વાસ્તુ: નકારાત્મક મનોભાવ

LGBTQ માં Q શું છે એવો સવાલ ઘણા લોકોના મગજમાં ઉદ્ભવતો હોય છે. ગુગલ પર આના વિષે ઘણી માહિતી મળે છે. આગળના ચાર વિભાગ કરતા આ જરાક જુદો છે. સામાન્ય રીતે LGBTQ પ્લસ સમાજને વિકૃત સમજવાની એક માનસિકતા છે. દરેક વ્યક્તિને પોતાની રીતે વિચારવાનો અધિકાર છે. ઘણા લોકો માનસિક વિકૃતિ સાથે જીવતા હોય છે. એ પોતાની જાતને આ Q તરીકે દર્શાવીને છટકી જાય છે. પોતાની જાતને માનવ સિવાય અન્ય વ્યક્તિ વિચારવી એ કદાચ સહજ છે. પણ પોતે કોઈ દેશમાં પ્રધાનમંત્રી છે એવા વહેમમાં રહીને અન્યને રંજાડવા એ ગુનો જ ગણાય. આવા લેભાગુઓ પોતાના દરેક કુકર્મને કોઈ મહાન વ્યક્તિના કાર્ય સાથે સરખાવે ત્યારે જો એનો વિરોધ ન થાય તો જે તે મહાન નેતાને આપણે અન્યાય કરીએ છીએ.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: દિવાળી બધા માટે સારી જ હોય એવું જરૂરી નથી. હું એક સોસાયટીમાં કચરો વાળવાનું કામ કરું છુ. એ સોસાયટીમાં પાંચ વરસ પહેલા મારા એક ઓળખીતાનો કોન્ટ્રાક્ટ હતો. એમણે કહ્યું કે જગ્યા સારી છે. કમિટી બોગસ છે પણ રહીશો સારા છે. એટલે અમે આ કામ લીધું. કમિટીના લોકો પહેલા બાર હજાર પર સહી કરાવીને સાત હજાર આપતા હતા. હવે ધીમે ધીમે મોંઘવારી વધી છે. તમને જે માલસામાન આપીએ છીએ એ મોંઘો થયો છે કહીને પંદર હજાર પર સહી કરાવીને છ હજાર જ આપે છે. માલસામાનમાં એ લોકો માત્ર જાડું અને સસ્તું ગંધાતું લીક્વીડ વાપરે છે. સોસાયટીના લોકો પણ નમાલા છે. એમને આવી ગંધ આવવા છતાં રાજી થાય છે કે જોયું મારા પાડોશીને કેવી ગંધ આવે છે. સાહેબ, આવા ભંગાર માણસો મેં ક્યાંય નથી જોયા.

દશેરાના દિવસે એમણે સોસાયટીના ખર્ચે ફાફડા જલેબીનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં પણ બધું સસ્તું જ હતું. તો પણ બધા ભરપેટ ઝાપટી રહ્યા હતા. અમને એનો પણ વાંધો નથી. એક મેડમ અને સાહેબે અમને બધાને સારા ફાફડા જલેબી આપ્યા. અમે એ ખાવા બેસતા હતા ને એમના કેમેરામાં અમે દેખાઈ ગયા. અમને બોલાવીને ફાફડા જલેબી લઇ લીધા કે કોઈ પણ વ્યક્તિ કશું પણ આપે તો એ સોસાયટીનું કહેવાય. હવે નિયમ બનાવ્યો છે કે કોઈ કપડા, વાસણ કે બોણી આપે તો એમાંથી સોસાયટીમાં પચાસ ટકા જમા કરાવવાના. એક સાહેબે વિરોધ કર્યો તો એમના ઘરની બહાર પડેલો કચરો ઉપાડવાની ના પડી દીધી.

