શું મકાનનો નકશો જોઇને વાસ્તુનું સમાધાન મળે?

સજાતીય સંબંધોને મંજુરી મળી ગઈ તેથી તે હોવા જ જોઈએ તેવું ન માની લેવાય. અને તેને ફરજીયાત સમજવાની ભૂલ પણ ન જ કરાય. દારૂ બંધી ન હોય એ વિસ્તારમાં બધાએ દારૂ પીયને ફરવું જોઈએ એવો નિયમ નથી જ ને? વળી કોઈની ઈચ્છા વિરુદ્ધ એની પાસે અપેક્ષા રાખવી એ પણ કેટલું વ્યાજબી છે? કોઈને તમારી જરૂર છે એટલે એનું શોષણ થવું જ જોઈએ? સમાજ જયારે એકાદ વિકૃત માણસના પ્રભાવમાં આવે છે ત્યારે સમગ્ર સમાજમાં વિકૃતિ ફેલાવાની શક્યતા ઉદ્ભવે છે. મોટી ઉમરમાં પત્ની બીમાર હોય એ સ્વાભાવિક છે. પણ એટલે અન્ય કોઈની પાસે એવી અપેક્ષા રાખવી કે એ ઓળખે છે તો એ મદદ કરે એ પણ યોગ્ય ન જ ગણાય. ભારતીય વિચારધારા મુક્ત છે. ગમતું કરી શકાય પણ અન્યને ન ગમતું કરીને નહિ. સહમતી વિના કોઈ કાર્ય સંપૂર્ણ નથી થતું. ગમો અણગમો બંને પક્ષે હોય ને?

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપના સવાલો આપ અહી પૂછી શકો છો. નીચે જણાવેલા ઈમેઈલ પર આપના પ્રશ્નો મોકલી આપો. આ વિભાગમાં આપના પ્રશ્નોનું સમાધાન જરૂર મળશે.

સવાલ: મારા ઘરમાં ત્રણ માળ છે. તો એના માટે ખાલી નકશો જોઇને સમાધાન મળે? મેં આપના ટીવી શો માં જોયું હતું કે કોઈ પણ મકાન ત્રીપારિમાણિક હોય છે. અને નકશામાં માત્ર બે જ પરિમાણ હોય. એમાં મકાનનો આકાર ન સમજાય. તો સાચું શું છે જણાવશો.

જવાબ: કોઈ પણ વસ્તુ કે પદાર્થની લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ હોય છે એ આપણે સહુ જાણીએ છીએ. એક સામાન્ય કાગળની પણ જાડાઈ હોય છે તો મકાનમાં તો એ હોય જ ને? ફોટોગ્રાફ જોઇને માણસને સમજી ન શકાય એ જ રીતે માત્ર પ્લાન જોઇને મકાન વિશે પુરતી માહિતી ન મળે. કોઈ પણ મકાનમાં પોતાની સંચિત ઉર્જા હોય છે. તેથી આદર્શ સ્થિતિ એ જ છે કે જે તે મકાનની વિઝીટ કર્યા બાદ તેના વિશે વિચારીએ. સમયનો અભાવ, વિષયની અપુરતી સમજણ, બજેટ જેવા અનેક પરિબળો આદર્શ સ્થિતિથી વિમુખ રાખે છે. આવા સંજોગોમાં ધાર્યા પરિણામો ન પણ મળે એવું બની શકે.

સવાલ: હું એક વિદ્યાર્થી છું. એક વખત બીમારીના લીધે થોડો સમય કોલેજ ન જવાયું. મારા સાહેબ રિસાઈ ગયા. મને ભણાવવાની ના પાડી. ક્લાસમાં બધાને નોટ્સ ન આપવા કહ્યું અને કોઈને મારી પાસે બેસવાની પણ મનાઈ કરી દીધી. અકળામણમાં માણસ ખોટા નિર્ણય લે એવું મેં પણ કર્યું. મેં પ્રિન્સિપાલનો સંપર્ક કર્યો. એમણે મને સાહેબને મનાવવા મેસેજ કરવા સમજાવ્યું. કેવી રીતે કરવા એનું જ્ઞાન પણ આપ્યું. મેં એ કર્યું. સાહેબ માની ગયા. પછી એ વારંવાર રીસાવા લાગ્યા. દરેક વખતે પ્રિન્સીપાલ અવનવા રસ્તા સુજાડતા. ક્લાર્ક ફી લેવાની ના પાડે, સાહેબ ક્લાસમાં જવાની ના પાડે. આવું અનેક વાર થવા લાગ્યું. હું ફોન કરીને મનાવવા પ્રયત્ન કરું મનાવું પછી બધું થાળે પડે.

