કોઈનો ઉપયોગ કેવી રીતે થાય એવા વિચારો મનમાં આવે ત્યારે નકારાત્મકતાની શરૂઆત થાય. કોઈએ પોતાની આવનારી કાલ નથી જોઈ. અને ભૌતિકતાના પળો એ કર્મના સિદ્ધાંતની સમજણને ધૂંધળી કરી નાખી છે. એક વિશ્વવ્યાપી બીમારી પણ માનવજાતિના મુલ્યોને સમજાવવા સફળ ન થાય ત્યારે જીવનને ફરી એક વાર શાંતિથી જોવાનો સમય દેખાય. માત્ર સ્વના વિચારો કરનાર કેટલાક લોકોને આસપાસના લોકોની કોઈ પરવાહ ન હોય એ સ્વાભાવિક છે. પણ જયારે દુખ પડે ત્યારે એને વિચાર આવે કે આટલી બધી નકારાત્મકતા શાને? જો મનમાં વિકારો ઉત્પન્ન થતા હોય તો એવા સમયે ઉર્જાના વિજ્ઞાનને સમજવું જરૂરી છે. ઉર્જા માટેના નિયમો મળે છે વાસ્તુશાસ્ત્ર માંથી.
આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુ નીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.
સવાલ: મયંકજી. નમસ્તે. તમારા આર્ટીકલ અને વિચારો જીવનને નવી દિશા આપે છે. હું એક સંસ્થામાં ખુબ જ સારી પોઝિશન પર છું. એક ભાઈ ભોળા ભાવે એને મળનારી તક વિશે મને વાત કરી દે છે. અને એમના કામની ક્રેડીટ હું લઇ લઉં છુ. મને એમાં કાઈ ખોટું લાગતું પણ નથી. સફળ થવા માટે થોડું કપટ તો જરૂરી જ છે. વળી પેલાને ખરાબ લાગતું હોત તો એ ફરિયાદ પણ કરત. એવું પણ કાઈ થયું નથી. મારા એક મિત્ર મારા ઘરે આવ્યા હતા અને એમને એવું લાગ્યું કે આવી વિચારધારા નકારાત્મક ગણાય. અને એના માટે એમને મારું વાસ્તુ જવાબદાર લાગ્યું. તો આ વિષય પર પ્રકાશ પાડવા વિનંતી.
જવાબ: બહેનશ્રી. આપનું છેલ્લું વાક્ય માર્મિક છે. પ્રકાશની જરૂર એ જગ્યાએ હોય જ્યાં અંધકાર હોય. સફળ થવું એ સારી વાત છે, પણ કોઈનો વિશ્વાસઘાત કરીને સફળ થવું એ ખુબ જ ખરાબ ગણાય. ભલા માણસોને મુર્ખ સમજવાની ભૂલ ઘણા લોકો કરતા હોય છે. જે માણસ તમારા પર વિશ્વાસ રાખે છે એને ખબર પણ નહિ હોય કે તમે જ એના ભલા સ્વભાવનો ફાયદો ઉઠાવો છો. વળી દરેક સફળ માણસ સુખી હોય છે ખરા? આપના ઘરમાં દેવસ્થાન અગ્નિના પદમાં છે અને દક્ષિણમુખી પૂજા થાય છે જેના કારણે આપની વિચારધારા આવી થઇ ગઈ હોય. વળી આપના ઘરનું દ્વાર પશ્ચિમ તરફ છે. જેના કારણે આપના જીવનમાં સંતોષની ભાવના ઓછી રહે. જો સુખી થવું હોય તો આપણું દેવસ્થાન ઈશાનના સાચા પદમાં પૂર્વ દિશામાં મુખ રાખીને પૂજા થાય એ રીતે ગોઠવી દો.
સવાલ: મયંક સર. હું ડોક્ટર છું. મને આપની વાસ્તુની થીયરી ખુબ જ ગમે છે. માત્ર કુદરતના નિયમો સાથે કોઈ તોડફોડ વિના સુંદર પરિણામ મળે તો બધાને ગમે. વળી આપની સમજાવવાની રીત પણ અદ્ભુત છે. આપ મને શીખવાડી શકો?
જવાબ: બહેનશ્રી. આપનો વાસ્તુ પ્રત્યેનો અભિગમ અને અભિરુચિ બંને સરાહનીય છે. કોઈ પણ શાસ્ત્ર શીખવું એ સાધના કરવા બરાબર છે. કોઈ વિષય ગમવો અને એનો અભ્યાસ કરીને નિપુણ બનવું એ બંને સ્થિતિમાં ખુબ જ ફેર છે. અન્ય શાસ્ત્રોની જેમ જ વાસ્તુ શાસ્ત્ર એ પણ ગહન વિષય છે. એમાં ગણિત, વિજ્ઞાન, આર્કિટેક્ચર, એન્જીનીયરીંગ, મનોવિજ્ઞાન, સમાજ શાસ્ત્ર, નગર રચના શાસ્ત્ર, હવામાન શાસ્ત્ર, જેવા અનેક વિષયો આવરી લેવાયા છે. યોગ્ય વ્યક્તિને મારા અભ્યાસનો લાભ મળે એ હું પણ ઇચ્છુ છું. જો આપ સાચે જ એના માટે કટીબદ્ધ હો તો હું ચોક્કસ આપને તૈયાર કરીશ.
આજનું સુચન: ઉત્તર દિશામાં ઊંચા વૃક્ષો ક્યારેય ન વવાય.
(મયંક રાવલ)
(વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો. આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)