લાંબા અંતરાલ બાદ મેઘરાજાની રાજ્યમાં વાપસી, 60 તાલુકામાં નોંધાયો વરસાદ

અમદાવાદ: રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ વાપસી કરી છે. અડધો અષાઢ અને શ્રાવણ કોરો જવાથી લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. સુકાઈ રહેલા પાકને લઈને ચિંતિત ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 15 સપ્ટેમ્બર સુધી 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. શનિવારે (12 સપ્ટેમ્બર)ના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પંચમહાલ, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. લો-પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર સહિત 20 જિલ્લામાં મેઘતાંડવની શક્યતા છે.