વાસ્તુ: દરવાજા પર અગરબત્તી લગાવાય?

અન્યને સારું લગાડવામાં સતત પોતાને દુ:ખ થાય એવું જીવન અંતે તો નકારાત્મક લાગણીને જ જન્મ આપે છે. જેના માટે સતત કાંઈ કરતા હોઈએ એણે ક્યારેય એવું વિચાર્યું પણ ન હોય કે આ વ્યક્તિ પોતાનું મન મારીને મારા માટે આ બધું કરે છે. અને જે વ્યક્તિ મન મારી રહી છે એ પોતે દબાણમાં જીવ્યા કરે. કોઈના જુઠાણા ને ક્યાં સુધી સહન કરવું. કોઈ વિલન માને તો માને. પણ સત્યથી વિચલિત થઇ અને લાંબુ ન જીવી શકાય. અલીબાબા ચાલીસ ચોરની વાર્તામાં ચાલીસ લોકો પણ એક વ્યક્તિને હરાવી નથી શકતા. કારણકે એ એક વ્યક્તિ સાચી હોય છે. તકલીફ પડે, વાંધો નહિ. પણ કોઈને કેવું લાગશે એવા વિચારમાં સતત મન મારીને ન જ જીવાય. મન સાચવવું અને મન મારીને જીવવું એમાં ફર્ક છે. કોઈને ગમતું કરવામાં મજા છે પણ પોતાને ન ગમતું કરીને અન્યને રીઝવી ન શકાય.

સવાલ: હું એક શિક્ષિકા છું. અપરિણીત છું. મારા માટે એવું કહી શકું કે મારો ટેસ્ટ એટલો ઉંચો છે કે મને ગમે એવી વ્યક્તિ હજુ મળી નથી. મને જે દિવસે કોઈની સાથે લગ્ન કરવાની ઈચ્છા થશે ત્યારે કદાચ ગગનમાં નગારા વાગશે. આવું લોકો કહે છે. સર્વગુણ સંપન્ન છું તેથી જ કદાચ આવા વિચાર ધરાવું છુ. મારાથી ઘણો નાનો એક વિદ્યાર્થી મારી પાસે થીસીસ માટે આવ્યો છે. એ પણ અલગ રીતે રહેવાનું પસંદ કરે છે. અમારી વચ્ચે કોમન એ છે કે અમે બંને એકલા રહેવા ટેવાયેલા છીએ. ક્યાંક વિચારો મળતા લાગ્યા. અમે માત્ર કામ પુરતી વાતો કરતા એમાંથી ક્યારેક અન્ય વાતો જેમકે એના ઘર, પરિવાર કે પછી એના પ્લાન્સ વિશે વાતો કરતા.

મારી પાસે જે છે એમાંથી હું ક્યારેક એને ગીફ્ટ આપતી. એ પણ ક્યારેક કાંઈક લાવતો. આમાં આકર્ષણ કે પ્રેમ જેવું કાંઈજ ન હતું. હા અમને એકબીજાની સાથે વાત કરવું ગમતું. આ વાતની મારા ડીનને ખબર પડી અને એમણે મને કહ્યું કે જો હું એક વિદ્યાર્થીને ચાહી શકું તો એમને શા માટે નહીં? એમની વાતોમાં ગંદકી આવતી ગઈ. એમણે મારી પાસે એ વિદ્યાર્થીને એવા મેસેજ કરાવ્યા કે જેના લીધે એ મને નફરત કરે. તેઓ સતત એ વિદ્યાર્થીને કાઢી મુકવાની ધમકી આપતા. હવે હું એની ગાઈડ નથી. મારા ડીન હજુ પણ માંગણીઓ કર્યા જ કરે છે. નોકરી છોડી દઉં? પેલા વિદ્યાર્થીની નજરમાંથી હું ઉતરી ગઈ એનો પણ અફસોસ છે. પણ દુ:ખ એટલે નથી કે એના ભવિષ્ય માટે મેં આ કર્યું છે.

જવાબ: શિક્ષણમાં જયારે આવા લોકો આવે ત્યારે શિક્ષણનું પતન થાય છે. દુનિયાની નજરમાં વડીલ લાગતી વ્યક્તિ આવું કરે તો આઘાત લાગે જ. માની લો કે તમે કોઈને પ્રેમ કરો છો તો પણ એ તમારો પ્રેમ છે. એમાં અન્ય કોઈ પોતાનો ભાગ માંગવા આવે એ યોગ્ય ન જ ગણાય. તમે કોઈને સારું લગાડવા જે કર્યું એના લીધે તમે દુખી છો. તમે વિદ્યાર્થીના ભવિષ્ય માટે જે કર્યું એના બદલે એને વિશ્વાસમાં લઇ અને પેલા ડીનને દબાણમાં લાવવાની જરૂર હતી. સારું છે પ્રેમ ન હતો. બાકી તમને વધારે આઘાત લાગ્યો હોત. હવે વાત ડીનની. એમને બધાની હાજરીમાં એક વાર કહીદો કે મને તમારામાં કોઈ રસ નથી. આમ પણ તમે રીટાયર થવાની તૈયારીમાં છો. એ તમારું ખાસ કાઈ બગાડી નહિ શકે. યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો. ચોક્કસ સારું પરિણામ દેખાશે.

સવાલ: દરવાજા પર અગરબત્તી લગાવાય?

જવાબ: કેટલીક વાતોને શાસ્ત્રોમાં સમર્થન નથી મળતું પણ એના કારણો જાણીને લાગે છે કે આવું કરી શકાય. જેમકે પહેલાના જમાનામાં જીવ જંતુ વધારે હતા. એનાથી બચવા માટેના ઉપાયોમાં એક સરળ ઉપાય હતો કે એમને દરવાજાથી જ રોકી લેવામાં આવે. જેમકે લીંબુ મરચું બાંધવામાં આવતા. એ જ રીતે જો દરવાજા પાસે ધુમાડો કરવામાં આવે તો મચ્છર ઘરમાં ન આવે. એવા કોઈ કારણથી આ પ્રથા આવી હોય એવું બને. અગરબત્તી શબ્દ પણ મૂળ ભારતીય નથી.

સુચન: તુલસી પાસે અગરબત્તી કરવાની વાત વાસ્તુ શાસ્ત્રમાં નથી.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)