ઘરમાં તણાવ ખૂબ વધી ગયો છે….

આત્મહત્યાનો વિચાર પણ કેટલો ઘાતક છે? દેહમાંથી પ્રાણ કાઢવા એ કાઈ નાની સુની વાત છે? જયારે જયારે આવા સમાચાર જાણવા મળે ત્યારે દુખ તો થાય જ પણ આવું થવાનું કારણ પણ જાણવાનું મન થાય. કેટલાક લોકો જે જીવે છે પણ માળખામાં આત્મા નથી એવા લોકો આના માટે આંશિક જવાબદાર ગણી શકાય? સંજોગો કોઈ પણ હોય પણ માનવ દેહની દુર્લભ પ્રાપ્તિને આ રીતે અંત તરફ ન જ લઇ જવાય. સકારાત્મક વિચાર સારા નિર્ણય લેવા પ્રેરે છે અને સારા નિર્ણય સફળ જીવન આપી શકે છે.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુ નિયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ:  સર. મારા એક મિત્ર દ્વારા આપની માહિતી મળી. એમને ખુબ જ ફાયદો થયો છે એ જાણી અને મને પણ પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઇ. આપના વિભાગની ખાસિયત એ છે કે આપ કોઈના નામ નથી જણાવતા. સર, આ કેટલી મોટી બાબત છે. એક ભરોસો આવે છે કે કોઈને ખબર પણ ન પડે એ રીતે અમને અમારી સમસ્યાનું નિવારણ મળી જશે. ઈશ્વર આપને ખુબ સુખ આપે. સર મારા ઘરમાં દાદરો ઇશાન તરફ પૂરો થાય છે. બાળકો નથી. તણાવ ખુબ છે તો કોઈ નિવારણ મળી શકે ખરું?

જવાબ:   ભાઈશ્રી. આપના ઘરમાં સીડી ક્યાં પૂરી થાય છે એ તો આપે જણાવ્યું પણ એ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે એની વાત આપે કરી નથી. ભારતીય વાસ્તુમાં સમગ્ર મકાન અથવા તો જગ્યાનો અભ્યાસ કરવાની વાત છે. જેમ માણસ વિશે સંપૂર્ણ માહિતી મળે પછી જ એને જાણી શકાય એ જ રીતે આખા ઘરને સમજ્યા બાદ જ એના વિશે સાચી વાત કરી શકાય. ઇશાન દિશાનો દોષ હોય તો હૃદયને તકલીફ પડે. આપના ઘરમાં તણાવ વધારે છે એનું એક કારણ આ હોઈ શકે. બાળકો ન થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. મુખ્યત્વે વાસ્તુની રીતે વિચારીએ તો ઉત્તરનો મુખ્ય અક્ષ નકારાત્મક હોય તો આવુ થાય. એ ઉપરાંત પૂર્વ અને ઉત્તરના અક્ષનો ત્રિકોણ નકારાત્મક હોય તો પણ આવું બને. તેથી જ આપના ઘરને સમજવું જરૂરી છે. ઘરમાં શાંતિ રહે એ માટે ઈશાનમાં પાંચ તુલસી વાવી દો. અગ્નિમાં ચંદન વાવો. ઘરમાં ગુગળ, ચંદનનો ધૂપ કરો. મહામૃત્યુંન્જયમંત્ર જાપ કરો. આપને જે ફાયદો થાય તે જરૂરથી જણાવશો.

સવાલ:  નમસ્તે. મને ખુબ જ ખરાબ વિચારો આવે છે. એવું થાય છે કે બધાજ બંધનો છોડી અને ભાગી જાઉં. બસ મન ગમતું કરું. જીવનનીમજા લઉં. પછી મારા પતિ અને બાળકોનો વિચાર આવે અને અટકી જાઉં છુ. બે વરસ પહેલા આવું ન હતું થતું પણ અચાનક આવુ થાય છે. હું ખરાબ નથી, હું મારી જાત પર બહુ કાબુ રાખું છું, તો પણ એ ડર રહે છે. આવું કેમ થતું હશે? એનો કોઈ ઈલાજ ખરો?

જવાબ:   બહેનશ્રી. નમસ્તે. કોઈ પણ માણસ ખરાબ નથી હોતો. એને એના સંજોગો ઘડે છે. જો માણસ સંજોગોને આધીન થઇ જાય તો ક્યારેક તે નકારાત્મક બની જાય છે. વળી સારું અને ખરાબ એની વ્યાખ્યા પણ આપણે જ નક્કી કરી છે. તમારી સાથે જે થઇ રહ્યું છે એના માટે તમારા ઘરની કેટલીક વ્યવસ્થાને સમજીએ. તમારા ઘરમાં ત્રણ વરસ પહેલા રીનોવેસન થયું અને દરવાજો બદલાયો. હવે દરવાજાની સામે વેધ છે. જે વાસ્તુની રીતે નકારાત્મક ગણી શકાય. તમે વાયવ્યમાં પશ્ચિમમાં માથું રાખીને સુવાની વ્યવસ્થા રાખી છે. જે મનને વિચારો વધારે આપે. કાંઈક નવું કરવા પ્રેરે. આપના ઘરમાં અગ્નિમાં હીંચકો છે. જે વાયુનું પ્રતિક ગણાય. અગ્નિ એટલે નારી પ્રધાન દિશા. અને ત્યાં વાયુનું પ્રતિક આવે એટલે નારીનો સ્વભાવ ચંચળ બની શકે. આપના ઘરમાં અમુક રંગો પણ નકારાત્મક છે. આ બધાની અસર આપના મન પર દેખાય છે. આપના ઘરમાં વાયવ્યની બાલ્કનીમાં હિચકો રાખી દો. દરવાજાની બરાબર સામે જે થાંભલો આવે છે એ ખસેડાવી દો. નૈરુત્યના બેડરૂમમાં સુવો. ઘરમાં યોગ્ય રીતે ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંન્જય મંત્ર જાપ કરો. આપને ચોક્કસ સારું લાગશે.

આજનું સૂચન:  દરવાજા પર યુદ્ધમાં લડવા માટે વપરાતા આયુધ વાળા દેવ ન રખાય.

(મયંક રાવલ)

(વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો. આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)