વ્યારામાં CMના હસ્તે ₹૯૧૦ કરોડના હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પ્રોજેક્ટનો પ્રારંભ

વ્યારા (તાપી): દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોના આદિવાસી સમુદાય માટે તબીબી સેવા ક્ષેત્રે એક ઐતિહાસિક તબક્કાનો શુભારંભ થયો છે. ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. (UNM) ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સરકાર સાથેની જાહેર-ખાનગી ભાગીદારી (PPP) હેઠળ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે રૂ. ૯૧૦ કરોડના ખર્ચે મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વ્યારા ખાતે ૩૧૭ બેડની અત્યાધુનિક ‘ટ્રાન્ઝિશનલ’ હોસ્પિટલ સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ૮૦૦ બેડની નવી વિશાળ યુ.એન.એમ. જનરલ હોસ્પિટલ ઇમારતનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. જયરામ ગામિત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.૮ લાખ લોકોને થશે સીધો લાભ

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો સંપૂર્ણ ₹૯૧૦ કરોડનો ખર્ચ યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા વહન કરવામાં આવશે. પ્રોજેક્ટના આગામી તબક્કામાં ૧૫૦ બેઠકો ધરાવતી MBBS મેડિકલ કોલેજ અને હોસ્ટેલનું નિર્માણ થશે. આ વ્યવસ્થાથી તાપી અને આસપાસના સરહદી વિસ્તારોના ૮ લાખથી વધુ લોકોને ઘરઆંગણે જ સુપર સ્પેશિયાલિટી સારવાર મળશે અને ૭૫ કિલોમીટર દૂર સુરત સુધી જવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.

નવી હોસ્પિટલ બને ત્યાં સુધી સેવાઓ નિરંતર ચાલુ 

હાલની ૧૫૬ બેડની જૂની જનરલ હોસ્પિટલમાં ચાલતી સારવારને આ નવનિર્મિત ૩૧૭ બેડની ટ્રાન્ઝિશનલ સુવિધામાં ખસેડવામાં આવી છે. ૮૦૦ બેડની નવી હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલુ હોય ત્યારે પણ દર્દીઓની સારવારમાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી આ વિશિષ્ટ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર જીનલ મહેતાએ જણાવ્યું હતું કે, “PPP મોડલ હેઠળની આ પહેલ વ્યારા અને આસપાસના વિસ્તારો માટે હેલ્થકેર ક્ષેત્રે એક નવો અધ્યાય છે. જેનાથી સ્થાનિક લોકોને આધુનિક સારવાર સાથે સસ્તું અને ગુણવત્તાસભર મેડિકલ શિક્ષણ મળશે.”

યુએનએમ ટ્રાન્ઝિશનલ હોસ્પિટલની મુખ્ય સુવિધાઓ:

  • વિશાળ ક્ષમતા: ૯,૯૮૬ ચોરસ મીટર એરિયામાં ૨૭૧ વોર્ડ બેડ અને ૪૬ ક્રિટિકલ કેર બેડ (ICU, NICU/PICU).

  • દૈનિક ૧૨૦૦ દર્દીઓની OPD: ૧૭ ક્લિનિકલ સ્પેશિયાલિટીઝ માટે ૨૪ સજ્જ OPD રૂમ.

  • આધુનિક OT સુવિધા: ૩ મેજર અને ૧ મેટરનિટી OT, સાથે ૧ ER માઇનર OT.

  • અદ્યતન નિદાન અને સારવાર: ૮ બેડનું ડાયાલિસિસ યુનિટ, પેથોલોજી લેબ, બ્લડ સ્ટોરેજ સેન્ટર, X-Ray અને USG સુવિધા.