ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનો મોટો ખુલાસો

ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની સ્થિતિ અને સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી તમામ અટકળો પર ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પૂર્ણવિરામ મૂકી દીધું છે. દિલ્હી ખાતે આયોજિત BRICS શિખર પરિષદ દરમિયાન પત્રકાર ગીતા મોહન સાથેની ખાસ વાતચીતમાં રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને સ્પષ્ટ કર્યું કે, મોજતબા ખામેનેઈ સંપૂર્ણપણે સુરક્ષિત તથા જીવિત છે અને તેમની તમામ જવાબદારીઓ સુચારૂ રૂપે સંભાળી રહ્યા છે.

અમેરિકા પર આકરા પ્રહારો અને દૂષપ્રચારનો આક્ષેપ

અમેરિકા પર પરોક્ષ પ્રહારો કરતા ઈરાની રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, વોશિંગ્ટન દ્વારા આ પ્રકારના અફવા અને દુષ્પ્રચાર ફેલાવવામાં આવી રહ્યા છે, કારણ કે યુએસ એજન્સીઓ મોજતબા ખામેનેઈનું સાચું લોકેશન શોધવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. તેમણે ઉમેર્યું કે, અમેરિકાએ ઈરાનના અનેક નેતાઓને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ખામેનેઈ સુધી પહોંચવામાં તે સક્ષમ રહ્યું નથી.

પીએમ નરેન્દ્ર મોદી સાથેની વાયરલ તસવીર પર આપ્યું નિવેદન

બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા. આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. ભારત-ઈરાન સંબંધો પર વાત કરતા પેઝેશ્કિયાને જણાવ્યું કે, “જ્યારથી મેં પદ સંભાળ્યું છે ત્યારથી પીએમ મોદી સાથે ભારત અને ઈરાનના સંબંધો ઉત્તરોત્તર મજબૂત થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે સદીઓ જૂના ઊંડા સાંસ્કૃતિક સંબંધો છે જે સમય સાથે વધુ દ્રઢ બનશે.”

વૈશ્વિક તાનાશાહી સામે ભારત-ઈરાન જોડાણ મહત્વનું

તેહરાન અને નવી દિલ્હી વચ્ચેનું મજબૂત સંગઠન વૈશ્વિક સ્તરે વધી રહેલા “તાનાશાહી વલણ” (વૈશ્વિક દાદાગીરી) નો સામનો કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ ઈરાની રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો હતો.