“પ્લીઝ અમને છોડી દો…”, ઓડિશામાં જમુઈ જેવી શરમજનક ઘટના

બિહારના જમુઈમાં બનેલી છેડતીની ઘટના હજુ શાંત થઈ નથી, ત્યાં જ ઓડિશામાંથી સામે આવેલા આવા જ એક શરમજનક કિસ્સાએ દેશભરમાં ચકચાર મચાવી દીધી છે. ઓડિશાના ઢેંકનાલમાં કપિલાશ રોડ પર એક યુવતી અને તેના સાથીદાર સાથે રસ્તા વચ્ચે અસભ્ય વર્તન અને મારપીટ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાનો વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે.

કપિલાશ પ્રવાસન સ્થળના માર્ગ પર બની ઘટના

મળતી માહિતી મુજબ, આ ઘટના 18 September ની છે. બે યુગલો પ્રખ્યાત પ્રવાસન સ્થળ કપિલાશની મુલાકાત લીધા બાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક સ્થાનિક લોકોએ કથિત રીતે એક યુગલને આપત્તિજનક સ્થિતિમાં જોયાનો આરોપ લગાવી વિરોધ કર્યો હતો. આ બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યારે યુવક-યુવતીઓ ત્યાંથી નીકળવા લાગ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેમને રસ્તા વચ્ચે રોકી લીધા હતા અને મામલો વધુ બિચક્યો હતો.

યુવતી છોડી દેવાની આજીજી કરતી રહી, પણ લોકોનું આક્રમક વર્તન ચાલુ રહ્યું

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક લોકો યુવતી અને તેની સાથેના યુવકને ઘેરીને ઊભેલા જોઈ શકાય છે. વીડિયોમાં યુવતી વારંવાર રડતાં રડતાં “પ્લીઝ અમને છોડી દો” કહીને આજીજી કરતી નજરે પડે છે. તેમ છતાં ત્યાં હાજર કેટલાક લોકો તેની સાથે અત્યંત હિંસક અને અસભ્ય વર્તન કરતા જોવા મળે છે.

પોલીસે 2 લોકોની કરી અટકાયત, તપાસ તેજ

આ મામલે ઢેંકનાલના એસપી (SP) અને સ્થાનિક પોલીસ સ્ટેશનના આઈઆઈસી (IIC) એ જણાવ્યું છે કે બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વાયરલ વીડિયો અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે અત્યાર સુધીમાં 2 લોકોની અટકાયત કરી છે. પોલીસ એ બાબતની પણ તપાસ કરી રહી છે કે ઘટના કયા સંજોગોમાં શરૂ થઈ અને તેમાં અન્ય કેટલા લોકો સામેલ હતા. સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ દોષિતો સામે સખત કાનૂની પગલાં ભરવામાં આવશે.