પહેલી કોલકાતા ટેસ્ટ ડ્રોમાં ગઈ; ભારત જીતતાં સહેજમાં રહી ગયું

કોલકાતા – ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ આજે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે પાંચમા તથા છેલ્લા દિવસે ડ્રોમાં પરિણમી છે. બીજી ટેસ્ટ મેચ આવતી ૨૪ નવેમ્બરથી નાગપુરમાં રમાશે.

વરસાદના પ્રારંભિક વિઘ્નને કારણે શરૂઆતમાં નિરસ જેવી લાગેલી પહેલી ટેસ્ટ મેચ ધીમે ધીમે અત્યંત રોમાંચક બની ગઈ હતી. વાસ્તવમાં, ભારત સહેજમાં જીતતાં રહી ગયું છે. પહેલા દાવમાં શ્રીલંકા કરતાં ૧૨૨ રન પાછળ રહી ગયેલી ભારતીય ટીમે તેનો બીજો દાવ આજે ૮ વિકેટે ૩૫૨ રને ડિકલેર કર્યો હતો અને શ્રીલંકાને જીત માટે ૨૩૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારતના બોલરોએ જોરદાર આક્રમણ કરીને શ્રીલંકાની ૭ વિકેટ પાડી દીધી હતી અને સ્કોરબોર્ડ પર થયા હતા માત્ર ૭૫. ભારતના બોલરોને જો અડધો-પોણો કલાક વધારે મળ્યો હોત તો શ્રીલંકાને પરાજિત કરી દીધું હોત.

ભારત માટે આજે વિજયની ઉજળી તક ઊભી કરી આપી હતી કેપ્ટન વિરાટ કોહલીએ, જેણે એની કારકિર્દીની ૬૨મી ટેસ્ટમાં ૧૯મી સદી ફટકારી હતી અને બીજા દાવમાં ૧૦૪ રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

શ્રીલંકાના બીજા દાવમાં ફાસ્ટ બોલર ભૂવનેશ્વર અત્યંત ઘાતક બોલિંગ કરી હતી અને ૧૧ ઓવરમાં માત્ર ૮ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. ભૂવનેશ્વરે પહેલા દાવમાં પણ ચાર વિકેટ લીધી હતી. એને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો છે. ભૂવનેશ્વર ૨૩ નવેમ્બરે મેરઠમાં નુપૂર સાથે લગ્ન કરવાનો છે. ભૂવનેશ્વર અને નુપૂર નાગર ગંગાનગરમાં એક જ સોસાયટીમાં રહે છે. પડોશી હોવાથી બંનેનાં પરિવારો એકબીજાથી પરિચીત છે.