બારડોલી પાસે બે બસ વચ્ચે ભીષણ ટક્કર, 5થી વધુના મોત

સુરત: બારડોલી નજીક ઉવા ગામ પાસે બે બસો વચ્ચે ભયંકર ટક્કર બાદ એક બસ પલટી મારી જતા તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોથી વધુના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. બે સરકારી એસ.ટી. બસો વચ્ચે ખતરનાક ટક્કર વાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને બસ મહારાષ્ટ્ર પાસિંગની છે.

ઘટના એમ છે કે, હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું હતું. આમ પાછળ આવતી બસના ચાલકે ટેન્કર સાથે અથડામણ ટાળવાનો પ્રયત્ન કરતા બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેમાં બસ ડીવાઈડર કૂદી સામે આવતી અન્ય બસ સાથે ભયંકર રીતે ટકરાઈ હતી.

ગમખ્વાર અકસ્માતમાં એક બસ CNG હોવાથી ટક્કર બાદ તેમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 5થી વધુ લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બસ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.