વિક્રમ સંવત 2075માં તુલા રાશિનું વાર્ષિક ભવિષ્ય

ગોચરના ગ્રહો જન્મરાશિથી જોવાનો પ્રચલિત મત છે. દરેક જાતકને નવું વર્ષ કેવું રહેશે? ગ્રહોનું પરિભ્રમણ તેમના જીવનમાં શું નવીનતા લાવશે? તે જાણવાની ઉત્સુકતા હોય છે. વર્ષ દરમ્યાન મોટા ગ્રહો શનિ, ગુરુ અને રાહુ-કેતુનું ભ્રમણ (વક્રી-માર્ગી) અને રાશિ બદલાવ સમગ્ર સૃષ્ટિ પર બદલાવ લાવે છે. દરેક રાશિની સાપેક્ષે આ ચાર મોટા ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળકથનનું શુભાશુભ મદાર રાખે છે.

તુલા:

તુલા રાશિના જાતકોને આ વર્ષ દરમ્યાન કાર્ય અને કુટુંબ બંને ક્ષેત્રે પ્રગતિ થશે અને શુભ પ્રસંગો બનશે. નોકરીમાં તમારી બઢતી થઇ શકે. તમે જ્યાં કાર્ય કરતા હોવ તે ક્ષેત્રમાં બદલાવ આવવાથી તમને લાભ થાય તેવું બની શકે. વર્ષ દરમ્યાન આર્થિક બાબતોમાં તમે ખુબ નસીબદાર સાબિત થશો. નજીકના કુટુંબીજનોનો સાથ સહકાર મળશે. ઘરમાં કોઈ મતભેદ હોય તો તે જલ્દી દુર થશે. ત્રીજે શનિ શુભ બનીને તમને ધાર્યા પરિણામ આપશે. વર્ષ એકંદરે શુભ રહેશે અને ગ્રહ જનિત તકલીફો લગભગ નહીવત કહી શકાય, તેનું કારણ શનિ અને ગુરુ બંનેનું અનુકુળ સ્થાનોમાં ભ્રમણ છે.

એપ્રિલ ૧૮ અને જુન ૧૯ તમારી માટે આ વર્ષે ખુબ શુકનિયાળ સાબિત થઇ શકે. તમને આર્થિક લાભ થાય, અથવા મુશ્કેલ કાર્ય સિદ્ધ થઇ શકે. લગ્ન બાબતે રાહ જોઈ રહ્યા હોવ તો ફેબ્રુઆરી અને માર્ચ ૧૯ મહિના તમારી માટે ફળદાયી રહેશે. મકાન અને વાહન બાબતે આ વર્ષે ખર્ચ રહી શકે. માર્ચ ૧૯ સુધી આ બાબતે તમે મોટો ખર્ચ કરો તેવું બની શકે.

વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ ઓછી મહેનતે વધુ સફળતા મળે તેવું બની શકે, જેની રાહ જોઈ રહ્યા હોવ તે નિશ્ચિત બાબતમાં તમને જલ્દી સફળતા હાથ લાગી શકે. મે ૧૯ દરમ્યાન કાર્યસ્થળે થોડો સમય પડકાર જનક રહી શકે. પગના ભાગે પીડા હોય તેમને આ સમય દરમ્યાન સંભાળવું પડે. વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય બાબતે મધ્યમથી શુભ પરિણામો મળે છે.

નીરવ રંજન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]