અમારો હક છીનવી અને રંજાડે છે એનો પણ વાંધો નથી કારણ કે હવે બધા ભીખારીઓ જ આવી જગ્યાએ ગોઠવાઈ રહ્યા છે. પણ એમને અમારાથી ભાગ ન આપીને અમને બારોબાર વસ્તુઓ આપવા વાળા પરિવારને એ લોકો કારણ વિના રંજાડે છે એ અમારાથી જોવાતું નથી. અમને વાસ્તુમાં બહુ સમજાતું નથી. પણ કોઈએ કહ્યું કે આ સોસાયટીનું વાસ્તુ જ ખરાબ છે. કોઈ માણસો ટકતા નથી. અને અહી રહેતા લોકો પણ અદેખા છે. મારા બાપુજી કહેતા હતા કે વાળવાવાળાની બોની પર નજર નાખે એ લોકો હલકા ગણાય. તમને કદાચ મારી ભાષા ખરાબ લાગે તો માફ કરશો. પણ આવી નોકરી કરવી જોઈએ. કે પછી એમને સલામ કરીને કોઈ જગ્યાએ સારી નોકરી મળે એની રાહ જોઇને છુટા થઇ જવું જોઈએ?

જવાબ: તમારો સવાલ સાચે જ માર્મિક છે. જેમની પાસે વધારાનો સમય છે એવા લોકો કમિટીમાં આવે છે એ તો ખબર હતી. પણ આટલી નિમ્ન સ્તરની વિચારધારા? કોઈકે આપેલા ખાવાના પર પણ નજર નાખવાની? ગરીબ હોવું એ પરિસ્થિતિ ગણાય પણ ભિખારી હોવું એ ગુન્હો જ ગણાય. જયારે સોસાયટીના લોકો જાગૃત ન હોય ત્યારે જ આવા લેભાગુ ફાવે. જે લોકો તમારો હક છીનવે છે એ સોસાયટીના હિસાબમાં કેટલા ગોટાળા કરતા હશે? જેમની પાસે ફાફડા જલેબી ખરીદીને ખાવાના પૈસા નથી એટલે કોઈકને ધમકાવીને પડાવી લે છે એમને મવાલી ગણાય. આવા લોકોની નોકરી ન જ કરાય. તમને ખરેખર સલામ કરવાની ઈચ્છા થાય છે. તમે એ સોસાયટીના રહીશો કરતા વધારે હિંમત ધરાવો છો. વ્યક્તિત્વને પૈસા સાથે કોઈ જ લેવા દેવા નથી. જેમને મહેનત કરવી છે એમના માટે કામ હોય જ છે. કમિટીમાં બેસીને પણ જો કોઈનું છીનવી લેવાની અને પજવવાની માનસિકતા હોય તો એવા લોકો તમારી સામે નીચા જ ગણાય.

વાત રહી વાસ્તુની. જે સોસાયટીમાં આવું વાતાવરણ હોય એનું વાસ્તુ યોગ્ય ન જ હોય. માનવીની ઉર્જા પણ જે તે જમીનની ઉર્જાને અસર કરે છે. એક સરસ જમીન પર જયારે નકારાત્મક લોકો ભેગા થવા લાગે ત્યારે એ જમીનની ઉર્જા ઓછી થતી જાય છે. આપણા દેશમાં લોકો કશુક મોટું થવાની રાહ જુએ છે. પણ જો યોગ્ય સમયે વિરોધ કર્યો હોય તો વાત વધે જ નહિ. જો હવે પછીની ચૂંટણીમાં એ લોકો ફરી ચૂંટાય તો આ સોસાયટીના લોકો સાચેજ માનસિક નપુન્શકતા ધરાવે છે. આવા લોકો તમારી સેવાને લાયક નથી. તમારો પણ અંતરાત્મા મરી જાય એ પહેલા નોકરી છોડી દો. Happy Diwali.

સુચન: જો સોસાયટીનો મેનેજર નકારાત્મક ઉર્જા ધરાવતો હોય અને વારંવાર નિયમો બતાવતો હોય તો એની અસર એ જગ્યાની ઉર્જા પર આવી શકે.

(આપના સવાલો મોકલી આપો Email: vaastunirmaan@gmail.com )