ગણિત જયારે જીવનમાં વણાય જાય ત્યારે મુલ્યો ની સમજણ ઓછી થવા લાગે. જે સમર્પિત છે એને ગણવાની જરૂર નથી અને જે ગણાય કરે છે એને જીવનની સમજણ નથી. ઈશ્વર માટેની સમજણ ઓછી થવાના કારણે વ્યક્તિને ઈશ્વરનો ડર પણ નથી અને શ્રદ્ધા તત્વ ઘટી રહ્યું છે. મૃત્યુની સમજણ ઘટતા જ ભૌતિકતા જીવનના સિદ્ધાંતો સાથે જોડવા લાગે છે. શું કોઈ એક ખાસ રંગ પહેરવાથી ઈશ્વર મળી જાય? શું અન્યનું અપમાન કરવાથી ઊંચા થઇ જવાય? શું હવે ઈશ્વરને પણ ઉંચનીચના ભાવ સાથે જોડવા વાળા માણસો દેખાશે? આવા દરેક સવાલને આપણે ભય કરતા પણ વધારે નકારાત્મક ઉર્જા સાથે જોડી શકીએ. વ્યક્તિ જયારે પોતાની જાતને વફાદાર બને છે ત્યારે જ એને સાચા ઈશ્વરની પ્રતીતી થાય છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ એ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: સાહેબ, નમસ્તે. આપના લેખ સાચે જ જીવવાની શક્તિ વધારી આપે છે. અમે ચાર પેઢીના લોકો સાથે રહેતા હતા. હવે બધાના ઘર અલગ છે. મને ઘણા સમયથી ચિંતા થાય છે કે આજની પેઢીને સત્ય વિષે સમજણ જ નથી. એ લોકો સોસીયલ મીડિયામાંથી જીવનના મુલ્યો શીખે છે. અને જેને વધારે લાઈક્સ મળે છે એ વિચારધારા ચાલે છે. માતા સરસ્વતીના હાથમાં પુસ્તક છે એટલે વધારે ભણવું જોઈએ. એ પુસ્તક કોઈ સામાન્ય પુસ્તક નથી એવી સમજણ વિના એક શૈક્ષણિક જાહેરાતમાં આવું દેખાય છે. અન્યના ઈશ્વરને નીચા દેખાડીને પોતાના ઈશ્વરને મોટા દેખાડવાની કળા વિકસી રહી છે. માતાઓ મોબાઈલમાં હોય અને દાદી રીલ્સ બનાવતી હોય એવા ઘરમાં સંસ્કાર કોણ આપશે? આ સમાજ કઈ દિશામાં જીઈ રહ્યો છે? પૈસા માટે લોકો ખોટાનો પણ સાથ આપવા તૈયાર થઇ જાય છે. શું આ છે આપણી સંસ્કૃતિ? સર્વને માન આપવાના નિયમોમાંથી આ ક્યાં પહોંચી ગયા આપણે? અમારા પોતાના ઘરમાં જ આવું વાતાવરણ આવી ગયું છે. મારી પુત્રવધુએ જે વ્યક્તિને ગુરુ માન્યા છે એ તો ડરાવ્યા જ કરે છે. અમારી જમીમાં અચાનક કોઈની લાશ આવી ગઈ. અણી વિધિ કરી પછી અમારા બધાની કુંડળીમાં અચાનક પિતૃદોષ આવી ગયો. એમણે તો જીવતા વડવાઓની પણ વિધિ કરાવી દીધી. ક્યારેક તો લાંબા જીવન પ્રત્યે પણ ધ્રુણા થાય છે. પણ પછી વિચાર આવે છે કે જો બધા જ જવાબદારીથી ભાગશે તો નવી પેઢીનું શું?
જવાબ: આપણે હમેશા અન્યને જ દોષ આપતા રહ્યા છીએ. વિદેશી આક્રમણ થયા પણ શું આપણે ત્યારે એકત્રિત હતા? વિદેશી માન્યતાઓ અને વિચારોના આક્રમણ સામે આપણે સમર્પિત થઇ ગયા એમાં ક્યાંક આપણો પણ સ્વાર્થ હતો. જે વિચારધારા સામે વિરોધ ન થાય એ અંતે પ્રસ્થાપિત થાય જ. અન્યના દેવોને નીચા દેખાડવાવાળાને એક વાર માફ કરીએ તો એમની હિંમત વધે જ. અને શું દેવોમાં આવું હોય છે ખરું? આપની વાત સાચી છે કે સમાજ દિશાહીન થયો છે. અને એનું એક માત્ર કારણ ભૌતિકતા તરફની આંધળી દોટ છે. વળી બધાજ ડરે છે. એટલે જ એ ધંધાનું કારણ બની ગયો છે. જેને સત્યની સમજણ નથી એને કશું પણ સમજાવી શકાય છે.
આપના ઘરમાં પશ્ચિમનો અક્ષ નકારાત્મક છે. તેથી આવું થાય છે. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, કેવડાના અત્તરથી અભિષેક કરો. ચોક્કસ રાહત થશે.
સવાલ: મને એક છોકરો ગમે છે. ખુબ રૂપાળો છે. સ્વભાવ પણ માયાળુ છે. પણ મારી સહેલીઓ કહે છે કે સિક્સ પેક હોય અને લાંબો છોકરો હોય તો આપણો વટ પડે. મેં એ છોકરાને સમજાવ્યું તો એ મને સમજાવે છે કે જીવવા માટે ફિટનેસ જરૂરી છે. સિક્સ પેક નહિ. એનું વાંચન ખુબ સારું છે એટલે એ એવું માને છે કે કશું પણ અતિ કરવામાં આવે તો તે નુકશાન જ કરે છે. એ વિચારોને વધારે મહત્વ આપે છે. એક બાજુ મારી સહેલીઓની જીદ છે અને એક તરફ એ અદ્ભુત માણસ છે. શું કરું?
જવાબ: તમારે લગ્ન કોઈને દેખાડવા માટે કરવાના છે? જો જવાબ ના, છે તો ગમતી વ્યક્તિ તો છે જ.
સુચન: મહામૃત્યુંન્જય મંત્રનું અનુષ્ઠાન મનની શાંતિ આપવા સક્ષમ છે.
(આપના સલાવો મોકલી આપો vastunirmaan@gmail.com)