વિક્રમ સંવત 2075માં કન્યા રાશિનું વાર્ષિક ભવિષ્ય

ગોચરના ગ્રહો જન્મરાશિથી જોવાનો પ્રચલિત મત છે. દરેક જાતકને નવું વર્ષ કેવું રહેશે? ગ્રહોનું પરિભ્રમણ તેમના જીવનમાં શું નવીનતા લાવશે? તે જાણવાની ઉત્સુકતા હોય છે. વર્ષ દરમ્યાન મોટા ગ્રહો શનિ, ગુરુ અને રાહુ-કેતુનું ભ્રમણ (વક્રી-માર્ગી) અને રાશિ બદલાવ સમગ્ર સૃષ્ટિ પર બદલાવ લાવે છે. દરેક રાશિની સાપેક્ષે આ ચાર મોટા ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળકથનનું શુભાશુભ મદાર રાખે છે.

કન્યા:

નાની પણ મહત્વની બાબતોનું ધ્યાન રાખનાર અને ઉત્તમ કાર્યકર્તા એવા કન્યા રાશિના જાતકો માટે વર્ષ દરમ્યાન નોકરી અને વ્યવસાયમાં થોડી તકલીફ પછી સફળતાના અનુભવો થઇ શકે. વર્ષ દરમ્યાન મુસાફરીના યોગ ઘણા બને છે, કાર્ય બાબતે પ્રગતિ જણાય છે. ઘર અને કુટુંબની બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડી શકે, પરંતુ હુન્નર અને વ્યવસાયિક સાહસની બાબતોમાં તમે કુદરતી રીતે જ વધુ પ્રગતિ અનુભવશો. દસમે રાહુ આવતા માર્ચ ૨૦૧૯ પછીનો સમય પ્રગતિદાયક કહી શકાય.

જુન ૧૯ અને સપ્ટેમ્બર ૧૯ મહત્વના મહિના બની રહેશે. મે ૧૯ દરમ્યાન નોકરી અને વ્યવસાયમાં એક મહિનો તકલીફનો અનુભવ થઇ શકે. વર્ષની શરૂઆતે લગભગ પહેલા ૩ મહિના છઠે મંગળ વિવાદો અને મતભેદથી બચવા સુચન કરે છે. તમે પ્રેમ સંબંધોમાં જલ્દી પ્રગતિ ઇચ્છતા હોવ તેવું બને, પરંતુ આ બાબતે તમારે યોગ્ય સમયની રાહ જોવી પડી શકે. ડીસેમ્બર ૧૮, જાન્યુઆરી ૧૯માં ચાલતી સંબંધોની વાત એપ્રિલ અને મે ૧૯ના સમય દરમ્યાન સફળ થાય તેવું બની શકે. મે અને જુન ૧૯ સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવા યોગ્ય થઇ શકે. ચતુર્થ ભાવે શનિ નવા મકાન અને નવા વાહનની ખરીદીમાં વધુ સતર્ક રહેવા સંકેત કરે છે, જૂની વસ્તુઓ કે મિલકતની ખરીદીને આ લાગુ પડતું નથી.

નીરવ રંજન