ભૌતિક્તાવાદી વિચારધારાની પરાકાસ્ઠા એટલે સાવ નજીવી વાતમાં પોતાની માંગણી પૂરી ન થતા અન્યનું ખૂન કરી નાખવાની વિચારધારા. ખેડૂત પોતાનો શેઢો મોટો કરે છે ત્યારે એ વિચારતો નથી કે આ મારા હક્કનું નથી. મહેનત વિના લઇ લેવાની વૃત્તિ ખુબ જ નકારાત્મક છે. ભારતીય વિચારધારા સંચિત કર્મ અને પુનર્જન્મ વિષે વાત કરે છે. તો ભારતમાં જ ઉદ્ભવેલી એક વિચારધારા બધુજ ખોટું કરીને દેવસ્થાનમાં પૈસા આપીને મોક્ષ ખરીદવાની પણ વાત કરે છે. અન્ય દેવોને નીચા દેખાડીને પોતાના દેવને મોટા દેખાડવાની લ્હાયમાં એ લોકો ભૂલી જાય છે કે એમને દેવ પણ આ જ દેવોને પૂજતા હતા. વળી દેવોનું માર્કેટિંગ કરવું પડે એ પ્રથા જ નકારાત્મક છે.
ભારતની પ્રજા જો સજાગ હોત તો ગુલામ ન બની હોત. અન્યનું ખરાબ થતું હોય ત્યારે મારે શું? ની ભાવનામાં જીવતા લોકો માનસિક નપુંસકતાથી પીડાય છે. આવી પ્રજાને જીતવી સહેલી છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: સાહેબ, આ જમાનમાં ભરોસો કોનો કરવો? મારા ગામથી નજીક એક સરપંચે સરદાર પટેલના નામની જમીન બરોબર વેંચી મારી એવી વાત છાપામાં વાંચી. એની નજીકમાં એ સરપંચ ફરાર છે એવું પણ કોઈ કહેતું હતું. અન્ય એક સરપંચ જમીન માફિયા સાથે ભળેલા છે એવી પણ વાત સાંભળી. તો આ બધા લોકો જે તે પક્ષનું નામ ખરાબ થશે એવું વિચારતા નહિ હોય?
અમરી નજીકમાં એક ભાઈ રહે છે એ કહેતા હતા કે શહેરમાં મેડીકલ સ્ટોરમાં જ ડ્રગ મળે છે. જે લઈને આપણું યુવાધન બેફામ બને છે. તો શું આ બધા પણ કોઈ નિયંત્રણ ન હોવું જોઈએ? અમારી નજીકમાં એક ભાઈનો મેડીકલ સ્ટોર છે. અચાનક એમની પાસે કરોડોની પ્રોપર્ટી લેવાના પૈસા આવી ગયા છે. શું એ લોકો પણ ડ્રગ વેંચતા હશે? આવા લોકોને કર્મ ન નડે?
જવાબ: ભાઈ શ્રી, આપણો દેશ ભરોસા પર જ ચાલે છે. કોઈ ધર્મ ગુરુ, નેતા કે સેવક જો ખોટું કરે તો એ ખુબ ખરાબ ગણાય. કારણ કે એમનું સ્થાન અન્યને દાખલો પૂરો પાડવાનું છે. આપે જે વાત કરી એ મારા વાંચવામાં નથી આવી. પણ જો આવું થયું હોય તો જે તે પક્ષના લોકોએ પણ આ વાતને ધ્યાન પૂર્વક સમજવી જોઈએ. કારણકે આવા લોકો પક્ષના મૂળમાં થયેલી ઉધઈ બને.
ડ્રગ શબ્દ દવાઓ માટે પણ વપરાય છે. પણ પ્રતિબંધિત દવાઓ મેડીકલ સ્ટોરમાં ન જ રખાય. સરકારે આના માટે ચોક્કસ વ્યવસ્થા કરી જ હશે.
આપના પડોસી પાસે કદાચ પૈસા હોય જ અને અચાનક એમને વાપરવાનો વિચાર આવ્યો હોય એવું પણ બને. પણ આજના યુગમાં કશું પણ અશક્ય નથી. આવી શંકાઓ કરવા કરતા સહજ બની જાવ. આસપાસ ચાલતી ઘટનાઓ પ્રત્યે સજાગ રહેવું જોઈએ. પણ એનો તણાવ ન જ રખાય.
સવાલ: આપના એક લેખમાં વાંચ્યું હતું કે આપ વાસ્તુ અને વનસ્પતિ પર રીસર્ચ કરો છો. મારા ઘરમાં ઈશાનમાં ઉત્તર તરફ દરવાજો છે. અને ખુબ જ સમસ્યાઓ આવે છે તો એનો ઉપાય આપવા વિનંતી. ફ્લેટમાં કોઈ તોડફોડ શક્ય નથી. તેથી વનસ્પતિ કે એના જેવો કોઈ સરળ ઉપાય આપશો.
જવાબ: વાસ્તુની સમસ્યાના નિવારણ માટે તોડફોડ જરૂરી નથી. તમારી પૂર્વની દીવાલ કોમન છે તેથી પડોસી સાથે સહજતા ન રહે. માનહાની થઇ શકે. અગ્નિમાં બાલ્કની છે તેથી સ્ત્રીને વિચારો વધારે આવે. થોડી ચંચળતા પણ વધે. દ્વારના કારણે પોતાના અંગત માણસો દગો કરી શકે. જયારે સામે સામે દ્વાર આવતા હોય ત્યારે સામે વાળી વ્યક્તિ પણ નકારાત્મક વ્યવહાર કરી શકે. આપના ઈશાનમાં કોઈ વનસ્પતિ વાવવી શક્ય નથી. ઉત્તરમાં રસોડું આવે છે. એ પણ વડીલ નારી માટે યોગ્ય નથી. ઉત્તર વાયવ્યમાં ટોઇલેટ ડાયાબીટીશ અથવા શ્વાસની બીમારી આપે. આવા સંજોગોમાં ઘરની નારીને મૃત્યુતુલ્ય સમસ્યા આવી શકે. પણ ગભરાવાની જરૂર નથી. ભારતીય વાસ્તુમાં આવી સમસ્યાનો ઉપાય છે. આમાં માત્ર વનસ્પતિ સિવાય પણ અન્ય ઉપાય કરવા જરૂરી છે. કારણકે આપના ફ્લેટમાં વનસ્પતિ વાવવા જેટલી જગ્યા નથી. આપના વાયવ્યમાં બે છોડ બીલીપત્રના વાવી શકાશે.
સુચન: એક જ દીવાલ પર બાજુબાજુમાં આવતા બે મુખ્ય દ્વાર નકારાત્મક અસર આપે છે. તે ઘરની આર્થિક અને માનસિક વ્યવસ્થા માટે યોગ્ય નથી.
આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com
