સોસાયટીમાં વહીવટ બરાબર ચાલે, જો હોય આ સ્થિતિ

ક સોસાયટીમાં વહીવટી તંત્ર ન સમજાય તેવું હતું. પૈસા ઘણાં અને વહીવટી ચાર્જ પણ પૂરતો લે પણ વ્યવસ્થા ન મળે. ચોકીદારનો પગાર કાગળિયાં પર ચૂકવાય પણ ચોકીદાર ન મળે. જે રડ્યાં ખડ્યાં ચોકીદાર જોવા મળે તે પણ રાત્રે ઊંઘતા ઝડપાય. બધા ત્રાહિમામ પોકારી ગયાં પણ વહીવટી સમિતિ બસ,સબ સલામત હૈના નારા લગાવ્યાં કરે. સમિતિના નાક નીચે જ બધું ખોટું ચાલે પણ લોકો ફરિયાદ કરે તોય કોને કરે? લોકોએ ભેગા મળીને ચોકીદારને બદલી નાખ્યાં. હવે તો તેઓ સમિતિને પણ પૂછે કે શું કરો છો? ક્યાં જાઓ છો? આકરું તો પડે જ.ચોકીદાર વિષે લોકોની લાગણી પણ સમિતિને ન ગમે.

જો સોસાયટીમાં ઈશાનના ત્રણેય અક્ષ હકારાત્મક હોય તો નાગરિકોમાં જાગૃતિ આવે છે. તેઓ પોતાના હિતનો વિચાર કરીને નિર્ણય લે છે. તેમાં પણ પૂર્વ પશ્ચિમનો અક્ષ પણ હકારાત્મક હોય તો સામાન્ય વ્યક્તિ પણ અન્યના માન સન્માન માટે સજાગ રહે છે અને સોસાયટીનું વાતાવરણ સચવાઇ રહે. એનાથી વિપરીત જો ઈશાનના ત્રણેય અક્ષ નકારાત્મક હોય તો વાતાવરણ ધૂંધવાયેલું હોય પણ કોઈ અવાજ ન કરે. અને પૂર્વ પશ્ચિમનો અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિઓ અંદર અંદર કાવાદાવા કરે પણ સામાન્ય હિતનો વિચાર ન કરે. ક્યારેક ચોકીદારને પણ એમાં સંડોવવા પ્રયત્ન કરે. આજના યુગમાં લોકોને પોતાના હિત વિષે વધારે સજાગતા આવવા લાગી છે તેથી વાસ્તુ નિયમોની હકારાત્મકતા અને સાચી સમજ ખૂબ જ જરૂરી બને છે.

જયારે જયારે માનવ ધર્મ જોખમમાં આવ્યો છે ત્યારે ઈશ્વરે અવતાર લીધો છે. હકારાત્મક ઊર્જા ઈશ્વરીય વિચારધારાને જન્મ આપે છે અને માનવતા લક્ષી વિચારધારાની ઓળખ ઉભી થાય છે. ઈશાનથી પૂર્વ હકારાત્મક હોય ત્યારે વ્યક્તિ માનવલક્ષી વિચારે છે. તે વાતાવરણ અને પર્યાવરણને સન્માન આપે છે. જો આ જગ્યા નકારાત્મક હોય તો વ્યક્તિને અન્ય વ્યક્તિ કે પર્યાવરણ માટે લાગણી રહેતાં નથી. આવી જગ્યાએ પાણીનો બગાડ, કારણ વિના વુક્ષછેદન, ભવ્યતાના દેખાડા માટે ઈલેક્ટ્રીસિટીનો વેડફાટ. વગેરે સમસ્યાઓ જોવા મળે છે. આવી જગ્યાએ સતત અસુરક્ષાની લાગણી પણ દેખાય. જેના કારણે લોકો અન્યને નીચા દેખાડવા પ્રયત્ન કર્યા કરે.રાજકારણ આજના જીવનનો ભાગ બની રહ્યું છે તે એક દુખદ બાબત છે પણ કારણ વિના પોતાના સ્વાર્થ માટે અન્ય પર પ્રહારો કર્યાં કરવા તે નકારાત્મકતાની નિશાની છે. નૈરુત્યના બે અક્ષ નકારત્મક હોય ત્યારે આવી પરિસ્થિતિ ઉદભવે છે. જો આ અક્ષ હકારાત્મક હોય તો એક સાચી સમજણ ઉભી થાય છે અને સ્વસ્થ સમાજ જોવા મળે છે. જે હકારાત્મક જીવનશૈલી આપી શકે છે.

કોઈપણ ઘરની ખૂબજ નજીક ઈલેક્ટ્રીકની ડીપી હોય તો તે યોગ્ય નથી ગણાતું. તે સતત ભયની લાગણી આપી શકે છે. આવી જ રીતે વધારે પડતી લાઈટો પણ ભય અથવા હતાશા આપી શકે છે. આજકાલ ઘણી જગ્યાએ સંપૂર્ણ અંધારું થતું નથી. સંપૂર્ણ અંધારું પણ જરૂરી છે. મેં મારા અભ્યાસમાં જોયું છે કે વધારે પડતો અકુદરતી પ્રકાશ પણ નકારાત્મક ઊર્જા આપે છે. વધારે પડતા પ્રકાશને આપણે પ્રદૂષણ ગણી શકીએ. આવા પ્રકાશના સ્ત્રોત વાતાવરણને ગરમ પણ કરે છે અને આંખોને નુકશાન પણ.ભારતીય નિયમો વાતાવરણ અને પર્યાવરણ સાથે સંતુલનથી પ્રાપ્ત થતી ઊર્જા વિષે વાત કરે છે. જો વધુ પડતો તણાવ અને સતત દબાણ હેઠળ જીવતા હોય એવું લાગતું હોય તો ઉત્તરનો દોષ હોઈ શકે છે.

ઉત્તરથી ઇશાનનો દોષ હોય તો ઈશાનમાં તુલસીનું વન બનાવવું જોઈએ અને ઉત્તરમાં કમળ વાવવાથી ફાયદો થઇ શકે છે. ઉત્તર મધ્ય જયારે નકારાત્મક હોય ત્યારે પુરુષનો આત્મવિશ્વાસ ઓછો થાય છે. અને નારીને અસંતોષ રહે છે. આપણો સમાજ પુરુષ પ્રધાન હોવા છતાં નારીનાસન્માનનું ખૂબ જ મહત્વ છે. તેથી ઘરમાં શાંતિ અને સંતુલન માટે ઉત્તર દિશા ખૂબ જ મહત્વની ગણી શકાય. એક જગ્યાએ નારી ખૂબ જ મહત્વકાંક્ષી હતી અને પુરુષ સાવ બાલીશ. નારીને સતત અસંતોષ રહેતો અને તેના કારણે ઘરનું વાતાવરણ ડહોળાયેલું રહેતું. વડીલોથી લઈને બાળકો સુધી બધા દુઃખી. આ જગ્યાએ ઈશાનમાં તુલસીનું વન બનાવી અને ઉત્તરમાં કમળ વાવવાથી ખૂબ જ ફાયદો થયો. આ ઉપરાંત અમુક પ્રકારની શિવપૂજા પણ તેમને મદદરૂપ થઇ.વાસ્તુમાં વનસ્પતિનું પણ ખૂબ જ મહત્વ છે. તેની ઊર્જા થકી જે જ્યાં છે ત્યાં જ રાખીને શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે.