નવી દિલ્હીઃ અમેરિકા પોતાનું સૈન્ય દબાણ ઘટાડવાનું શરૂ કરે તો ઈરાન સાત દિવસની અંદર હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) ફરીથી ખોલે એવી શક્યતા છે. ઈરાનનો આ પ્રસ્તાવ મધ્યસ્થીઓ મારફતે વોશિંગ્ટન સુધી પહોંચાડવામાં આવ્યો છે. તેમાં દુશ્મનાવટને કાયમી રીતે ખતમ કરવા માટે ફરીથી વાટાઘાટો શરૂ કરવાની વાત કરવામાં આવી છે, એમ ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે તહેરાનની યોજના સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન મધ્યસ્થી દેશો સાથે વાતચીત કરવાની છે. જોકે અધિકારીએ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ પણ બેઠકની શક્યતાને નકારી કાઢી છે.
મોજતબા ખોમેનેઈએ આપી મંજૂરી
અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવને સર્વોચ્ચ નેતા મુજતબા ખોમેનેઈ અને સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની મંજૂરી મળી ગઈ છે. ઈરાન પોતાની બંદર નાકાબંધી અને હોર્મુઝ જળમાર્ગ સાથે જોડાયેલી અમેરિકાની સૈન્ય કાર્યવાહીને ખતમ કરવાની માંગ કરી રહ્યું છે, એમ ઈરાનના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ માહિતી આપી હતી.
ઈરાને અમેરિકાને પહોંચાડ્યો પ્રસ્તાવ
અહેવાલો અનુસાર આ પ્રસ્તાવ મધ્યસ્થીઓ મારફતે વોશિંગ્ટન સુધી પહોંચાડવામાં આવ્યો છે. તહેરાનની યોજના ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન મધ્યસ્થી દેશો સાથે આ પહેલ અંગે ચર્ચા કરવાની છે. જોકે તેમણે કહ્યું હતું કે સમજૂતી તરફ આગળ વધવાની શક્યતા છે, પરંતુ તેના માટે અમેરિકાએ ગંભીરતા અને પ્રતિબદ્ધતા દર્શાવવી પડશે.

હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી વધી મુશ્કેલી
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ટકરાવની અસર ઊર્જા બજાર અને વૈશ્વિક શિપિંગ પર પડી છે. ખાસ કરીને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા હોર્મુઝ જળમાર્ગ પર તેની અસર જોવા મળી છે. ઈરાન ઇચ્છે છે કે અમેરિકા આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ સાથે જોડાયેલી પોતાની સૈન્ય પ્રવૃત્તિઓ બંધ કરે. તેના બદલામાં તહેરાનનું કહેવું છે કે તે હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખોલશે અને વાતચીત શરૂ કરશે. આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાની બંદરો પર લાગેલી પાબંદીઓના કારણે કાચા તેલની નિકાસ અને હોર્મુઝમાંથી થતા દરિયાઈ ટ્રાફિક પર અસર પડી છે. તહેરાને વાતચીત ફરી શરૂ કરવા માટે અગાઉ સાત શરતો રજૂ કરી હતી, જેમાં બંદરોની નાકાબંધી ખતમ કરવી અને ઈરાનની સ્થગિત સંપત્તિ પરત કરવી જેવી શરતોનો સમાવેશ થાય છે.




