ગાંધીનગરમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ ૨૦૨૬’નો પ્રારંભ: દક્ષિણ એશિયામાં પ્રથમ વખત આયોજન

ગાંધીનગર : સમગ્ર દક્ષિણ એશિયામાં સર્વપ્રથમ વખત પાટનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) ૨૦૨૬’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૫થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન આયોજીત આ વૈશ્વિક ફોરમનું સંયુક્ત ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે.

આ ફોરમ ‘સર્ક્યુલર ઇકોનોમી: ટ્રાન્સિશન ફોર પીપલ એન્ડ પ્રોસ્પેરીટી’ (Circular Economy: Transition for People and Prosperity) થીમ હેઠળ યોજાઈ રહ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, ભારતમાં ફિનલેન્ડના રાજદૂત એચ.ઈ. મિક્કો કિવિકોસ્કી, સિત્રા (SITRA)ના પ્રમુખ એટે જાસ્કેલાઈનન, નેધરલેન્ડના સર્ક્યુલર ઇકોનોમી નિયામક મેરીકે સ્પાઇકરબોઅર સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

સર્ક્યુલરિટીનો મુખ્ય આશય ઉત્પાદનો અને સામગ્રીનો પુનઃઉપયોગ (Reuse), રિફર્બિશિંગ (Refurbishing) અને રિસાઇક્લિંગ (Recycling) કરીને તેને ફરીથી અર્થતંત્રમાં ઉપયોગમાં લાવવાનો છે. આ મહોત્સવનું આયોજન CPCB, સિત્રા (Sitra), ફિનલેન્ડ સરકાર, MoEF&CC, ગુજરાત સરકાર અને GPCBના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે.

આ પરિષદમાં ૬૫થી વધુ દેશોના ૨૦૦૦થી વધુ પ્રતિનિધિઓ, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગસાહસિકો ભાગ લેશે. તા. ૧૫-૧૬ સપ્ટેમ્બર દરમિયાન AI, રોજગારી, ઉર્જા અને સ્ટાર્ટ-અપ જેવા વિષયો પર પ્લેનરી અને થીમેટિક સત્રોનું આયોજન થશે. જેમાં ૧૨૫થી વધુ પ્રદર્શનકર્તાઓ ભાગ લેશે. ત્યારબાદ ૧૭ અને ૧૮ સપ્ટેમ્બરના રોજ ૮૦ જેટલા હાઇબ્રિડ એક્સેલરેટર સત્રો યોજાશે.

૧૬ સપ્ટેમ્બરના રોજ યોજાનાર સમાપન સમારોહમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ, ફિનલેન્ડના પર્યાવરણ મંત્રી સારી મુલ્તાલા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અંતે સિત્રાના પ્રમુખ દ્વારા આગામી યજમાન દેશને વિધિવત હેન્ડઓવર કરવામાં આવશે.