એક વાર કોઈએ મારું ધ્યાન દોર્યુ કે સાહેબની મારા તરફની નજર યોગ્ય નથી. થોડો સમય મને વિશ્વાસ ન આવ્યો. કેટલીક એવી ઘટના બની જે અહીં જણાવતા શરમ આવે છે. જે અંગે મેં પ્રિન્સીપાલને ફરિયાદ કરી. આઘાત સાથે કહેવું પડે છે કે એમને બધી જ જાણ હતી. એમને પણ મારામાં રસ હતો. શરૂઆતમાં ભણવાનું ન છુટી જાય એટલે મેં એમનાથી દુર રહેવાનું શરુ કર્યું. મારું યુનીવર્સીટીનું ફોર્મ અટકાવી દેવાયું. જો મહામારી ન આવી હોત તો મને નાપાસ કરત. ભગવાનની દયાથી એમની ચાલ ઉંધી પડી. હવે બીભત્સ મજાક શરુ થઇ. એમાં વિદ્યાર્થીઓનો પણ સાથ લેવાતો. કેટલાક લોકો મને સાહેબને ગમતું કરવા સમજાવતા. શું આવી જ રીતે ભણાય? સાહેબના પત્ની બીમાર હોય તો એમની ભૂખ સંતોષવા અમારો ઉપયોગ કરવાનો? સજ્જન દેખાવાનું નાટક કરનારા લોકોનો વિનાશ કેમ નથી થતો? મારા પર ઘરની બહુ અપેક્ષા છે. ભણવું જરૂરી છે. કોઈને કહીએ તો આબરૂ જાય.

જવાબ: તમારી વાત રુંવાડા ઉભા કરી દે એવી છે. પણ તમે જણાવ્યું એ રીતે તમારી સંસ્થાના પ્રિન્સીપાલ થી લઈને વિદ્યાર્થીઓ સુધી બધા જ આ પ્રક્રિયાને સ્વીકારી ચુક્યા છે. કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિ પાસે ત્રણ ઓપ્શન હોય છે. તે દુનિયા છોડી દે. જે આપને પણ વિચાર આવ્યો હતો. પણ એવું કરવાથી તમને શું મળશે? પેલા લોકોને કોઈ ફર્ક નહિ પડે. આપના પરિવારને પડશે. એમના માટે અને તમારા માટે જીવવું જરૂરી છે. બીજું ઓપ્શન છે બધું છોડીને ક્યાંક દુર જતા રહેવું. જેનાથી તમને કોઈ ફાયદો નહિ થાય. અને ત્રીજું ઓપ્શન છે નવી શરૂઆત કરવી. કીચડમાં પગ મારીએ તો કીચડને કાંઈ ન થાય આપણે જ ગંદા થઈએ. આ સંસ્થા છોડી દો. તમારા મત મુજબ આ જગ્યા સજાતીય લોકોનો અખાડો છે. અને તમે એમાં નથી માનતા. તપાસ કરી જુઓ તમારા વિષય ભણાવતી અન્ય કોઈ સંસ્થા મળી જશે. તનાવમુક્ત થઇ જાવ. અને હા, ખોટું એમણે કર્યું છે ડરવાની જરૂર નથી. આબરૂ એમની જવી જોઈએ, તમારી નહિ. પ્રાણાયામ કરો, વધારે પાણી પીવો અને જે થયું એને ભૂલીને નવી શરૂઆત કરો.

આજનું સુચન: ગુરુવારે મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધવું જોઈએ.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)