક્ષથી બનતા ત્રિકોણની સકારાત્મકતા ખુબ જ જરૂરી છે.
સુચન: ઈશાનનો દોષ હૃદયને તકલીફ આપી શકે છે. તેથી ઈશાનને સમજવી જરૂરી છે.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)